Loading...

ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય, ભારે વરસાદની આગાહી:ધરોઈ ડેમના વધુ બે દરવાજા ખોલાયા

હવામાન વિભાગે આગામી 7 દિવસ એટલે કે, 28 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. રાજ્યમાં લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બની છે. દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે જ દરિયાકાંઠે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ કરતાં 13% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

આજે વહેલી સવારથી જ ભાવનગર, પંચમહાલ સહિતમાં વરસાદ વરસી રહ્યો છે. આ સાથે જ ઉપરવાસના વરસાદના કારણે મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક થતાં વધુ બે દરવાજા ખોલી કુલ ચાર દરવાજા દ્વારા પાણી સાબરમતીમાં છોડાવામાં આવ્યું છે. તંત્ર દ્વારા સાવધાનીના ભાગરૂપે લોકોને સુરક્ષિત જગ્યાએ રહેવા અપીલ કરી છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 148 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 7.48 ઈંચ તો સૌથી ઓછો વરસાદ સુરેન્દ્રનગરના લખતરમાં 1 મિમી નોંધાયો છે.