ધરોઈ-સંત સરોવર ડેમમાંથી પાણી છોડાયું, સાબરમતી રોદ્ર સ્વરૂપ ધારણ કરશે:શહેરના 19 વિસ્તાર હાઈ એલર્ટ
હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે, જેમાં આગામી બે દિવસ (27-28 ઓગસ્ટ) કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદની આગાહીને લઈને રાજ્યના માછીમારોને 28 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ સાથે પોર્ટ પર 3LC સિગ્નલ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા પ્રમાણે, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફના કારણે હાલ રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે.
સાવધાન અમદાવાદ, સાબરમતી રોદ્ર સ્વરૂપ ધારણ કરશે
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં બે દિવસથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. આજે (26 ઓગસ્ટ) સવારે છ વાગ્યે ધરોઈ ડેમમાંથી 51848 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે, જેના પગલે સાબરમતી નદીમાં પાણીનું સ્તર ખૂબ વધ્યું છે. સંત સરોવર ડેમમાંથી પણ 94056 પાણી છોડવામાં આવ્યું છે, જેથી સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. સાબરમતી નદીમાં છોડવામાં આવેલા પાણીના પગલે અમદાવાદ શહેરના 19 વિસ્તાર અને જિલ્લાના 133 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.
1 વાગ્યા સુધીની વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 1 વાગ્યા સુધી માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્ માં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પાટણ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદર અને નગર હવેલી, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે
રાજ્યના 69 ડેમ 100 ટકાથી વધુ ભરાયેલા
રાજ્યના ડેમની સ્થિતી અંગે વાત કરીએ તો, રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદીના સરદાર સરોવર ડેમમાં હાલ 2,83,431 MCFT જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમ હાલ 84 ટકાથી વધુ ભરાયો છે. સરદાર સરોવર સિવાયના રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,36,135 MCFT જળસંગ્રહ થયો છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 78.18 ટકા છે. રાજ્યમાં હાલ 69 ડેમ 100 ટકાથી વધુ અને 27 ડેમ 90 ટકાથી 100 ટકા ભરાતા કુલ 94 ડેમને હાઈ એલર્ટ, 27 ડેમ 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ તથા 19 ડેમને વોર્નીગ આપવામાં આવી છે.
ચોમાસાની કોઇપણ સંભવિત કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરા આયોજનના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા NDRFની 12 ટુકડીઓ અને SDRFની 20 ટુકડીઓ વિવિધ જિલ્લામાં ડિપ્લોય કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન આપાતકાલીન પરિસ્થિતિ ધરાવતા સ્થળો ખાતેથી સુરક્ષાના ભાગરૂપે કુલ 5,191 નાગરિકોનું સ્થળાંતર અને 966 નાગરિકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.
