દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ:સીઝનમાં બીજીવાર નર્મદા ડેમના 5 દરવાજા ખોલાશે
હવામાન વિભાગે આગામી 28 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેમાં ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તો બીજી તરફ અંબાલાલ પટેલે નવરાત્રિમાં પણ રાજયમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થવાની શકયતા વ્યક્ત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં કોઇ વોર્નિંગ આપવામાં આવી નથી. માત્ર હળવા ઝાપટાની શક્યતા રહેશે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમના કારણે વરસાદનું જોર વધશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 641.8 મીમી વરસાદ નોંધાયો, જે સામાન્ય કરતા 14 ટકા વધુ છે.
નવરાત્રિમાં રાજયમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ
અંબાલાલ પટેલે હવામાનની આગાહી કરતાં જણાવ્યું હતું કે, હવે વરસાદ 28 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શકયતા છે. ત્યારબાદ તારીખ 18થી 30 સપ્ટેમ્બર વચ્ચે બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થવાથી શકયતા રહેશે. આ સિસ્ટમના કારણે હવામાં દબાણ થવાથી વરસાદ થવાની શકચતા રહેશે તથા નવરાત્રિમાં પણ રાજયમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થવાની શકયતા રહેશે.
રાજ્યમાં સિઝનનો 85 ટકા વરસાદ વરસી ગયો
ઓગસ્ટ મહિનો પૂર્ણ થવા આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 85 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઝોનવાઈઝ વરસેલા વરસાદની આંકડાની વાત કરીએ તો કચ્છ ઝોનમાં 85.14 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 88.80 ટકા, પૂર્વ ઝોનનમાં 80.21 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 83.75 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 88.46 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
રાજ્યના 69 ડેમ 100 ટકાથી વધુ ભરાઈ ગયા
રાજ્યના ડેમની સ્થિતી અંગે વાત કરીએ તો, રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદીના સરદાર સરોવર ડેમમાં હાલ 2,83,431 MCFT જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમ હાલ 84 ટકાથી વધુ ભરાયો છે. સરદાર સરોવર સિવાયના રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,36,135 MCFT જળસંગ્રહ થયો છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 78.18 ટકા છે. રાજ્યમાં હાલ 69 ડેમ 100 ટકાથી વધુ અને 27 ડેમ 90 ટકાથી 100 ટકા ભરાતા કુલ 94 ડેમને હાઈ એલર્ટ, 27 ડેમ 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ તથા 19 ડેમને વોર્નીગ આપવામાં આવી છે.
આજે સરદાર સરોવર ડેમના 5 દરવાજા ખોલાશે
સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાંથી 1.72 લાખ ક્યુસેક પાણીની આવકને પગલે આવતીકાલે ડેમના 5 દરવાજા પુન: ખોલવામાં આવશે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી 1.52 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા આ પાણી રાત્રિના સરદાર સરોવરમાં આવશે.
સરદાર સરોવર નર્મદા બંધ છલોછલ ભરાવવાની તૈયારીમાં છે. હાલમાં સરદાર સરોવરમાં પાણીનો સંગ્રહિત જથ્થો 8,512 MCM છે, એટલે ડેમ 90 ટકા જેટલો ભરાઈ ગયો છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરને જોતા હાલ સપાટી 135.65 મીટર છે એટલે છલોછલ થવામાં માત્ર 3 મીટર દૂર છે.