જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં ભૂસ્ખલન, 7 મૃતદેહ મળ્યા:રામબનમાં વાદળ ફાટવાથી 3 લોકોનાં મોત
શનિવારે સવારે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના બદર ગામમાં ભૂસ્ખલન થયું હતું. અત્યાર સુધીમાં કાટમાળમાંથી 7 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. અહીં વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે. અન્ય લોકોની શોધખોળ ચાલુ છે.
જમ્મુ-કાશ્મીરના રામબનના રાજગઢમાં શનિવારે સવારે વાદળ ફાટવાથી 3 લોકોના મોત થયા છે. 2 લોકો ગુમ છે. આખા વિસ્તારમાં ઘણો કાટમાળ ફેલાયેલો છે. અહીં રેસ્ક્યૂ-સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
તેમજ, શુક્રવારે મોડી રાત્રે હિમાચલ પ્રદેશના મંડીના ગોહરમાં વાદળ ફાટ્યું. નંદી પંચાયતના નાસેની નાલામાં ઘણા વાહનો તણાઈ ગયા. શિમલાના જુટોગ કેન્ટમાં ભૂસ્ખલન થયું. સેનાના રહેણાંક મકાનોને ખાલી કરાવવામાં આવ્યા.
પંજાબના અમૃતસર, પઠાણકોટ સહિત 8 જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. 250થી વધુ ગામડાઓમાં 5 થી 15 ફૂટ પાણી ભરાઈ ગયું છે. પૂરમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે. 3 લોકો ગુમ છે.
શુક્રવારે ઉત્તરાખંડના ચમોલી, રુદ્રપ્રયાગ, ટિહરી અને બાગેશ્વરમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે અને 11 લોકો ગુમ થયા છે. બાગેશ્વરના કાપકોટમાં પણ ઘણા ઘરોને નુકસાન થયું છે.
યુપીના 18 જિલ્લા પૂરની ઝપેટમાં છે. વરસાદ અને પૂરને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 774 ઘરો ધરાશાયી થયા છે. વારાણસીના તમામ 84 ઘાટનો સંપર્ક તૂટી ગયો છે. બલિયામાં 10 હજાર ઘરોમાં પૂરના પાણી ભરાઈ ગયા છે.
જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે વરસાદને કારણે વૈષ્ણોદેવી યાત્રા 5 દિવસ માટે બંધ કરવામાં આવી છે. 26 ઓગસ્ટના રોજ યાત્રા રૂટ પર ભૂસ્ખલનમાં 34 લોકોના મોત થયા હતા. મહારાષ્ટ્રના લાતુર અને નાંદેડમાં 50 રસ્તાઓ અને પુલો પાણીમાં ડૂબી ગયા છે.