Loading...

હાથમાં આરતીની થાળી, આંખમાં આંસુ, મોદીને જોઈને મહિલા રડી પડી:અમદાવાદમાં PMના રોડ શોમાં ભાવુક દૃશ્ય

PM મોદીને 25 ઓગસ્ટે ગુજરાતમાં ભારે ઉમળકા સાથે આવકાર મળ્યો હતો. અમદાવાદના નિકોલમાં પહેલા રોડ અને પછી સભામાં હકડેઠઠ માનવમેદની ઊમટી પડી હતી. PM મોદીની એક ઝલક મેળવવા માટે લોકોએ રીતસરની પડાપડી કરી હતી. PM મોદીની લોકચાહનાની એક તસવીરે સૌકોઈનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં એક મહિલા મોદીની સામે તેમની આરતી ઉતારતાં ઉતારતાં ભાવુક થઈને રડી પડી હતી. આ હૃદયસ્પર્શી ઘટનાએ સૌનાં દિલ જીતી લીધાં હતાં. PM મોદીના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પણ આ તસવીર પોસ્ટ કરવામાં આવી છે.

આ મહિલાનું નામ વિલાસબા ભૂપેન્દ્રસિંહ સિસોદિયા છે. અમદાવાદના નિકોલમાં પતિ અને દીકરા-દીકરી સાથે રહેતાં વિલાસબા મોદીના મોટા ફેન છે. PM મોદી જ્યારે નિકોલમાં રોડ શો કરી રહ્યા હતા ત્યારે વિલાસબા આરતીની થાળી લઈને ગયાં હતાં અને જ્યારે મોદી તેમની સામેથી પસાર થયા ત્યારે તેમણે ભાવુક થઈને તેમની આરતી ઉતારી હતી. આ જોઈને PM મોદીએ પણ તેમની સામે હાથ જોડીને નમસ્કાર કર્યા હતા.

'હું મારા ભોળાનાથની જગ્યાએ મોદીસાહેબને રાખું છું' 

વિલાસબા સિસોદિયાએ વાતચીતમાં જણાવ્યું હતું કે તેમના માટે મોદીજી તેમનાં માતા-પિતા પછી સૌથી પૂજનીય છે. "મારા ઈષ્ટદેવ ભોળાનાથ છે અને હું તેમને ખૂબ જ માનું છું. હું મારા ભોળાનાથની જગ્યાએ મોદીસાહેબને રાખું છું. મને આજે જણાવતાં ખૂબ જ આનંદ થાય છે કે ઘેરબેઠાં ભગવાન આવ્યા છે."

'આપણાં બાળકો અને બહેન-દીકરીઓ રાત્રે સુરક્ષિત બહાર ફરી શકે છે' 

વિલાસબાએ વધુમાં કહ્યું હતું કે "હું ખરેખર ખૂબ જ ખુશ છું. આ લાગણીને શબ્દોમાં વર્ણવવી ખૂબ જ અઘરી છે." તેમણે 1984નાં રમખાણો અને કર્ફ્યૂના સમયને યાદ કરતાં કહ્યું હતું કે એ સમયે સ્વતંત્રતા નહોતી. તેમના પપ્પા જ્યારે સાંજે ઘરે પાછા ફરતા ત્યારે જ શાંતિ થતી હતી, પરંતુ આજે મોદીજીના કારણે આપણે બધા સ્વતંત્રતાપૂર્વક ફરી શકીએ છીએ, આપણાં બાળકો અને બહેન-દીકરીઓ રાત્રે પણ સુરક્ષિત રીતે બહાર ફરી શકે છે.