Loading...

જાણો કેવી રીતે બને છે અંબાજીનો મોહનથાળ:મા અંબાના ભક્તો માટે 3 લાખ 90 હજાર કિલો મોહનથાળનો પ્રસાદ બનાવાશે

શક્તિપીઠ અંબાજી ખાતે આસ્થા અને શ્રદ્ધાના પ્રતીક સમાન ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર દરમિયાન યોજાવા જઈ રહ્યો છે. આ મેળામાં લગભગ 30થી 40 લાખ ભક્તો મા અંબાના દર્શન કરવા આવે એવી શક્યતા છે. આ લાખો ભક્તોને માતાજીના દર્શન બાદ મોહનથાળનો પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ખાસ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

ગણેશ ચતુર્થીના શુભ દિવસે મોહનથાળ બનાવવાની શરૂઆત 

મહામેળામાં આવતા ભક્તો માટે મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી ગણેશ ચતુર્થીના શુભ દિવસે શરૂ થઈ છે. આ કાર્યક્રમની શરૂઆત બનાસકાંઠાના જિલ્લા કલેક્ટરના હસ્તે પૂજા અર્ચના કરીને કરવામાં આવી હતી. અંબાજીની નવી કોલેજ ખાતે આ કામગીરી ચાલી રહી છે, જેમાં શુદ્ધતા અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આ પ્રસાદ બનાવવા માટે શુદ્ધ ઘી, બેસન, ખાંડ અને એલચી જેવી ઉચ્ચ ગુણવત્તાવાળી સામગ્રીનો ઉપયોગ થઈ રહ્યો છે.

3 લાખ 90 હજાર કિલો મોહનથાળનો મહાપ્રસાદ બનશે 

આ મહાકુંભ મેળા માટે કુલ 1000થી 1200 ઘાણ મોહનથાળ તૈયાર કરવાનો લક્ષ્યાંક છે. આટલી મોટી માત્રામાં પ્રસાદ તૈયાર કરવા માટે આજે પ્રથમ દિવસે 51 ઘાણ મોહનથાળ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેનું વજન લગભગ 16,575 કિલોગ્રામ થાય છે. એક ઘાણમાં 325 કિલો મોહનથાળ બને છે. આ આંકડા પરથી અંદાજ લગાવી શકાય છે કે મેળા દરમિયાન 1200 ઘાણમાં કુલ 3,90,000 કિલો મોહનથાળનો પ્રસાદ તૈયાર થશે.

મહામેળા દરમિયાન ભક્તોને ક્યાંથી મળશે પ્રસાદ? 

ભાદરવી પૂનમ મહામેળામાં આવતા લાખોની સંખ્યામાં ભક્તો ને પ્રસાદ સરળતાથી મળી રહે તે હેતુથી અંબાજી મંદિર પરિસરમાં દર વર્ષે વ્યવસ્થાઓ વધારાની કરવામાં આવતી હોય છે પણ આ વખતે પ્રસાદ વિતરણ ની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અંબાજી મંદિર પરિસરની બહારના ભાગે યાત્રિક પ્લાઝા, સાત નંબર ગેટ બાહર, બસ સ્ટેન્ડ ડોમ, 90 નંબર પાર્કિંગ મા એમ પાંચ જગ્યાએ વધારાના પ્રસાદ વિતરણ કેન્દ્ર ખોલવામાં આવશે.

ઇતિહાસમાં પહેલીવાર મા અંબાના તમામ પદયાત્રીઓનો વીમો લેવાયો 

શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 1થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમના મહામેળામાં આવતાં લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ઇતિહાસમાં પહેલીવાર તમામ પદયાત્રીઓનો અકસ્માત વીમો લેવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, ભાદરવી પૂનમના મેળામાં આવતા પદયાત્રીઓ માટે અંબાજી ટ્રસ્ટ દ્વારા 10 કરોડનો વીમો લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના કોઇપણ ખૂણેથી આવતા પદયાત્રીને ક્યાંય પણ અકસ્માત થશે તો તેમને વળતર આપવામાં આવશે. ગુજરાત સિવાય રાજસ્થાનથી પણ પદયાત્રીઓ આવતા હોય છે તેથી અંબાજીથી રાજસ્થાનની 50 કિલોમીટરના અંદરના વિસ્તારને પણ આ વીમા કવચમાં આવરી લેવાયો છે.

અંબાજી મંદિર ટ્રસ્ટે રાજસ્થાનનો 50 કિમી વિસ્તાર પણ આવરી લીધો 

મંદિર દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર કૈશિક મોદીએ પણ જણાવ્યું હતું કે આ મેળા દરમિયાન આવતા ભક્તોની સુરક્ષા માટે આ વીમો લેવામાં આવ્યો છે, જેમાં કોઇ ભક્તનો માર્ગ અકસ્માતમાં ઇજા થાય અથવા મૃત્યુ થાય તો ભક્તજનોને સહાય મળી રહે એ માટે મંદિર ટ્રસ્ટે 10 કરોડ રૂપિયા સુધીનો થર્ડ પાર્ટી લાયેબિલિટી વીમો લીધો છે. આમાં વાહનમાં બેઠેલા ભક્તોનો વીમા કવચ હેઠળ સમાવેશ કરવામાં આવ્યો નથી. ગત વર્ષે માત્ર અંબાજી વિસ્તારના 20 કિલોમીટરના સુધીનું કવરેજ લીધું હતું. પરંતુ આ વખતે સમગ્ર ગુજરાત અને રાજસ્થાનની સરહદ નજીકના 7 જિલ્લામાં 50 કિલોમીટર સુધીમાં પદયાત્રીને થતા વાહન અકસ્માતોને આ વીમા હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

7 સપ્ટેમ્બરને રવિવારે ચંદ્રગ્રહણ હોવાથી મંદિર બપોરે 12:30થી બંધ રહેશે 

શક્તિપીઠ અંબાજી ખાતે 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાશે, જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ઊમટી પડશે. આ વખતે અંબાજી દર્શને જવાના હોય તો એટલું ખાસ ધ્યાન રાખજો કે 7 સપ્ટેમ્બરને રવિવાર ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરમાં બપોરે 12:30 વાગ્યે દર્શન બંધ થઇ જશે અને માત્ર બંધ જાળીમાંથી દર્શન થશે. સાંજે 5 વાગ્યા બાદ મંદિરમાં સંપૂર્ણ દર્શન બંધ થઇ જશે. 7 સપ્ટેમ્બરે ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી બપોરે 12:30 પછી ધજા નહીં ચડે. આ સિવાય 1થી 6 સપ્ટેમ્બર મંદિર સવારે 6થી રાત્રે 12 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહેશે.