Loading...

સુરતમાં એક જ રાતમાં આઠ ગણેશ પંડાલમાં ચોરી:ચાંદીની મૂર્તિ, તાંબાના દીવા સહિતની વસ્તુઓ ઉઠાવી ગયા

સુરતના મહીધરપુરા વિસ્તારમાં તસ્કરોએ એક જ રાતમાં આઠ ગણેશ પંડાલનો નિશાન બનાવી ચોરી કરતાં ભક્તોમાં રોષ ફેલાયો છે. મહીધરપુરાના દારૂખાના રોડ પર આવેલા અલગ અલગ ગણેશ પંડાલમાં ગઈ રાત્રિએ તસ્કરોએ ત્રાટકી ચાંદીની મૂર્તિ, દીવા અને રોકડ સહિતના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી કરવા આવેલા તસ્કરો CCTVમાં કેદ પણ થયા છે. ઘટનાના પગલે ધારાસભ્યો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

 

ચોરી કરવા આવેલા તસ્કરોએ મૂર્તિને ખંડિત કરી

મહીધરપુર વિસ્તારના દારૂખાના રોડ પર આવેલા અલગ અલગ આઠ ગણેશ પંડાલમાં ચોરીનો પ્રયાસ કરાયો છે. તસ્કરો અલગ અલગ પંડાલમાંથી ચાંદીની મૂર્તિ, રોકડ રકમ અને પૂજા-અર્ચના માટે રાખવામાં આવેલો સામાન ઉઠાવી ગયા છે. એક ગણેશ પંડાલમાં ગણેશજીની નાની મૂર્તિને ખંડિત કરવામાં આવી છે. એક જ રાતમાં આઠ ગણેશ પંડાલમાં ચોરી થતાં ભક્તોમાં રોષ ફેલાયો છે.

 

ધારાસભ્યો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડ્યા

ઘટનાના પગલે ધારાસભ્ય અરવિંદ રાણા અને કાંતિ બલર ઘટનાસ્થળ પર પહોંચ્યા છે. જ્યારે પોલીસના ડીસીપી અને એસીપી કક્ષાના અધિકારીઓએ પણ ઘટનાસ્થળ પર પહોંચી તસ્કરોની શોધખોળ શરૂ કરી છે. ચોરી કરવા આવેલા તસ્કરો CCTVમાં કેદ થયા હોઈ, એના આધારે ઓળખ મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

 

રાત્રિના બે વાગ્યા બાદ ચોરીને અંજામ અપાયો

જે જગ્યાએ ચોરીનો બનાવ બન્યો છે ત્યાં રાત્રિના 2 વાગ્યા સુધી તો લોકો બેઠા હતા. ત્યાર બાદ બે લોકોએ આવી આ ચોરીને અંજામ આપ્યો હોવાની આશંકા છે. માત્ર 50 મીટર નજીક આવેલી ચાર ગલીના ચાર મંડપમાં ચોરીની ઘટના બની છે. એક બાદ એક ગલીમાં જઈને દરેક ગણેશ મંડપમાં ચોરી કરવામાં આવી છે. ગણેશજીની ચાંદી અને પિત્તળની મૂર્તિની ચોરી થઈ છે.

 

લોકોએ ખંડિત થયેલી મૂર્તિની જગ્યાએ નવી મૂર્તિ સ્થાપના કરી

ચોરી કરવા આવેલા તસ્કરોએ ગણેશજીની એક મૂર્તિને ખંડિત કરતા લોકોએ સવારે ખંડિત મૂર્તિને દૂર કરી નવી મૂર્તિની સ્થાપના કરી હતી.

 

આ ઘટના ચોરીની છે, ધાર્મિક લાગણી દુભાવવાનો કોઈ ઈરાદો નથી- પોલીસ

ડીસીપી રાઘવ જૈને સ્પષ્ટતા કરી હતી કે આ ઘટના માત્ર ચોરીનો પ્રયાસ છે અને એનો કોઈ ધાર્મિક લાગણી દુભાવવાનો ઈરાદો નથી. તેમણે જણાવ્યું હતું કે “અમને જાણ થઈ છે કે ચોરી કરનારી વ્યક્તિ હિન્દુ સમાજમાંથી જ છે. આ ઘટના માત્ર ચોરીની છે, કોઈ ધાર્મિક તણાવ ઊભો કરવાનો ઈરાદો નથી.” તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે અને શાંતિ જાળવે. પોલીસે આયોજકો, સ્થાનિક ધારાસભ્યો અને આગેવાનો સાથે પણ મુલાકાત કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી છે. આ બેઠકો બાદ સ્થાનિક લોકોએ ગણેશ પંડાલોમાં આરતી પણ કરી હતી, જે શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવવાનો સંકેત આપે છે. આ ઘટનાની વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.