Loading...

જાહેરમાં છરી-પથ્થરોથી મારામારી: જુહાપુરામાં યુવકને છરીના ત્રણ ઘા માર્યા

અમદાવાદમાં ફરી એકવાર લુખ્ખા તત્વોના આતંકની ઘટના સામે આવી છે. 31 ઓગસ્ટના રોજ જુહાપુરા વિસ્તારમાં સોનલ ચાર રસ્તા ઉપર જાહેરમાં એક યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. ટ્રાફિકથી ધમધમતા રોડ પર છરી-પથ્થરોથી મારામારી કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનામાં બે લોકોને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ મામલે વેજલપુર પોલીસે ચાર આરોપી સામે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે.

 

ગાડી સીઝ કરવાનું કહી બબાલ શરૂ કરી

શહેરના જુહાપુરા વિસ્તારમાં તવક્કલ પાર્કમાં અમાન શેખ તેની પત્ની સાથે રહે છે. મીઠાખળી ખાતે આવેલા ગેરેજમાં કાર વોશિંગનું કામ કરે છે. ગઈકાલે સાંજના સમયે તેના બે મિત્ર સાથે બર્ગમેન વાહન પર જુહાપુરા જઈ રહ્યા હતા, ત્યારે સોનલ ચાર રસ્તા ઉપર પહોંચતા એક કાળા કલરના એક્ટિવા ઉપર ત્રણ જેટલા શખસો આવ્યા હતાં. અહીં આ શખસોએ અમાનને કહ્યું કે, તારી ગાડી સીઝ કરવાની છે અને બોલાચાલી કરી હતી. હું તને ઓળખતો નથી તેવું અમાને કહેતા તેને માર મારવાની શરૂઆત કરી હતી. પછી છરી કાઢી અને મારામારી કરવાની શરૂઆત થઈ હતી. જાહેર રોડ ઉપર મારામારીના દૃશ્યો જોવા મળ્યા હતા.

 

મારમારી બાદ આરોપીઓ ફરાર, બેને સારવારમાં ખસેડાયા

અમાનને છોડાવવા જતા તેના મિત્રો ઉપર પણ છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. સૌથી વ્યસ્ત ગળાતા ટ્રાફિકવાળા રોડ ઉપર જાહેરમાં વાહનો ઉભા રાખીને મારામારીના દૃશ્યો જોવા મળ્યા હતા. સ્પ્લેન્ડર બાઈક ઉપર પણ અન્ય એક યુવક આવી ગાળાગાળી કરી બોલવા લાગ્યો હતો. આ મામલે લોકોના ટોળા ભેગા થતા હુમલો કરનાર ત્રણ શખસ નંબરપ્લેટ વગરની મોપેડ અને સ્પ્લેન્ડર પર આવનાર યુવક ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત અમાન અને તેના મિત્રને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે વેજલપુર પોલીસે હવે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

 

અવારનવારની ઘટનાથી લોકોની સુરક્ષા સામે સવાલો

ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટના અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. અમદાવાદ શહેર સૌથી સુરક્ષિત શહેર તરીકે જાહેર થયું છે, પરંતુ જાહેરમાં જ ધારદાર હથિયારો અને મારામારીના દૃશ્યો અવારનવાર જોવા મળે છે, ત્યારે લોકોની સુરક્ષા સામે સવાલ ઉભા થઈ રહ્યા છે.