ગણેશોત્સવમાં માયાનગરીને ટક્કર આપતી સુરત હીરાનગરી
ગણેશોત્સવમાં મુંબઇ વિશ્વ આખા માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે. ઊંચી મૂર્તિઓ, લાઈટિંગ, ભપકાદાર ડેકોરેશન, ઢોલ-નગારાં સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, એમાં પણ મુંબઈના 'લાલબાગ કા રાજા'ના દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડે છે. ગુજરાતની અંદર સુરત શહેરમાં પણ માયાનગરી મુંબઇને ટક્કર મારે એવા ગણેશોત્સવ યોજાઈ રહ્યો છે. સુરતમાં આ વર્ષે 80 હજારથી વધુ શ્રીજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે, જેમાં કરોડોના ખર્ચ કરીને આગમન સહિત વિસર્જન સુધીનો ખર્ચ કરવામાં આવશે.
સુરતમાં શ્રીજી માટે ખૂબ જ મોટા પંડાલ અને 35 ફૂટ સુધીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાના સૌથી ધનિક ગણેશજી પણ સુરતમાં બિરાજમાન થયા છે. તો બીજી તરફ સુવર્ણ મહેલ ગણપતિ, પટાયાના કેન્ડી પાર્ક સહિતની વિવિધ થીમ ઉપર પંડાલ તૈયાર કરાયા છે. આ ઉપરાંત એક ગ્રુપ દ્વારા સુરતીઓ મુંબઇના સિદ્ધિવિનાયક આશીર્વાદ પ્રાપ્ત કરી શકે એ માટે ખાસ સિદ્ધિવિનાયક મંદિરથી અખંડ જ્યોત સુરત લાવવામાં આવી છે, જે સુરતના લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે.
સુરતના ભટાર ખાતે અંબાનગરમાં શિવકૃપા સાર્વજનિક બાળ ગણેશમંડળે આ વર્ષે સુવર્ણ મહેલની થીમ પર પંડાલને શણગાર્યો છે, જેમાં મહેલની વચ્ચે બાપાની મૂર્તિને સ્થાપિત કરી છે. આજુબાજુમાં ગોલ્ડન ઇફેક્ટ આપતી ગોલ્ડન વોલ બનાવવામાં આવી છે. આ સાથે મંડપના ફ્લોર અને ટોપના ભાગે મિરર ઇફેક્ટ આપવામાં આવી છે, જેથી ગોલ્ડન વોલનું રિફ્લેક્શન મંડપમાં ખીલી ઊઠ્યું છે, સાથે મંડપની શરૂઆતમાં ઓપરેશન સિંદૂરને ટ્રિબ્યુટ આપતી રંગોળી પણ બનાવવામાં આવી છે.
આ ગ્રુપ દ્વારા ગત વર્ષે હીરા મહેલની થીમ પર પંડાલ તૈયાર કરવામાં આવ્યો હતો, જેના માટે ગ્રુપને ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પ્રથમ ક્રમ જાહેર કરી ઇનામ આપવામાં આવ્યું હતું. આ ગ્રુપ દ્વારા ગણેશ પર્વ દરમિયાન વિવિધ સેવાકીય કાર્ય પણ કરવામાં આવે છે.
સિટી લાઇટ ભગવતી આશિષ ખાતેનું સરકાર ગ્રુપ દર વર્ષે મોટેપાયે ગણેશોત્સવ ઊજવે છે. આ વર્ષે તેમણે એક અનોખી પહેલ કરી છે. મુંબઇના સિદ્ધિવિનાયક મંદિરમાંથી ભવ્ય અખંડ જ્યોત સુરત લાવવામાં આવી છે. આ જ્યોતનાં દર્શન થકી હવે સુરતીઓને પણ મુંબઇ ગયા વગર સિદ્ધિવિનાયકના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર મળશે.
સરકાર ગ્રુપના આગેવાન કલ્પેશ બારોટના જણાવ્યા મુજબ, સિદ્ધિવિનાયકની અખંડ જ્યોત સુરતમાં લાવવા માટે છેલ્લા 6 મહિનાથી સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા. અંતે, બાપ્પાની કૃપાથી આ પ્રયત્નો સફળ રહ્યા અને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આ જ્યોત સુરતની જનતા માટે અર્પણ કરી છે. અખંડ જ્યોત સુરતના સિટીલાઈટ વિસ્તારમાં ભગવતી દર્શન બિલ્ડિંગ પાસે ગણેશ પંડાલમાં સ્થાપિત કરવામાં આવી છે, જેનો ભક્તો સીધો લાહવો લઈ શકશે.
આ પ્રતિમાની સૌથી અનોખી વિશેષતા એ છે કે એ પ્લાસ્ટર ઓફ પેરિસ (POP) કે માટીમાંથી નહીં, પરંતુ 350 કિલોગ્રામ ટિસ્યૂ પેપરનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. 16 ફૂટ ઊંચી અને 6 ફૂટ પહોંળી આ વિરાટ પ્રતિમાને મુંબઇના 15 કુશળ કારીગરોએ એક મહિનાની સખત મહેનત બાદ તૈયાર કરી છે. તેમની કારીગરી એટલી સૂક્ષ્મ અને સચોટ છે કે પહેલી નજરે કોઇ વિશ્વાસ કરી શકતું નથી કે આ પ્રતિમા કાગળમાંથી બનાવી છે. આ પ્રતિમાની દરેક વિગત તેના આભૂષણોથી લઇને મુદ્રા સુધી અદ્ભુત રીતે કોતરવામાં આવી છે, જે કલાકારોની કુશળતાનો પરિચય આપે છે.
POPની પ્રતિમાના વિસર્જન પર પ્રતિબંધ બાદ આ વિચાર આવ્યો
આ ઇકો-ફ્રેન્ડલી પહેલ પાછળનો પ્રેરણાદાયક વિચાર 'સરકાર ગણેશ ઉત્સવ' મંડળના સાગર રાજપૂતનો છે. તેમણે જણાવ્યું હતું કે મુંબઇમાં માધી ગણેશ ઉત્સવ દરમિયાન POPની પ્રતિમાઓના વિસર્જન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. એનો વીડિયો જોઇને અમને આ ઇકો-ફ્રેન્ડલી ગણેશજી બનાવવાનો વિચાર આવ્યો. આનાથી આપણે પરંપરા જાળી શકીશું અને સાથે સાથે પર્યાવરણને પણ નુકસાન પહોંચાડવાથી બચી શકીશું.
POPથી બનેલી પ્રતિમાઓ જળ-પ્રદૂષણનું એક મુખ્ય કારણ
પરંપરાગત રીતે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન નદીઓ, તળાવો કે સમુદ્રમાં કરવામાં આવે છે, પરંતુ POP અને રાસાયણિક રંગોથી બનેલી પ્રતિમાઓ જળ-પ્રદૂષણનું એક મુખ્ય કારણ બને છે, જે જળચર જીવો અને પર્યાવરણ માટે ગંભીર ખતરો ઊભો કરે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ ઇકો-ફ્રેન્ડલી પ્રતિમા એક સકારાત્મક ઉકેલ પૂરો પાડે છે.
કૃત્રિમ તળાવમાં પ્રતિમાનું વિસર્જન કરાશે
આ ગણેશજીનું વિસર્જન પરંપરાગત રીતે નદી કે સમુદ્રમાં કરવામાં આવશે નહીં. મંડળ દ્વારા પાર્ટી પ્લોટમાં એક કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે, જેમાં આ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે. કાગળની બનેલી હોવાથી એ પાણીમાં સરળતાથી ઓગળી જશે અને કોઇપણ પ્રકારનું પ્રદૂષણ ફેલાવશે નહીં. વિસર્જન બાદ બાકી રહેલા પલ્પનો ઉપયોગ ખાતર તરીકે થઈ શકશે, જે એક સંપૂર્ણપણે ટકાઉ ચક્ર પૂર્ણ કરશે. આ પહેલ અન્ય મંડળો અને ભક્તો માટે પણ એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે.