Loading...

ગણેશજીની મૂર્તિ પર ઈંડાં ફેંકનાર ત્રણેયની ધરપકડ:એક કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં નિર્મલ પાર્ક યુવકમંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની મૂર્તિ પર 25 ઓગસ્ટની રાત્રે અસામાજિક તત્ત્વો દ્વારા ઈંડા ફેંકવામાં આવતાં ભારે તણાવ સર્જાયો હતો. આ ઘટનાએ શહેરના શાંતિપ્રિય વાતાવરણમાં ખળભળાટ મચાવ્યો હતો. આ ગુનાહિત કૃત્યની જાણ થતાં જ વડોદરા શહેર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં સુફીયાન ઉર્ફે ગામા સલીમભાઈ મન્સુરી, શાહનવાઝ ઉર્ફે બડબડ મોહંમદઇર્શાદ કુરેશી અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક સગીરનો સમાવેશ થાય છે. આ ઘટના બાદ પોલીસે આ વિસ્તારમાં પેટ્રોલિંગ અને બંદોબસ્ત પણ વધારી દીધો છે.

આરોપીઓના નામ સરનામા:

  1. સુફીયાન ઉર્ફે ગામા સલીમભાઇ મન્સુરી (ઉ.વ. 20, રહે. માસુમ ચેમ્બર્સ, ખાનગાહ મહોલ્લો, વાડી, વડોદરા)
  2. શાહનવાઝ ઉર્ફે બડબડ મોહંમદઇર્શાદ કુરેશી (ઉ.વ. 29 રહે. માસુમ ચેમ્બર્સ, ખાનગાહ મહોલ્લો, વાડી, વડોદરા)
  3. કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર
શું હતો સમગ્ર મામલો?

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં નિર્મલ પાર્ક યુવકમંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની મૂર્તિ પર 25 ઓગસ્ટની રાતે 3 વાગ્યે અસામાજિક તત્ત્વો દ્વારા ઈંડાં ફેંકવામાં આવ્યાં હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને લઈ વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર મંત્રી વિષ્ણુ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, પોલીસની હાજરીમાં ઇંડાં ફેંકવામાં આવ્યાં છે. કંઈક દાખલો બેસાડે તો સારું, બાકી તો આમ જ ચાલવાનું છે.

આ મામલે ડીસીપી એન્ડ્રુ મેકવાને જણાવ્યું હતું કે, આરોપી સામે કડક કાર્યવાહી કરાશે. આ ઘટના રાત્રિના 3 વાગ્યાના આસપાસની છે. શંકમંદોને પકડીને પૂછપરછ કરવામાં આવી રહી છે, સાથે જ સીસીટીવી ફૂટેજની તપાસ પણ કરી રહ્યા છે. હાલમાં અજાણ્યા શખસો સામે ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારમાં પેટ્રોલિંગ અને બંદોબસ્ત વધારવામાં આવશે. તો સિટી પોલીસ મથકના પી. આઈ. રાજેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે, હાલમાં તપાસ ચાલી રહી છે અને આ બાબતની વિગતો અમારા ઉચ્ચ અધિકારીઓ આપશે. શંકાસ્પદ ત્રણ જેટલી વ્યક્તિને રાઉન્ડઅપ કરી છે.

આ ઘટના અંગે સ્થાનિક દંડક શૈલેષ પાટીલે "આતંકવાદી કૃત્ય" ગણાવીને શાંતિ ભંગ કરવાનો પ્રયાસ ગણાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે આવા કૃત્યથી વડોદરાની સંસ્કૃતિ અને શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ થયો છે, પરંતુ શહેરના લોકો આવાં તત્ત્વોને સફળ થવા દેશે નહીં.

પોલીસ કંઈક દાખલો બેસાડે, બાકી તો આવું જ ચાલવાનુંઃ VHP 

આ અંગે વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર મંત્રી વિષ્ણુ પ્રજાપતિએ જણાવ્યું હતું કે અત્યારે વડોદરા શહેરમાં શ્રીજીની મૂર્તિની ઉપર ઈંડાં ફેંકવામાં આવ્યાં છે. કાર્યકરો પર ઈંડાં ફેંકવામાં આવ્યાં છે. પોલીસની હાજરીમાં ફેંકવામાં આવ્યાં છે અને રોડની બંને બાજુથી ફેંકવામાં આવ્યાં છે, એટલે અમારા માનવા મુજબ આ એક ષડયંત્રનો ભાગ છે. આ ષડયંત્રમાં જે કોઈ સામેલ હોય એની તપાસ કરીને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે. ગૃહમંત્રીનું જે સ્લોગન છે કે કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે, તો હવે એ જોવું રહ્યું કે કાયદામાં રહેશે કે કેમ? અને આને કારણે હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે. હિન્દુ સમાજ આજે ભારેલા અગ્નિ જેવું એના પર બેઠો છે. તો વડોદરા શહેરમાં કંઈપણ કશું થાય તો એની જવાબદારી આ અસામાજિક તત્ત્વોની રહેશે, કારણ કે પોલીસનો સહકાર મળ્યો છે, પણ સહકાર એ પૂરતો નથી. અસામાજિક તત્ત્વોને દાખલો બેસે એવી કોઈ સજા કરવામાં આવે કે એમનો વરઘોડો કાઢવામાં આવે, એવો કંઈક દાખલો બેસાડે તો બરાબર છે, બાકી તો જે પ્રમાણે જે ચાલે છે એ જ ચાલવાનું છે.

પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી 

વડોદરા સિટી પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને અજાણ્યા શખસો સામે ગુનો નોંધ્યો છે. તપાસ માટે એસીપી, ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને એફએસએલની ટીમો સક્રિય થઈ છે. સવારે 4 વાગ્યે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીઓની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે.

સીસીટીવીના આધારે ઓળખની પ્રક્રિયા શરૂ 

સ્થાનિક દંડક શૈલેષ પાટીલે પોલીસની ત્વરિત કાર્યવાહીની પ્રશંસા કરતાં કહ્યું, પોલીસે સવારે 4 વાગ્યે જ શંકાસ્પદ લોકોના ઘરે પહોંચીને તપાસ શરૂ કરી છે. આવાં કૃત્યો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. વડોદરા શહેરની સંસ્કૃતિ અને શાંતિ જાળવવા માટે અમે તમામ તહેવારો ઉત્સાહથી ઊજવીશું. ઉલ્લેખનીય છે કે આ ઘટના બાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે અને પોલીસે લોકોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.