સેવન્થ ડે સ્કૂલમાંથી 70 વાલીઓએ પ્રવેશ રદ કરાવવા પૂછપરછ કરી
સેવન્થ ડે સ્કૂલમાં એક અઠવાડિયા બાદ સોમવારથી શિક્ષણ કાર્ય ઓનલાઇન શરૂ કરવામાં આવ્યું હતું.ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે.DEO કચેરીના ચાર અધિકારીઓને સ્કૂલમાં ડેપ્યુટ કરવામાં આવ્યા છે. જેથી જે વાલીઓ સ્કૂલમાંથી પ્રવેશ રદ કરીને અન્ય સ્કૂલમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હશે તેમને ટીમ દ્વારા મદદ કરવામાં આવશે.મંગળવારે પ્રથમ દિવસે DEO ની ટીમને 70 થી વધુ વાલીઓ પ્રવેશ રદ કરીને અન્ય સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે મળ્યા હતા.
વિદ્યાર્થીઓએ સ્કૂલ બદલવી હશે તો DEO કચેરીના અધિકારી મદદ કરશે
સ્કૂલમાં વિદ્યાર્થિની હત્યાની બનેલી ઘટના બાદ ઘણા વાલીઓ પોતાના બાળકોનું એડમિશન ત્યાંથી રદ કરીને અન્ય સ્કૂલમાં મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે.પરંતુ સ્કૂલ બંધ હોવાથી વાલીઓને તેમના બાળકોનું એલસી મળી રહ્યું નથી.જેથી DEO કચેરી દ્વારા ચાર અધિકારીઓને આજથી સ્કૂલમાં ડેપ્યુટ કરવામાં આવ્યા છે..આ ચાર અધિકારીઓ જે બાળકોને અન્ય સ્કૂલમાં એડમિશન લેવું છે તે માટે મદદ કરે છે.હાલ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ વિના પ્રોવિઝનલ એડમિશન આપીને બાળકને અન્ય સ્કૂલમાં અભ્યાસ પણ શરૂ કરાવી દેવામાં આવશે. તમામ વાલીઓ DEO કચેરીના અધિકારીઓનો સંપર્ક કરીને એડમિશન ત્યાંથી કઢાવી અન્ય સ્કૂલમાં મેળવી શકશે.
આજે પ્રથમ દિવસે વાલીઓની અવરજવર સ્કૂલમાં દેખાઈ હતી.પ્રથમ દિવસે સ્કૂલમાં અનેક વાલીઓ ઇન્ક્વાયરી માટે આવ્યા હતા.70થી વધુ વાલીઓએ પ્રવેશ રદ કરાવીને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરવા રજૂઆત કરી હતી.જોકે હજુ પણ આ પ્રક્રિયા ચાલુ રહેશે જેથી વાલીઓ સ્કૂલમાં જઈને પ્રવેશ રદ કરાવી અન્ય સ્કૂલમાં મેળવી શકશે.
સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ભારે હોબાળો સર્જાયો હતો.સ્કૂલમાં તોડફોડ અને આંદોલન પણ થયું હતું.સ્કૂલની અંદર અને બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.ગત મંગળવારથી સ્કૂલમાં શિક્ષણ કાર્ય સંપૂર્ણ બંધ હતું જે 25 ઓગસ્ટથી ફરીથી શરૂ કરવામાં આવ્યું છે.DEO ની સૂચનાથી ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ દ્વારા ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે હજુ ઓનલાઇન કે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું નથી.મહત્વનું છે કે સેવન્થ ડે સ્કૂલમાં 10,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
