Loading...

દેશનું સૌથી સુરક્ષિત શહેર બન્યું અનસેફ સિટી:અમદાવાદમાં એક મહિનામાં 7 હત્યા

4 ઓગસ્ટના રોજ મિડ-યર 2025ના ન્યૂમબિયો સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટમાં અમદાવાદ શહેરને ભારતનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરાયું હતું. આ જાહેરાત પાછળ મુખ્ય 4 પરિબળો દર્શાવ્યા હતા. જેમાં લોકોની સુરક્ષા માટે 25 હજાર CCTV લગાવાયા છે. પોલીસની PCRનો રિસ્પોન્સ સમય સરેરાશ 5 મિનિટ છે. મહિલા-બાળકો અને વૃદ્ધો માટે 50 શી ટીમની કામગીરી તેમજ ગંભીર ગુનાનો ડિટેકશન દર 95થી 100 ટકા અને ગંભીર ગુનાઓના પ્રમાણમાં ઘટાડો કારણભૂત છે, ત્યારે અમદાવાદ શહેરની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તો કંઈક અલગ જ જોવા મળી રહી છે. છેલ્લા એક મહિનામાં અમદાવાદમાં હત્યાની 7 ઘટના બની છે, જ્યારે જાહેરમાં હથિયારથી હુમલા સાથે મારામારી અને અસામાજિક તત્વોના આતંકના 3 કિસ્સા પણ સામે આવ્યા છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરીજનોને હચમચાવી દે તેવી જાહેરમાં હથિયારો સાથે મારામારી કરી હત્યા નીપજાવવાની ઘટના દિન પ્રતિદિન વધી રહી છે, ત્યારે શહેર પોલીસ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં નિષ્ફળ ગઈ છે. અસામાજિક તત્વો કે લુખ્ખા તત્વોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ છરી, ચપ્પુ, લાકડી અને દંડા જેવા હથિયારો લઈને ફરી રહ્યા છે.

 

અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું છતાં સરેઆમ ઉલ્લંઘન

 ઘાતક હથિયારો જેવા કે, રિવોલ્વર, છરી, ચપ્પુ, ધારિયા, લાકડી અને દંડા સહિતના અલગ અલગ હથિયારો રાખવા અંગેનું અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું હોવા છતાં પણ જાહેરનામાનો ચુસ્ત અમલ જોવા મળતો નથી. શહેરના પૂર્વ અને પશ્ચિમના કેટલાક પોલીસ સ્ટેશન વિસ્તારોમાં અનેક અસામાજિક તત્વોનો ત્રાસ અને ઘાતક હથિયારો હોવા અંગેની જાણ હોવા છતાં પણ પોલીસ કાર્યવાહી કરતી નથી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હથિયારો રાખનારા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને વોટ્સએપ નંબર જાહેર કરી જે લોકો હથિયારો રાખતા હોય તેની માહિતી આપવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ શહેર પોલીસ હથિયારો રાખનારા અને જાહેરમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિના ધજાગરા ઉડાવનારા તત્વો સામે પાંગળી પૂરવાર થઈ રહી છે.

 

કિસ્સો 1: પાનની પીચકારી મારવા બાબતે ઝઘડો થતાં યુવકની હત્યા

3 ઓગસ્ટના રોજ મોડી રાત્રે શહેરના જુહાપુરા વિસ્તારમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી. સંકલીતનગરમાં એક પ્રસંગમાં લોકો ભેગા થયા હતા. જ્યાં પાડોશીના ઘર પાસે પાનની પીચકારી મારવા બાબતે ઝઘડો થયો હતો જેમાં 20 વર્ષના યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. અજાણ્યા લોકોએ માતા-પિતાની નજર સામે જુવાનજોધ દીકરાના છાતીમાં અને પેટના ભાગે છરીના ઘા માર્યા હતા. યુવક ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. સુફિયાન નામના 20 વર્ષીય યુવકના પિતાને ઘરની બહાર પાનની પીચકારી મારવા બાબતે કેટલાક લોકો સાથે ઝઘડો થયો હતો. જેમાં બોલાચાલી દરમિયાન પિતાને બચાવવા સુફિયાન વચ્ચે પડ્યો હતો, ત્યારે આરોપીઓએ તેના પર છરી વડે ઈજા કરી હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયા હતા.

 

કિસ્સો 2: ભત્રીજીને હેરાન કરતા યુવકને ઠપકો આપતા કાકાની હત્યા

3 ઓગસ્ટની રાત્રે શહેરના ઓઢવ વિસ્તારમાં ભત્રીજીને હેરાન કરતા યુવકને ઠપકો આપતા કાકાની હત્યા કરી દેવામાં આવી હતી. ઓઢવ વિસ્તારમાં રામનગર ખાતે રહેતા સુનિલ ઉર્ફે ભોપો પટણી અને તેના મિત્રો સુનિલની ભત્રીજી રેશમાને હેરાન કરનાર જીગ્નેશને એના મોબાઇલમાંથી ભત્રીજીનો ફોટો ડિલિટ કરવા માટે અને ઠપકો આપવા જીગ્નેશના ઘેર પહોંચ્યા હતા, ત્યારે જીગ્નેશે ફોટો ડિલિટ નહીં કરવા અને મોબાઈલ નહીં આપવા બાબતે ઝઘડો કર્યો હતો. આ ઝઘડાની અદાવત રાખીને જીગ્નેશ અને તેના બે ભાઈઓએ સુનિલ પર છરીથી હુમલો કર્યો હતો. જેમાં સુનિલનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકની ભત્રીજીની સગાઈ નક્કી થતાં આરોપી જીગ્નેશે તેને હેરાન કરવાનું શરૂ કર્યું હતું અને ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ કરવાની ધમકી આપતો હતો. જેથી રેશમાના પરિવારે સગાઈ ના તૂટે એ માટે જીગ્નેશની માતાને જાણ કરી ફોટો ડિલિટ કરવા માટેની વાત કરી હતી. ત્યાર બાદ આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો.

 

કિસ્સો 3: દારૂનો અડ્ડો બંધ કરાવવા મુદ્દે બુટલેગરે માર મારતા યુવકનું મોત

10 ઓગસ્ટના રોજ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી ચીમનલાલ મહાસુખની ચાલીમાં રહેતા સંજય વણઝારા નામના યુવકને બુટલેગર સહિત ત્રણથી ચાર યુવકોએ માર માર્યો હતો. જે બાદ યુવકનું મોત થયું હતું. યુવકના પરિવારજનોએ આક્ષેપો કર્યા હતા કે, મારા મારી બાદ યુવકનું મોત થયું છે. જોકે, પોલીસ દ્વારા યુવકનું મારામારીના કારણે નહીં પરંતુ હાર્ટ એટેકથી મોત થયું છે. યુવકને ચાલીની બહાર વેચાતા દારૂનો અડ્ડો બંધ કરાવવા મુદ્દે બુટલેગર સાથે ઝઘડો થયો હતો. જે બાદ મારામારી થઈ હતી અને બાતમાં યુવક નીચે ઢળી પડતા તેનું મોત થયું હતું. પરિવારજનોના આક્ષેપ બાદ પોલીસે આ સમગ્ર મામલે પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી કરી હતી. જોકે, પોલીસે મોત હાર્ટ એટેકથી થયું હોવાનો બચાવ કર્યો હતો.

 

કિસ્સો 4: સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થીને મોતને ઘાટ ઉતાર્યો

19 ઓગસ્ટના રોજ ખોખરાની સેવન્થ ડે સ્કૂલની બહાર જ ધો.10ના વિદ્યાર્થીએ ધો.10ના સ્ટુડન્ટની બોક્સ કટર જેવા હથિયારથી હત્યા કરવાનો ચકચારી બનાવ બન્યો હતો. સગીર વયના વિદ્યાર્થીએ વિદ્યાર્થી સાથે ઝઘડાની અદાવત રાખી સ્કૂલની બહાર જ બોક્સ કટર પેટમાં મારી દીધું હતું. જેના કારણે વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત થયા બાદ યુવક સ્કૂલમાં ગયો હતો અને પરિસરમાં બેઠો ત્યાર બાદ ઢળી પડતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું ટુંકી સારવાર દરમિયાન મોત થયું હતું. સ્કૂલમાં જ અભ્યાસ કરતા વિદ્યાર્થી દ્વારા આ રીતે હથિયાર વડે હુમલો કરી હત્યા કરવામાં આવતા ખૂબ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓમાં ભારે આક્રોશ ફેલાતા ધરણા પ્રદર્શન અને સ્કૂલમાં તોડફોડની ઘટના પણ બની હતી. આ કિસ્સામાં પોલીસ પણ ખૂબ નિષ્ફળ રહી હતી. સમગ્ર બનાવ બાદની ઘટનાઓમાં પોલીસ શાંતિનો માહોલ જાળવવામાં નિષ્ફળ રહી હતી.

 

કિસ્સો 5: ટોળાનો યુવક પર લાતો, ધારીયા અને હથિયારો વડે હુમલો

22 ઓગસ્ટના રોજ ગેંગવોરમાં મેઘાણીનગર વિસ્તારમાં જાહેરમાં સાતથી આઠ લોકોના ટોળાએ ઘાતક હથિયારો વડે યુવકને માર માર્યો હતો. શહેરના કાગડાપીઠ વિસ્તારમાંથી નીતિન નામના યુવકનું અપહરણ કરી મેઘાણીનગર વિસ્તારમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં જાહેરમાં યુવક ઉપર લાતો, ધારીયા અને હથિયારો વડે ક્રૂર રીતે માર મારવામાં આવ્યો હતો. આ માર મારવા અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. ગુજરાત યુપી-બિહાર બની ગયું છે એવા સોશિયલ મીડિયામાં વીડિયો સાથેના મેસેજ વાઇરલ થયા હતા. મેઘાણીનગર વિસ્તારમાં જાહેરમાં 10 મિનિટ સુધી યુવક ઉપર આ રીતે હુમલો કરી અને હત્યા કરવામાં આવતા સ્થાનિક પોલીસ ઉપર ખૂબ સવાલો ઊભા થયા હતા. શહેરમાં જાહેરમાં આ રીતે ગેંગવોર જેવા ફરી એકવાર બનાવો વધી રહ્યા છે. આ ઘટના બાદ ગુજરાત કેટલું સુરક્ષિત છે તેને લઇને પણ સવાલો ઊભા થયા છે.

 

કિસ્સો 6: પૈસાની લેતીદેતીમાં સગીર આરોપીએ યુવકની હત્યા કરી

24 ઓગસ્ટના રોજ શહેરના ઘોડાસર બ્રિજ નીચે પણ અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળી હતી. જાવીદખાન પઠાણ નામના યુવકની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે તપાસ કરતા સગીર દ્વારા હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. મૃતક અને આરોપી સગીર એકબીજાના સંપર્કમાં હતા. જાવીદખાન વારંવાર સગીર પાસે પૈસા માગતો હતો અને પૈસા ઉછીના લીધા બાદ પરત આપ્યા નહોતા. જેથી સગીરે તેની સાથે ઝઘડો કર્યો હતો અને રવિવારીમાંથી લાવેલી છરી દ્વારા ગળા અને અન્ય ભાગ ઉપર ઘા મારીને હત્યા કરી ફરાર થઈ ગયો હતો. રૂપિયા 5,000ની લેતીદેતીમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જેમાં CCTV ફૂટેજની તપાસ કરતા સગીરે જ હત્યા કરી હોવાનો ખુલાસો થતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.

 

કિસ્સો 7: ટ્રાફિકથી ધમધમતા રોડ પર છરી-પથ્થરોથી મારામારી

31 ઓગસ્ટના રોજ શહેરમાં જાહેરમાં છરી જેવા ઘાતક હથિયાર લઈને મારામારી અને ઝઘડાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. પોલીસનો જાણે ગુંડાઓ કે અસામાજિક તત્વોને કોઈ ડર ન હોય તેમ જુહાપુરા વિસ્તારમાં સોનલ ચાર રસ્તા પાસે એક્ટિવાર પર આવેલા ત્રણ શખ્સોએ યુવકને તારી ગાડી સીઝ કરવાની છે અને બોલાચાલી કરી હતી. હું તને ઓળખતો નથી તેવું યુવકે કહેતા તેને માર મારવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ જાહેરમાં એક આરોપી દ્વારા યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. ટ્રાફિકથી ધમધમતા રોડ પર છરી-પથ્થરોથી મારામારી કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનામાં બે લોકોને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ગુજરાતમાં જાણે UP અને બિહારની જેમ હવે જાહેરમાં મારામારી અને હત્યાના બનાવો બની રહ્યા છે તેવી ચર્ચાઓ જાગી છે. સૌથી સુરક્ષિત ગણાતા એવા અમદાવાદ શહેરમાં જ હવે પોલીસની નિષ્ક્રિયતાના કારણે અસુરક્ષિત બની ગયું છે.

 

કિસ્સો 8: બહેન સાથે વાત કરવા અંગે ઠપકો આપતા યુવકના પિતાની હત્યા

1 સપ્ટેમ્બરના રોજ શહેરના નારોલ વિસ્તારમાં રહેતા યુવક અને તેના પિતા ઉપર ચાર શખસો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સારવાર દરમિયાન પિતાનું મોત થયું હતું. જ્યારે પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બહેન સાથે વાતચીત કરવા અંગે યુવકને ઠપકો આપ્યો હતો. જેથી ચાર લોકો સાથે આવીને આદિત્ય નામના યુવકે સત્યમ ભૂમિહાર અને તેના પિતા સાથે મારામારી કરી હતી. તેને છોડાવવા મોટા બાપાનો દીકરો પણ વચ્ચે પડ્યો હતો. આરોપી દ્વારા ત્રણેય ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સારવાર દરમિયાન સત્યમના પિતાનું સારવાર દરમિયાન મોત થયું હતું. હત્યા બાદ ચારેય આરોપી ફરાર થઈ ગયા હતા. જાહેરમાં જ ઘરે આવીને બોલાચાલી કરી છરીથી હુમલો કરી હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

 

કિસ્સો 9: એસટી બસ સ્ટેન્ડમાં પોલીસચોકીની બહાર યુવકે તોડફોડ કરી

2 સપ્ટેમ્બરના રોજ શહેરના ગીતામંદિર વિસ્તારમાં એસટી બસ સ્ટેન્ડમાં પોલીસચોકીની બહાર એક યુવક પોતાને ભૂરા દાદા ગણાવી બેફામપણે ગોળો બોલી ધમાલ મચાવતો વીડિયો સામે આવ્યો છે. વાઇરલ થયેલા આ વીડિયોમાં યુવક પોલીસચોકીના દરવાજા પર તોડફોડ કરી બહાર આવો તો ખબર પડે એમ કહેતો જોવા મળે છે. આ વીડિયો વાઇરલ થતાં કાગડાપીઠ પોલીસ દોડતી થઈ છે અને આ સમગ્ર મામલે હવે તોડફોડ કરનાર યુવકની શોધખોળ હાથ ધરી છે. એસટી બસ સ્ટેન્ડ ઉપર રોજના હજારો મુસાફરોની અવરજવર થતી હોય છે, ત્યારે આવા અસામાજિક તત્વો બેફામપણે ત્યાં ગાળા ગાળી કરી અને પોલીસની જ જગ્યામાં જઈને ધમકીઓ આપતો હોય એવી બાબત સામે આવી છે. એસટી બસ સ્ટેન્ડ ઉપર પણ હવે સુરક્ષા અને લઇને સવાલો ઊભા થયા છે.

 

કિસ્સો 10: યુવતીની સગાઈ અન્ય સાથે થઈ જતાં પ્રેમીનું પ્રેમિકા પર ફાયરિંગ

2 સપ્ટેમ્બરના રોજ શહેરના નારોલ વિસ્તારમાં અલીફનગરમાં પ્રેમીએ પ્રેમિકા પર ફાયરિંગ કર્યો હોવાનો બનાવ બન્યો છે. યુવતીએ અન્ય યુવક સાથે સગાઈ કરતા એક તરફી પ્રેમમાં યુવકે યુવતીને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન ઘડ્યો હતો. બપોરના સમયે પ્રેમિકાને મળવા માટે યુવક આવ્યો હતો. મધ્યપ્રદેશથી આવીને યુવકે નારોલમાં પ્રેમિકા પર એક રાઉન્ડ ફાયરિંગ કરી સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જો કે, સદનસીબે ફાયરિંગની ઘટનામાં યુવતીનો બચાવ થયો અને તેને સામાન્ય ઈજા થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ છે.

Image Gallery