દિલ્હીના કાલકાજી મંદિરમાં સેવાદારની ઢોરમાર મારીને હત્યા,ચૂંદડી-પ્રસાદ બાબતે ઝઘડો થયો
શુક્રવારે રાત્રે દિલ્હીના પ્રખ્યાત કાલકાજી મંદિરમાં પ્રસાદ લેવા બદલ એક સેવાદારને લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં બે યુવાન બેભાન અવસ્થામાં પડેલા સેવાદારને સતત લાકડીઓથી માર મારતા જોવા મળ્યા હતા. નજીકમાં 3-4 વધુ યુવાન ઊભા હતા. હુમલો કર્યા પછી તે બધા ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.
દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે સ્થાનિક લોકોએ એક આરોપીને સ્થળ પર જ પકડી લીધો અને પોલીસને સોંપી દીધો. તેની ઓળખ 30 વર્ષીય અતુલ પાંડે તરીકે થઈ છે, જે દક્ષિણપુરીનો રહેવાસી છે. બાકીના આરોપીઓની શોધ ચાલી રહી છે. તેમની ઓળખ હજુ સુધી થઈ નથી.
મૃતક સેવાદારની ઓળખ 35 વર્ષીય યોગેશ સિંહ તરીકે થઈ છે. તે ઉત્તરપ્રદેશના હરદોઈનો રહેવાસી હતો અને છેલ્લાં 14-15 વર્ષથી કાલકાજી મંદિરમાં સેવાદાર હતો. પોલીસને ગઈકાલે રાત્રે લગભગ 9:30 વાગ્યે PCR કોલ પર ઘટનાની માહિતી મળી હતી.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. સ્થાનિક લોકો સાથે પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે આરોપીઓ કાલકાજી મંદિરમાં દર્શન માટે આવ્યા હતા. દર્શન કર્યા પછી તેમણે સેવાદાર પાસે માથા પર બાંધવા માટે પર ચૂંદડી અને પ્રસાદ માગ્યો. આ દરમિયાન તેમની વચ્ચે ઝઘડો થયો. વિવાદ હિંસક બન્યો અને યુવાનોએ સેવાદારને પહેલા મુક્કાઓ અને પછી લાકડીઓથી માર માર્યો.
હુમલા દરમિયાન સેવાદારના શરીરમાં કોઈ હિલચાલ નહોતી
હુમલાના વીડિયોમાં જોવા મળ્યું કે 4થી 5 યુવાનો ઘટનાસ્થળે ઊભા હતા. આમાંથી બે યુવાનના હાથમાં લાકડીઓ હતી. તેમણે જમીન પર પડેલા સેવાદાર પર એક પછી એક ઘણી વખત લાકડીઓ વડે હુમલો કર્યો. આ સમય દરમિયાન સેવાદારના શરીરમાં કોઈ હિલચાલ નહોતી.
ઘટનાસ્થળે હાજર એક યુવકે એક હુમલાખોરને પોતાની તરફ ખેંચી લીધો. ત્યાર બાદ બીજા હુમલાખોરે પણ લાકડી છોડી દીધી અને બધા ત્યાંથી ભાગી ગયા. સમગ્ર ઘટના દરમિયાન મંદિર પરિસરમાં ઘણા ભક્તો જોવા મળ્યા, પરંતુ કોઈ યુવાનોને રોકવા આવ્યું નહીં.
દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે સેવાદારને તાત્કાલિક AIIMS ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (BNS)ની કલમ 103(1)/3(5) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
'સેવાદારે અમને પ્રસાદ માટે બે મિનિટ રાહ જોવા કહ્યું હતું'
કાલકાજી મંદિરના સેવાદાર રાજુએ જણાવ્યું હતું કે આરોપીએ મંદિરમાં સેવાદાર યોગેશ પાસેથી ચૂંદડી અને પ્રસાદ માગ્યો હતો. યોગેશે કહ્યું હતું કે અત્યારે કોઈ પ્રસાદ નથી. બે મિનિટ રાહ જુઓ. આ અંગે આરોપીએ કહ્યું કે બહાર આવો, અમે તમને બતાવીશું.
રાજુએ જણાવ્યું હતું કે રાત્રે 9 વાગ્યાની આસપાસ 10-15 યુવાન આવ્યા અને યોગેશને ધર્મશાળામાંથી ઉપાડી ગયા. તેઓ હાથમાં લોખંડના સળિયા, લાકડીઓ અને દંડા લઈને આવ્યા હતા. તેમણે યોગેશને માર મારીને હત્યા કરી દીધી. રાજુના જણાવ્યા મુજબ, આરોપીઓ પહેલા પણ મંદિરમાં આવતા રહ્યા છે અને જ્યારે પણ આવે છે ત્યારે તેઓ પોતાની શક્તિનો દેખાવ કરે છે.
