Loading...

પ્રેમલગ્નના કાયદામાં ફેરફારની માગ સાથે જન ક્રાંતિ મહારેલી:પાટીદાર આગેવાનો જોડાયા

પ્રેમલગ્ન નોંધણીના કાયદાઓમાં ફેરફારની માગ સાથે મહેસાણામાં આજે શનિવારે (30 ઓગસ્ટે) એક ભવ્ય જન ક્રાંતિ મહારેલી નીકળી છે. આ રેલીમાં મહેસાણા જિલ્લાના વિવિધ રાજકીય પક્ષોના અને સમાજના અગ્રણીઓ જોડાયા છે. અવસર પાર્ટી પ્લોટથી શરૂ થયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. રેલીના આયોજકો દ્વારા પ્રેમ લગ્નના કાયદામાં કેટલાક મહત્વના ફેરફારો કરવા માટે સરકાર સમક્ષ માગણીઓ મૂકવામાં આવી છે. આયોજકોએ જણાવ્યું હતું કે, આ રેલીનો ઉદ્દેશ્ય સામાજિક મૂલ્યોનું રક્ષણ કરવાનો અને યુવાનોને જવાબદાર બનાવવાનો છે. સરકાર આ માગણીઓ પર ગંભીરતાથી વિચારણા કરે તેવી અપીલ પણ કરવામાં આવી હતી.

 

ભાગેડું લગ્નપ્રથા ગુજરાતનો સળગતો પ્રશ્ન: વરુણ પટેલ

આ અંગે પાટીદાર નેતા વરુણ પટેલે જણાવ્યું કે ભાગેડું લગ્નપ્રથા ગુજરાતનો સળગતો પ્રશ્ન છે, આ પ્રશ્નના અનુસંધાને મહેસાણા પાટીદાર સમાજ તથા પાસના આગેવાનો સહિત અન્ય સમાજ સાથે મળી સરકાર સુધી ભાગેડું લગ્નપ્રથાની વિરુદ્ધમાં કાયદામાં સંશોધન થાય તે માંગણીને લઇને આજની રેલીનું આયોજન છે.

 

છોકરી પ્રેમલગ્ન કરે તો માતા-પિતાની મિલકતમાંથી બેદખલ કરો: સતીષ પટેલ

પાટીદાર આગેવાન સતીષ પટેલે જણાવ્યું કે અત્યારે દરેક સમાજમાં માતા-પિતાની એક પીડા છે કે છોકરીઓને 20 વર્ષની મોટી કરીએ અને ભાગીને પ્રેમલગ્ન કરીને પોલીસ સ્ટેશનમાં એમ કહે છે કે હું માતા-પિતાને ઓળખતી નથી. પ્રેમલગ્નના કાયદાના ફેરફારમાં અમે જનક્રાંતિ મહારેલીનું આયોજન કર્યું છે. જેમાં તમામ સમાજના લોકો એકઠા થયા છે જેમાં સરકાર સમક્ષ અમારી મુખ્ય માંગણી એ છે કે 30 વર્ષ સુધી માતા-પિતાની સહી ફરજિયાત કરો અને સાક્ષીઓની ઉંમર 40 વર્ષથી વધુ કરો. છોકરી જે વિસ્તારની હોય તે વિસ્તારની કોર્ટમાં જ પ્રેમલગ્ન થવા જોઇએ અને જે છોકરી પ્રેમલગ્ન કરે તેને માતા-પિતાની તમામ મિલકતમાંથી બેદખલ કરવામાં આવે.

 

રાજકીય પાર્ટીઓ અને વિવિધ સમાજોનું સમર્થન

આ રેલીને મહેસાણા જિલ્લાના ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ)ના પ્રમુખોએ સમર્થન આપ્યું છે. આ ઉપરાંત, વિવિધ સમાજોએ પણ આ રેલીને ટેકો જાહેર કર્યો છે.

 

'મહારેલીમાં 5 હજારથી વધુ લોકો જોડાશે'

ગુજરાતના તમામ પાસ કન્વીનરો અને વિવિધ સમાજોના અગ્રણીઓ પણ આ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. પાટીદાર આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર સતીશ પટેલે જણાવ્યું હતું કે પ્રેમલગ્નના કાયદાઓમાં જરૂરી ફેરફાર થાય તે માટે દરેક સમાજની જુદી જુદી માગો છે, અને આ રેલી તે તમામ માગોને સરકાર સમક્ષ રજૂ કરવા માટેનું એક મંચ બનશે.

 

લગ્નની ઉંમર 21 વર્ષ કરવા ગોપાલ ઇટાલિયાનો સીએમને પત્ર

તાજેતરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ દીકરીઓનાં લગ્નની ઉંમર 21 વર્ષ કરવા તેમજ કોઈ પણ લગ્નની નોંધણી કન્યાના કાયમી નિવાસસ્થાન ખાતે જ કરવાની મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી છે.

 

'18 વર્ષ થાય ત્યાર બાદ ભાગી કે ભગાડી જવામાં આવે છે'

તેમણે પત્રમાં લખ્યું છે કે. સમાજમાં દીકરીઓનાં લગ્ન 21થી 22 વર્ષે કરવામાં આવે છે. છોકરીઓ 12મા ધોરણમાં કે કોલેજમાં ભણતી હોય ત્યારે તેને પ્રેમજાળમાં ફસાવવામાં આવે છે અને તેની ઉંમર 18 વર્ષની થાય તેની રાહ જોવામાં આવે છે. છોકરીઓની ઉંમર 18 વર્ષ થાય ત્યાર બાદ બીજા, પાંચમા કે પંદરમા દિવસે ભાગી કે ભગાડી જવામાં આવે છે.

 

'અંતરિયાળ વિસ્તારોનાં ગામોમાં ભાગી જનાર યુગલોનાં લગ્ન'

ભાગી જનાર છોકરા-છોકરીઓનાં આયોજનબદ્ધ લગ્ન કરાવવાનું ષડયંત્ર ચાલતું હોવાના આક્ષેપ કરતા લખ્યું છે કે, ભાગીને લગ્ન કરનાર યુગલ દૂરના જિલ્લામાં કોઈ અંતરિયાળ ગામોમાં કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ વગર પૈસા લઈને કરી આપવામાં આવે છે. એમને પંચમહાલ, આણંદ અને અમરેલી જિલ્લાઓમાં અંતરિયાળ વિસ્તારોનાં કેટલાંક ગામોમાં ભાગી જનાર યુગલોનાં લગ્ન કરાવી આપતા છે.

 

'ભાગીને લગ્ન કરેલાં યુવક-યુવતીઓના છૂટાછેડાના પ્રશ્નો જટિલ'

ગોપાલ ઇટાલિયાની રજૂઆત છે કે, ભાગીને કે ભગાડીને લગ્ન કરવામાં આવે છે તે કિસ્સામાં દીકરીઓને હાથો બનાવીને તેમના પિતાની મિલ્કતમાંથી ભાગ માટે કેસ કરે છે. અપરિપક્વતા અને કાચી સમજણને કારણે ભાગીને લગ્ન કરેલાં યુવક-યુવતીઓના છૂટાછેડાના પ્રશ્નો જટિલ બને છે. યુવતી ક્યારેક પોતાનાં માતાપિતા સામે તો ક્યારેક છોકરાનાં માતાપિતા સામે પોલિસ ફરિયાદ કરે છે. જેમાં પરિવારના લોકોએ હેરાન થવું પડે છે.