Loading...

સતત ત્રીજા દિવસે મુંબઈ-અમદાવાદ હાઇવે પર 15 KMનો ટ્રાફિક:વાહનચાલકો 5 કલાકથી ફસાયા

મુંબઈ-અમદાવાદ હાઈવે પર આજે (25 ઓગસ્ટ) સતત ત્રીજા દિવસે ભયંકર ટ્રાફિકજામ થયો છે. મુંબઈથી અમદાવાદ જતા નેશનલ હાઈવે પર આજે વડોદરા નજીક 15 કિમી લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. વાહનચાલકો 5-5 કલાક સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહેતાં પરેશાન થઈ ગયા છે. જાંબુવાબ્રિજથી લઈને પુનિયાદ ગામ સુધી ટ્રાફિકજામ થતા વાહનોના થપ્પા લાગી ગયા હતા. જાંબુઆબ્રિજ પર મસમોટા ખાડા પડી જતા ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ રહી છે. જોકે, આ ખાડાઓને પુરવાની કામગીરી હજુ સુધી શરૂ થઈ નથી. વાહનચાલકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, સરકાર ટોલટેક્સ વસૂલ કરે છે, પરંતુ સારા રસ્તા આપતી નથી. તમે ક્યાંય પણ જાઓ, આ સરકાર તમને લૂંટી લેવાની છે.

નાનાં બાળકો સાથે લોકો કલાકોથી ટ્રાફિકમાં 

મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે નંબર 48 પર ગઈકાલે પણ 10 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થયો હતો અને આજે પણ બીજા દિવસે 15 કિલોમીટર ટ્રાફિકજામ થયો છે, જેને કારણે વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. લોકો કલાકોથી ટ્રાફિકમાં ફસાયેલા હોવાથી ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. નાના-નાના બાળકો ભૂખ્યા-તરસ્યા ટ્રાફિકમાં ફસાયેલા છે. અગાઉ દિવ્ય ભાસ્કરના અહેવાલને પગલે જાંબુવાબ્રિજ પર નવો રોડ બનાવી દેવામાં આવ્યો હતો. જોકે, ફરી વરસાદ શરૂ થતા મુંબઈથી અમદાવાદ જતા સાંકડા બ્રિજ પર મોટા-મોટા ખાડા પડી ગયા છે, જેને કારણે એક તરફ ટ્રાફિકજામ થયો છે. ઉપરાંત પોર બ્રિજ પર પણ ટ્રાફિકજામ છે.

સાંકડા બ્રિજ અને ખાડા ટ્રાફિક માટે જવાબદાર 

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ચોમાસાના સમયમાં ભારે ટ્રાફિકજામ થાય છે. સાંકડા બ્રિજ પર મોટા-મોટા ખાડા પડી જતા ટ્રાફિક ધીમો ચાલે છે અને ટ્રાફિક જામ સર્જાય છે, જેને કારણે વાહનચાલકો પરેશાન થઈ જાય છે. જેને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્થાનિક તંત્ર ક્યારે જાગે છે તે જોવું રહ્યું.