Loading...

પંજાબમાં છત પરથી હેલિકોપ્ટર ઉડ્યું, આખેઆખી બિલ્ડિંગ પાણીમાં સમાઈ:સેનાએ 25 લોકોને બચાવ્યા

પંજાબમાં સતત વરસાદને કારણે 7 જિલ્લાઓ પૂરની ઝપેટમાં છે. બુધવારે, સેનાએ રાજ્યના માધોપુર હેડવર્ક્સ ખાતે પૂરના પાણીમાં ઘેરાયેલી એક જર્જરિત ઇમારતમાંથી 22 CRPF જવાનો અને 3 નાગરિકોને હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ કર્યા હતા.રેસ્ક્યૂ માટે, સેનાનું હેલિકોપ્ટર જર્જરિત ઇમારતની છત પર ઉતર્યું હતું.

હેલિકોપ્ટર છત પરથી ઉડાન ભર્યા પછી, ઇમારતનો આગળનો ભાગ તૂટી પડ્યો અને પાણીમાં સમાઈ ગયો. આ પછી પણ, સેનાએ કામગીરી બંધ કરી નહીં અને જર્જરિત ઇમારતની છત પર ફસાયેલા તમામ લોકોને બચાવ્યા. ભારતીય સેનાએ બચાવ કામગીરીનો વીડિયો X પર શેર કર્યો છે.

મહારાષ્ટ્રમાં અવિરત વરસાદ વચ્ચે, બુધવારે સવારે પાલઘર જિલ્લાના વિરાર પૂર્વમાં એક ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ. જેમાં ત્રણ લોકોના મોત થયા અને 9 લોકો ઘાયલ થયા. લગભગ 8 થી 10 લોકો હજુ પણ ફસાયેલા છે. બચાવ કામગીરી ચાલુ છે. રમાબાઈ એપાર્ટમેન્ટ નામની આ બિલ્ડિંગમાં લગભગ 12 પરિવારો રહેતા હતા.

પંજાબમાં ભારે વરસાદને કારણે, 30 ઓગસ્ટ સુધી તમામ સ્કૂલો બંધ રાખવામાં આવી છે. રાજ્યના 7 જિલ્લાઓ પૂરથી અસરગ્રસ્ત છે. NDRF, SDRF અને સેનાની ટીમો બચાવ કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં 92 લોકોને વિવિધ સ્થળોએથી બચાવવામાં આવ્યા છે.

આજે, રેલવેએ જમ્મુ અને કટરા રેલવે સ્ટેશનો પર રોકાતી અથવા ઉપડતી 22 ટ્રેનો રદ કરી છે. મંગળવારે અગાઉ, 27 ટ્રેનોને રસ્તામાં અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી. મુસાફરોને અન્ય સ્ટેશનો પર ઉતરવું પડ્યું હતું.

જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા 4 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. મંગળવારે ઘણી જગ્યાએ વાદળો ફાટ્યા હતા. કટરા સ્થિત વૈષ્ણોદેવી મંદિર જતા રસ્તા પર ભૂસ્ખલન થયું હતું. અત્યાર સુધીમાં 30 લોકોના મોત થયા છે. ડોડામાં વાદળ ફાટવા અને ભૂસ્ખલનને કારણે 4 લોકોના મોત થયા છે.

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં યમુના નદીના વધતા જળસ્તરને કારણે ડઝનબંધ ઘરો અને હોટલો પહેલા માળ સુધી પાણીમાં ડૂબી ગયા છે. હિમાચલ પ્રદેશમાં, મંગળવારે કુલ્લુ-મનાલી અને મંડીમાં રેસ્ટોરાં અને 20થી વધુ ઘરો અને દુકાનો બિયાસ નદીમાં ડૂબી ગયા હતા.