ઉત્તરાખંડ-હિમાચલ-જમ્મુ અને રાજસ્થાનમાં ભારે વરસાદનું એલર્ટ, સ્કૂલો બંધ
હવામાન વિભાગે આજે ઉત્તર ભારતના ચાર મુખ્ય રાજ્યો - રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે. આ કારણે, રાજસ્થાનના 13 જિલ્લાઓ, ઉત્તરાખંડના 7 જિલ્લાઓ, હિમાચલના 4 જિલ્લાઓ અને જમ્મુ વિભાગની તમામ સ્કૂલો આજે સોમવારે બંધ રહેશે.
જો આપણે આ ચાર રાજ્યોમાં વરસાદની સ્થિતિની વાત કરીએ તો, રાજસ્થાનના કોટા, બુંદી, સવાઈ માધોપુર, જયપુર સહિત ઘણા જિલ્લાઓમાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ બાદ સવાઈ માધોપુરમાં લગભગ 50 ફૂટ જમીન ધસી પડી હતી.
હિમાચલમાં ભારે વરસાદને કારણે, બે નેશનલ હાઈવે સહિત 484 રસ્તાઓ બંધ છે. બિલાસપુર, હમીરપુર, ઉના અને સોલનમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવામાં આવી છે. 20 જૂનથી 24 ઓગસ્ટ સુધીમાં, 77 અચાનક પૂર, 40 વાદળ ફાટવાની ઘટનાઓ અને 79 ભૂસ્ખલનની ઘટનાઓ બની છે.
જમ્મુ વિભાગમાં ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે, શાળા શિક્ષણ નિયામક દ્વારા તમામ સરકારી અને ખાનગી સ્કૂલો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં 25 ઓગસ્ટના રોજ યોજાનારી ધોરણ 10 અને 11ની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે.
મધ્યપ્રદેશમાં ભારે વરસાદ ચાલુ છે. ડિંડોરીમાં નર્મદા નદીમાં પૂર આવ્યું છે. મંડલામાં પણ નર્મદાના જળસ્તરમાં વધારો થવાને કારણે મહિષ્મતી ઘાટનો નાનો પુલ ડૂબી ગયો છે. સતનામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં વસાહતો ડૂબી ગઈ છે.
યુપીમાં વરસાદને કારણે બંધ, નદી- નાળા છલકાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 8 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. રવિવારે ચંદૌલીમાં ઘાઘરા નદી પર બનેલો મુસાહિબપુર ડેમ અચાનક તૂટી ગયો. જેના કારણે પાંચ ગામોમાં પાણી ઘૂસી ગયું છે. ફરુખાબાદમાં ગંગા ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે. પંખિયાન ગામમાં, મુખ્ય કાર્યાલય સહિત ત્રણ ઘર ગંગામાં ડૂબી ગયા.