Loading...

સરદાર સરોવર ડેમ 94 ટકા ભરાયો:15 દરવાજા ખોલીને પાણી છોડાતાં અદભુત નજારો

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ એની મહત્તમ સપાટીની અત્યંત નજીક પહોંચી ગયો છે. હાલમાં ડેમ 94% જેટલો ભરાયો છે અને એની જળસપાટીમાં છેલ્લા 24 કલાકમાં 20 સેમીનો વધારો નોંધાયો છે. ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે એના 15 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે, જેનો નજારો અદભુત છે. આ સ્થિતિને પગલે નદીકાંઠાનાં 27 ગામને એલર્ટ કરવામાં આવ્યાં છે. ડેમ હવે ઓવરફ્લો થવાથી માત્ર 1.92 મીટર જ દૂર છે.

 

હાલમાં ડેમની સપાટી 136.76 મીટર પર પહોંચી 

નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં ડેમની સપાટી 136.76 મીટર પર પહોંચી છે, જે તેની મહત્તમ સપાટી (138.68 મીટર)થી માત્ર 1.92 મીટર જ દૂર છે. ઉપરવાસમાં મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતાં નર્મદા ડેમમાં 1,67,113 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.

 

છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 20 સેમીનો વધારો 

ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે આજે ડેમના 15 દરવાજા 1.40 મીટર સુધી ખોલીને તેમજ RBPH અને CHPHમાંથી કેનાલમાં કુલ 2,24,000 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 20 સેમીનો વધારો થયો છે અને એ 94% જેટલો ભરાઈ ગયો છે. આ સાથે નદીકાંઠાના ત્રણ જિલ્લાનાં 27 ગામને સાવધ રહેવા માટે એલર્ટ કરવામાં આવ્યાં છે.

 

ક્યૂસેકનો અર્થ શું થાય

એક ક્યૂસેક એટલે એક સેકન્ડમાં એક ઘનફૂટ પાણી વહી જવું. એક ઘનફૂટ પાણી એટલે 28.32 લિટર થયું કહેવાય. જો નદીમાંથી એક ક્યૂસેક પાણી વહેતું હોય તો એક સેકન્ડ 28.32 લિટરના હિસાબે એક મિનિટમાં 1699.2 લિટર પાણી વહેતું હોય અને એક કલાકમાં 101952 લિટર પાણી વહી જતું હોય. ડેમમાંથી 210776 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું તો એનો અર્થ હવે સમજી શકાશે કે દર કલાકે ડેમમાંથી 21,48,90,34,752 લિટર પાણી છોડવામાં આવે છે. એ હિસાબે આખા દિવસનો અને 24 કલાકનો હિસાબ કરીએ તો આ આંકડો ગણવો એટલો મોટો થઈ જાય કે આટલો મોટો આંકડો લખતાં, બોલતાં અને સમજતાં ગરબરડ ના થાય, એટલા માટે ક્યૂસેકનું એકમ બનાવવામાં આવ્યું છે.

 

મહિનાની શરૂઆતમાં 15 દરવાજા ખોલવામાં આવ્યા હતા

1 ઓગસ્ટે સાંજે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના 15 દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના કુલ 23 દરવાજામાંથી 15 દરવાજા ખોલી 3 લાખ 27 હજાર ક્યૂસેક પાણી નર્મદામાં છોડવામાં આવ્યું હતું, જેથી નર્મદા કાંઠાનાં 27 ગામ અને ભરૂચના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

 

ડેમ કેટલીવાર ઓવરફ્લો થયો

નર્મદા ડેમ 2017માં 30 રેડિયલ ગેટ લગાવતાં પૂર્ણ થયો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયું હતું. 2019માં પ્રથમવાર ડેમ છલોછલ ભરાયો અને ત્યારે નર્મદાના 23 ગેટ ખોલી લાખો ક્યૂસેક પાણી નર્મદામાં છોડવામાં આવ્યું હતું. ત્યાર પછી, 2020, 2021, 2023, 2024 અને 2025 એમ છઠ્ઠી વાર ગેટ ખૂલ્યા છે. 2021માં વરસાદ નબળો થતાં ડેમ સંપૂર્ણ ભરાયો નહોતો. આ વર્ષે એક મહિનો વહેલા ડેમ છલોછલ થઇ ગયો છે.

 

સરદાર સરોવર ડેમ ગુજરાતની જીવાદોરી

નર્મદા નદી પર સ્થિત સરદાર સરોવર ડેમ ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડિયા ગામ નજીક આવેલો છે. આ ડેમ માત્ર ગુજરાત માટે જ નહીં, પરંતુ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન માટે પણ પાણી અને વીજળીનો મુખ્ય સ્ત્રોત છે.

 

ડેમના નિર્માણ અને ઇતિહાસ પર એક નજર

સરદાર સરોવર ડેમની પાયાની શિલા 5 એપ્રિલ 1961ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા મૂકવામાં આવી હતી. 1979માં વર્લ્ડ બેંકના સહયોગથી આ પ્રોજેક્ટને આકાર આપવામાં આવ્યો હતો. 1987માં ડેમનું બાંધકામ શરૂ થયું, પરંતુ 1995માં નર્મદા બચાવો આંદોલનના કારણે સુપ્રીમ કોર્ટ દ્વારા આ પ્રોજેક્ટને સ્થગિત કરવામાં આવ્યો. 2000માં આ પ્રોજેક્ટને ફરીથી શરૂ કરવામાં આવ્યો અને 2017માં એની ઊંચાઈ 163 મીટર સુધી વધારવામાં આવી. 17 સપ્ટેમ્બર 2017ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ડેમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.