સુરત દુષ્કર્મ કેસમાં આસારામના જામીન પર આજે સુનાવણી:હાઇકોર્ટ ચારવાર લંબાવી ચૂકી છે હંગામી જામીન
સુરત અને જોધપુરમાં દુષ્કર્મકેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામના હંગામી જામીન પર આજે હાઇકોર્ટમાં સુનાવણી યોજાશે. આ પહેલાં ગુજરાત હાઇકોર્ટે 3 સપ્ટેમ્બર સુધી હંગામી જામીન લંબાવ્યા હતા. ત્યાર બાદ 27 ઓગસ્ટે રાજસ્થાન હાઇકોર્ટે હંગામી જામીન લંબાવ્યા નહોતા અને સરેન્ડર કરવા આદેશ કર્યો હતો. જેને પગલે રેપિસ્ટ આસારામે જોધપુર સેન્ટ્રલ જેલમાં આત્મસમર્પણ કર્યું હતું.
27 ઓગસ્ટે સુનાવણી કરતા રાજસ્થાન હાઇકોર્ટે કહ્યું હતું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ રિપોર્ટ મુજબ-આસારામની તબિયત એટલી ગંભીર નથી કે તેના જામીન લંબાવવામાં આવે. જો કે આસારામને વ્હીલ ચેરની સુવિધા અને એક સહાયક રાખવાની છૂટ આપી હતી.
ગુજરાત હાઇકોર્ટે ચારવાર જામીન લંબાવ્યા
આ પહેલાં 27 જૂને ગુજરાત હાઇકોર્ટે 07 જુલાઈ સુધી જામીન લંબાવી આપ્યા હતા. ત્યાર બાદ 03 જુલાઈએ 01 મહિનો અને 7 ઓગસ્ટ, 2025એ ત્રીજીવાર જામીન લંબાવ્યા હતા. હાકોર્ટે 19 ઓગસ્ટે ચોથીવાર 3 સપ્ટેમ્બર સુધી જામીન લંબાવ્યા હતા.
18 ઓગસ્ટે અમદાવાદ સિવિલમાં મેડિકલ ચેકઅપ થયું
આ પહેલાં આસારામને જોધપુર હાઇકોર્ટના ઓર્ડરને પગલે 18 ઓગસ્ટ, 2025ની સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચેકઅપ માટે લવાયો હતો. ખાનગી બોડીગાર્ડના કાફલા સાથે આવેલા આસારામની ઓપીડી અને ટ્રોમા સેન્ટરમાં તપાસ દરમિયાન અંદાજે ત્રણથી ચાર કલાક સુધી દર્દી-સગાંને હાલાકી ભોગવવી પડી હતી. આ પહેલાં આસારામની કારને રોંગ સાઇડથી ટ્રોમા સેન્ટરના ગેટ સુધી લઈ જવાતાં આઠેક એમ્બ્યુલન્સના દર્દીઓએ વીસેક મિનિટ રાહ જોવી પડી હતી. આસારામના ખાનગી બોડીગાર્ડ્સે ટ્રોમા સેન્ટરના દરવાજા અન્ય દર્દીઓ માટે બે કલાક બંધ કરી દીધા હતા. જ્યારે ઓપીડી પણ અઢી કલાક માટે બંધ રહી હતી. એટલું જ નહિ, સાધકોએ પણ મીડિયાકર્મચારીઓ સાથે ઝપાઝપી કરી હતી.
ગુજરાત HCનો આધાર લઈ રાજસ્થાન HCએ જામીન લંબાવ્યા હતા
આ પહેલાં રાજસ્થાન હાઇકોર્ટમાં આસારામ વતી વકીલ નિશાંત બોરડાએ મેડિકલ રિપોર્ટ રજૂ કર્યા હતા. અગાઉ ગુજરાત હાઈકોર્ટે પણ આ જ આધાર પર આસારામના વચગાળાના જામીન 21 ઓગસ્ટ સુધી લંબાવી દીધા હતા. ગુજરાત હાઈકોર્ટ દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું હતું કે આસારામનું 'ટ્રોપોનિન લેવલ' ખૂબ જ ઊંચું છે. આ ચિંતાનો વિષય છે. તેમની સારવાર કરી રહેલા ડૉક્ટરના મતે આસારામની હાલત ગંભીર છે.
2008માં આસારામ આશ્રમમાં સાધકોએ પત્રકારો પર હુમલો કર્યો હતો
વર્ષ 2008માં અમદાવાદનાં બે ભાઈ દીપેશ અને અભિષેકના આશ્રમમાં મૃત્યુ થયાં હતાં, જેને લઈને સમગ્ર રાજ્યમાં આસારામ સામે રોષ ફાટી નીકળ્યો હતો. આ સમય દરમિયાન મોટેરા આશ્રમમાં નાગરિકો પહોંચી ગયા હતા, જેથી અમદાવાદ સહિતના મીડિયાની ટીમના પત્રકારો આશ્રમનું કવરેજ કરવા ગયા હતા, જેમાં આસારામ આશ્રમના સાધકો દ્વારા પત્રકારો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં 19 જેટલા સાધકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ કેસ ગાંધીનગરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી. કે. ગઢવીની કોર્ટમાં ચાલ્યો હતો, જેમાં રાયટિંગ અને મારઝૂડ કેસમાં 7 આરોપી પ્રદીપ મિશ્રા, દુર્ગેશ થાપા, રામ રમુ રાવત, દીપનારાયણ ચૌહાણ, મનોજ બગુલ, પ્રમોદ બિશન અને સંજય શાહુને કલમ 147, 149 મુજબ દોષિત ઠેરવી તથા કલમ 323 મુજબ એક વર્ષની સજાનો હુકમ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે ગુરુપૂર્ણિમાના દિવસે જ સાધકોએ પોતાના ગુરુના બચાવ માટે પત્રકારો પર હુમલો કર્યો હતો. જ્યારે અન્ય 4 કેસમાં આરોપીને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા.
