Loading...

નવરાત્રીમાં છૂટાછવાયા વરસાદની અંબાલાલની આગાહી:ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે ભારે બે દિવસ વરસાદનું ઓેરેન્જ એલર્ટ

હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે, જેમાં આજથી બે દિવસ (27-28 ઓગસ્ટ) કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જેને પગલે આજે (27 ઓગસ્ટ) છોટા ઉદેપુર, તાપી, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છુટા છવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

ભારે વરસાદની આગાહીને લઈને રાજ્યના માછીમારોને 28 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ સાથે પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા પ્રમાણે, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફના કારણે હાલ રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં 27 ઓગસ્ટ સવારે 6 વાગ્યા સુધીમાં સિઝનનો સરેરાશ 85 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

નવરાત્રીમાં રાજયમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ 

અંબાલાલ પટેલે હવામાનની આગાહી કરતાં જણાવ્યું હતું કે, હવે વરસાદ 28 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શકયતા છે. ત્યારબાદ તારીખ 18થી 30 સપ્ટેમ્બર વચ્ચે બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થવાથી શકયતા રહેશે. આ સિસ્ટમના કારણે હવામાં દબાણ થવાથી વરસાદ થવાની શકચતા રહેશે. તથા નવરાત્રીમાં પણ રાજયમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થવાની શકયતા રહેશે.

રાજ્યમાં સિઝનનો 85 ટકા વરસાદ વરસી ગયો 

ઓગસ્ટ મહિનો પૂર્ણ થવા આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 85 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઝોન વાઈઝ વરસેલા વરસાદની આંકડાની વાત કરીએ તો કચ્છ ઝોનમાં 85.14 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 88.80 ટકા, પૂર્વ ઝોનનમાં 80.21 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 83.75 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 88.46 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

રાજ્યના 69 ડેમ 100 ટકાથી વધુ ભરાયેલા 

રાજ્યના ડેમની સ્થિતી અંગે વાત કરીએ તો, રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદીના સરદાર સરોવર ડેમમાં હાલ 2,83,431 MCFT જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમ હાલ 84 ટકાથી વધુ ભરાયો છે. સરદાર સરોવર સિવાયના રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,36,135 MCFT જળસંગ્રહ થયો છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 78.18 ટકા છે. રાજ્યમાં હાલ 69 ડેમ 100 ટકાથી વધુ અને 27 ડેમ 90 ટકાથી 100 ટકા ભરાતા કુલ 94 ડેમને હાઈ એલર્ટ, 27 ડેમ 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ તથા 19 ડેમને વોર્નીગ આપવામાં આવી છે.

ચોમાસાની કોઇપણ સંભવિત કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરા આયોજનના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા NDRFની 12 ટુકડીઓ અને SDRFની 20 ટુકડીઓ વિવિધ જિલ્લામાં ડિપ્લોય કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન આપાતકાલીન પરિસ્થિતિ ધરાવતા સ્થળો ખાતેથી સુરક્ષાના ભાગરૂપે કુલ 5,191 નાગરિકોનું સ્થળાંતર અને 966 નાગરિકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.