વડોદરામાં ગણેશજીની મૂર્તિ પર ઈંડાં ફેંકાયાં:પોલીસે મોડીરાતે શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી
વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની મૂર્તિ પર 25 ઓગસ્ટની રાતે 3 વાગ્યે અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાએ શહેરના શાંતિપ્રિય વાતાવરણમાં ખળભળાટ મચાવ્યો છે. આ ઘટનાને સ્થાનિક દંડક શૈલેષ પાટીલે "આતંકવાદી કૃત્ય" ગણાવીને શાંતિ ભંગ કરવાનો પ્રયાસ ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે, આવા કૃત્યથી વડોદરાની સંસ્કૃતિ અને શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ થયો છે, પરંતુ શહેરના લોકો આવા તત્વોને સફળ થવા દેશે નહીં.
સિટી પોલીસ મથકના પી. આઈ. રાજેન્દ્ર ચૌહાણે જણાવ્યું કે, હાલમાં તપાસ ચાલી રહી છે અને આ બાબતની વિગતો અમારા ઉચ્ચ અધિકારીઓ આપશે. શંકાસ્પદ ત્રણ જેટલા વ્યક્તિને રાઉન્ડઅપ કર્યા છે.
પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરીવડોદરા સિટી પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને અજાણ્યા શખસો સામે ગુનો નોંધ્યો છે. તપાસ માટે એસીપી, ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને એફએસએલની ટીમો સક્રિય થઈ છે. સવારે 4 વાગ્યે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીઓની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે.
સીસીટીવીના આધારે ઓળખની પ્રક્રિયા શરૂ
સ્થાનિક દંડક શૈલેષ પાટીલે પોલીસની ત્વરિત કાર્યવાહીની પ્રશંસા કરતાં કહ્યું કે, પોલીસે રાત્રે 4 વાગ્યે જ શંકાસ્પદ લોકોના ઘરે પહોંચીને તપાસ શરૂ કરી છે. આવા કૃત્યો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. વડોદરા શહેરની સંસ્કૃતિ અને શાંતિ જાળવવા માટે અમે તમામ તહેવારો ઉત્સાહથી ઉજવીશું. ઉલ્લેખનીય છે કે, આ ઘટના બાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે અને પોલીસે લોકોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.
