Loading...

PM મોદી આજથી 2 દિવસની ગુજરાત મુલાકાતે:સાંજે નિકોલમાં રોડ શો બાદ ખોડલધામ ગ્રાઉન્ડમાં સભા

PM મોદી 25 અને 26 ઓગસ્ટ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે. 25 ઓગસ્ટે સાંજે ચાર વાગ્યે અમદાવાદ એરપોર્ટથી સીધા નિકોલ આવશે. નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો કરશે. ત્યાર બાદ સભા યોજશે, જેમાં 5477 કરોડના વિકાસ કાર્યાના લોકાર્પણ-ખાત મુહૂર્ત કરશે. જેને પગલે સમગ્ર નિકોલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં PM મોદી 'ઓપરેશન સિંદૂર' બાદ 26-27મે(2025)ના રોજ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા હતા.

PMના આ કાર્યક્રમને લઈને કેટલાક માર્ગો પ્રતિબંધિત જાહેર કરી વૈકલ્પિક માર્ગ નક્કી કરવામાં આવ્યા છે. તેમજ પાર્કિંગ માટે AMCએ AMDA પાર્ક એપમાં પાર્કિંગ સ્લોટ બુક કરવા માટે સ્ટેપ વાઇઝ સમજાવ્યું છે.

રાધિકા રોયલ ફ્લેટ સામે અને દેવસ્ય સ્કૂલના રોડ તરફ પાર્કિંગ VVIP-VIP પાર્કિંગ 

જાહેર સભામાં આવનારા લોકો માટે કાર અને બસ સહિત અન્ય વાહનોના પાર્કિંગ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 19 જેટલા પ્લોટમાં વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. નિકોલ સભા મંડપની સામેના ભાગે રાધિકા રોયલ ફ્લેટની સામે અને દેવસ્ય સ્કૂલના રોડ તરફ VVIP અને VIP પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

કોનું ક્યાં પાર્કિંગ? 

મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, મીડિયા સહિતના અન્ય લોકોના કાર પાર્કિંગ માટે સ્વસ્તિક ફાર્મ અને ગોવર્ધન ગેલેક્સી ફ્લેટની સામેના ભાગે આવેલા પ્લોટમાં પાર્કિંગ આપવામાં આવ્યું છે. જ્યારે બસનું પાર્કિંગ ભક્તિ સર્કલ અને સુકન ચાર રસ્તા પાસે વિરાંજલી ગ્રાઉન્ડ સહિતના આજુબાજુના વિસ્તારમાં આવેલા પ્લોટોમાં પાર્કિંગ આપવામાં આવ્યું છે. જે સ્થળે રોડ શોમાં નાગરિકો આવવાના છે તેમને ત્યાં બસ ઉતારી અને પાર્કિંગમાં જશે અને ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ થયા પછી બસ તેમને નિયત કરેલા ઇન્ચાર્જ સ્થળ પર બોલાવશે જ્યારે સભામાં બસમાં આવેલા લોકોને સભાથી 100થી 200 મીટર દૂર ઉતારી દેવામાં આવશે જેથી લોકોએ સભા સ્થળ સુધી ચાલીને જવાનું રહેશે.

વરસાદની આગાહીને પગલે વોટરપ્રૂફ જર્મન ડોમ ઉભા કર્યાં 

વરસાદની આગાહીને પગલે પીએમની સભા માટે વિશાળ વોટરપ્રૂફ જર્મનડોમ ઉભો કરવામાં આવ્યો છે. ગઈકાલે શહેરમાં નરોડા અને નિકોલ વિસ્તારમાં પડેલા એક ઇંચ જેટલા વરસાદમાં પાણી ભરાઈ ગયા હતા. આ PM મોદી નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ જાહેરસભાને સંબોધવાના છે. આ પહેલા વરસાદને કારણે સભાસ્થળ બહાર કાદવ કીચડ થઈ ગયા હતા. તેમજ રોડ શોના રૂટ ઉપર પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. આ પાણીનો નિકાલ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર કામે લાગ્યું હતું. ત્રણથી ચાર ડિવોટરીંગ પંપ અને મોટા જેટિંગ મશીનો મૂકીને વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો.

રોડ શોના રૂટને ચકાચક કરી દેવાયો 

નિકોલ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી દિવસ રાત રોડ અને ફૂટપાથની કામગીરી કરવામાં આવી રહી છે. ડીવાઈડરની વચ્ચે કલરકામ કરવામાં આવ્યું છે. નિકોલ ખોડીયાર મંદિર થી ઉમા વિદ્યાલય થઈને શુકન ચોકડી સુધી નવો રોડ બનાવવામાં આવ્યો છે. આંતરિક રસ્તાઓમાં પણ જ્યાં પણ નાના મોટા ખાડા અથવા તો રોડ ખરાબ હોય તેને નવો બનાવી દેવામાં આવ્યો છે. દિવસ- રાત જેસીબી મશીનો ડમ્પરો વગેરે દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. નિકોલ વિસ્તારમાં તેમજ વડાપ્રધાનના રોડ શોના રૂટ ઉપર ઠેર ઠેર સફાઈ પણ કરવામાં આવી રહી છે.