વડોદરામાં ફરી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ:દૂધવાલા મહોલ્લા નજીક ગાડીના હોર્ન વગાડવાને લઈ બે કોમ વચ્ચે બબાલ
ગુજરાતની સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં ફરી એકવાર શાંતિ ભંગ કરવાનો પ્રયાસ થયો છે. શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં આવેલા ભગતસિંહ ચોક નજીક દુધવાલા મોહલ્લામાં ગઈકાલે રાત્રે સાડા અગિયાર વાગ્યે ગાડીના હોર્ન વગાડવાની નજીવી બાબતે બે કોમના લોકો આમને-સામને આવી ગયા હતા, જેના કારણે ભારે બબાલ સર્જાઈ હતી. આ ઘટનાથી વિસ્તારમાં તણાવનું વાતાવરણ ફેલાયું હતું અને લોકટોળાં એકઠાં થયાં હતાં.
બે જૂથો વચ્ચે શરૂઆતમાં શાબ્દિક બોલાચાલી
પ્રાપ્ત માહિતી અનુસાર, રાત્રે લગભગ સાડા અગિયાર વાગ્યે ભગતસિંહ ચોક પાસે દુધવાલા મોહલ્લામાં ગાડીના હોર્ન વગાડવાને લઈને બે જૂથો વચ્ચે શરૂઆતમાં શાબ્દિક બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી ટૂંક સમયમાં ઉગ્ર ઝઘડામાં પરિવર્તિત થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ રાવપુરા પોલીસ સ્ટેશનની ટીમ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
વાતાવરણ ડહોળવાના પ્રયાસ મામલે ત્રણ લોકો ફરિયાદ
આ ઘટનામાં સ્થાનિક રહેવાસી યશ હરેશભાઈ પટણીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ત્રણ આરોપીઓ સાબિર અજબભાઈ સતાવાલા, જાવેદ અજબભાઈ સબલવાલા અને જૈનુલ સાબિર સકાવાલાને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસે સમયસર હસ્તક્ષેપ કરીને સ્થિતિને કાબૂમાં લીધી
ઝઘડાને કારણે લોકટોળાં એકઠાં થતાં વાતાવરણ વધુ ગરમાયું હતું. જોકે, પોલીસે સમયસર હસ્તક્ષેપ કરીને સ્થિતિને કાબૂમાં લીધી હતી. વધુ બળવો ન થાય તે માટે રાવપુરા પોલીસે વિસ્તારમાં વધારાની ટીમો તહેનાત કરી હતી. સ્થાનિક કોર્પોરેટરો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.
હોર્ન મારવાની ના પાડતા બે વ્યક્તિઓએ હુમલો કર્યો
ઘટના અંગે ભોગ બનનારની બહેને જણાવ્યું હતું કે, મારા ભાઈ અને ભાભી બાઈક પર ફરવા નીકળ્યા હતા. ત્યાં બે વ્યક્તિઓએ ગાડીનો હોર્ન વગાડ્યો હતો. મારા ભાઈએ તેમને કહ્યું કે, "ભાઈ, આગળ ટ્રાફિક છે, જગ્યા થાય એટલે હું ખસી જઈશ." આ વાતથી ગુસ્સે થઈને તે બે વ્યક્તિઓએ ગાડીમાંથી ઉતરીને મારા ભાઈને મારવાનું શરૂ કર્યું. બાદમાં તેમણે વધુ 10 લોકોને બોલાવીને મારા ભાઈને માર માર્યો હતો. આ રોડ પર ટ્રાફિક હોવાને કારણે મારો ભાઈ બચી ગયો, પરંતુ જો આ ઘટના સુમસામ વિસ્તારમાં બની હોત તો વધુ નુકસાન અથવા માનહાનિ થઈ શકી હોત.
ઘટનાસ્થળે 100 પોલીસકર્મી હોવા છતાં કોઈ પગલાં લેવાયા નહીં ઝઘડાનું મૂળ કારણ માત્ર એટલું હતું કે મારા ભાઈએ બે વ્યક્તિઓને હોર્ન ન મારવા કહ્યું, કારણ કે આગળ ટ્રાફિક હતું. આ વાતથી તેઓ ગુસ્સે થયા અને ઝઘડો શરૂ થયો. પોલીસનો સહકાર ઓછો હતો. તેમણે માત્ર એટલું જ કહ્યું કે, "ફરિયાદ લખાવો અને જાઓ." ઘટનાસ્થળે લગભગ 100 પોલીસકર્મીઓ હોવા છતાં, અમને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા અને કોઈ નોંધપાત્ર પગલાં લેવામાં આવ્યાં નહીં. અમારી માગ એ છે કે, આવી ઘટનાઓ ફરી ન બને. આ રસ્તો અમારો રોજિંદો રસ્તો છે, જ્યાંથી અમે આવજા કરીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે આવી ઘટનાઓ રોકવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે, જેથી ભવિષ્યમાં આવું ન થાય અને અમે સુરક્ષિત રીતે ફરી શકીએ.
ઘટનાએ ફરી એકવાર લોકોમાં રોષ અને અસંતોષ ફેલાવ્યોઆ ઘટના એવા સમયે બની છે જ્યારે શહેરમાં ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાની ઘટનાને લઈને હજુ પણ ચર્ચાઓ ચાલી રહી છે. આ પૂર્વની ઘટનાને કારણે શહેરનું વાતાવરણ પહેલેથી જ તંગદિલ હતું, અને આ નવી ઘટનાએ ફરી એકવાર લોકોમાં રોષ અને અસંતોષ ફેલાવ્યો છે. સ્થાનિક લોકોએ આવી ઘટનાઓ અટકાવવા માટે પોલીસ અને વહીવટી તંત્ર પાસે કડક પગલાંની માગણી કરી છે.
પોલીસે વિસ્તારમાં પેટ્રોલિંગ વધાર્યું
રાવપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટના નજીવી બાબતે શરૂ થઈ હતી, પરંતુ તે ઝડપથી ઉગ્ર બની ગઈ હતી. અમે સ્થિતિને કાબૂમાં લીધી છે અને આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં શાંતિ જળવાય તે માટે અમે પૂર્ણ પ્રયાસ કરી રહ્યા છીએ. પોલીસે આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં શાંતિ જળવાય અને આવી ઘટનાઓ ન બને તે માટે પોલીસે વિસ્તારમાં પેટ્રોલિંગ વધાર્યું છે. સ્થાનિક વહીવટી તંત્ર અને સમાજના આગેવાનો લોકોને શાંતિ અને સંયમ જાળવવા અપીલ કરી રહ્યા છે. આ ઘટનાએ વડોદરા શહેરની સંસ્કારી નગરીની છબિ પર ફરી એકવાર પ્રશ્નાર્થ ઉભો કર્યો છે.
