બહુચરાજીથી બર્મિંગહામ, નવો માઇલસ્ટોન રચ્યો:'Maruti e Vitara'ની પ્રાઇસ રૂ.20 લાખથી શરૂ
ગુજરાત આજે નવો માઇલસ્ટોન રચવા જઈ રહ્યું છે. PM નરેન્દ્ર મોદી આજે 26 ઓગસ્ટ, મંગળવારના રોજ હાંસલપુર સ્થિતિ મારુતિ સુઝુકી કંપનીની પહેલી ઈલેક્ટ્રિક કાર 'Maruti e Vitara'ને લોન્ચ કરી. આ ઉપરાંત બેટરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. ભારતમાં બનેલી મારુતિ સુઝુકીની આ પહેલી ઈલેક્ટ્રિક કાર જાપાન સહિત 100થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે. આ કાર સિંગલ ચાર્જમાં 500 કિલો મીટર ચાલશે. ઓટોમોબાઇલ હબ બનવા તરફ આ ગુજરાતનું સૌથી મોટું પગલું છે.
જાન્યુઆરી 2025માં પહેલી ઇલેક્ટ્રિક કાર ઇ-વિટારા રજૂ કરી હતી
આ પહેલાં જાન્યુઆરીમાં મારુતિ સુઝુકીએ ઇન્ડિયા ગ્લોબલ મોબિલિટી એક્સપો 2025માં એની પહેલી ઇલેક્ટ્રિક કાર ઇ-વિટારા રજૂ કરી હતી. મારુતિએ આ કારને બે બેટરી પેક વિકલ્પો સાથે રજૂ કરી હતી. આમાં 49kWh અને 61kWh બેટરી પેકનો સમાવેશ થાય છે. કંપનીનો દાવો છે કે આ કાર એકવાર ફુલ ચાર્જ થયા પછી 500 કિલોમીટરથી વધુ ચાલશે.
49kWh બેટરી પેકવાળા બેઝ મોડલ માટે મારુતિ ઇ વિટારાની કિંમત 20 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)થી શરૂ થઈ શકે છે. એ જ સમયે હાઇ પાવર મોટર સાથે 61kWh બેટરી પેક ધરાવતા મોડલની કિંમત 25 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) હોઈ શકે છે. આ ઉપરાંત E-ઓલ ગ્રિપ AWD વર્ઝનની કિંમત 30 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) રાખી શકે છે.
મારુતિ ઇ વિટારા: ₹22 લાખ (એક્સપેક્ટેડ પ્રાઇસ)
E Vitaraનું કોન્સેપ્ટ વર્ઝન 2023 એક્સપોમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. જાન્યુઆરી 2025માં કંપનીએ E Vitaraની માત્ર એક ઝલક દર્શાવી હતી. ઇવીનો ફ્રન્ટ લુક ઈન્ટરનેશનલ વર્ઝન જેવો જ હશે. મારુતિ ઈ-વિટારામાં ઘણાં એડવાન્સ ફીચર્સ આપવામાં આવશે. એના વૈશ્વિક મોડલમાં બે બેટરી પેક વિકલ્પો છે. 49kwh અને 61kwh. એવો અંદાજ છે કે આ જ બેટરી પેક વિકલ્પ તેના ભારતીય વર્ઝનમાં પણ મળી શકે છે.
MBSIR હવે ભારતનું સૌથી મોટું ઓટોમોબાઇલ હબ
2012માં ગુજરાત સરકારે 44 ગામ, 50,884 હેક્ટરમાં માંડલ-બેચરાજી સર(MBSIR)ની જાહેરાત કરી હતી. MBSIR હવે ભારતનું સૌથી મોટું ઓટોમોબાઇલ હબ બની રહ્યું છે, જેમાં મુખ્યત્વે ઓટોમોબાઇલ, મેન્યુફેક્ચરિંગ અને આનુષંગિક ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત છે. એનો વિકાસ તબક્કાવાર થયો છે. અહીંની મુખ્ય કંપનીઓ અને રોકાણની વાત કરીએ તો મારુતિ સુઝુકી, હોન્ડા (ટૂ-વ્હીલર્સ), ફોર્ડ, SAIC, ટાટા મોટર્સ જેવી કંપનીઓ કાર્યરત છે. 2025 સુધીમાં રૂ. 12,000 કરોડનું રોકાણ આવ્યું છે. વાર્ષિક 10 લાખથી વધુ કારોનું ઉત્પાદન થાય છે, જે આગામી પાંચ વર્ષમાં 25 લાખ સુધી વધવાની અપેક્ષા છે.
