'બોલ મારી અંબે જય જય અંબે'ના નાદ ગુંજ્યાં:પાટણથી માતાજીની માંડવી સાથે અનેક સંઘોનું અંબાજી તરફ પ્રયાણ
શકિત, ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ સમા આરાસુરી જગતજનનીના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહાકુંભ મેળાનો વિધીવત્ રીતે પ્રારંભ થઈ ગયો છે. આ મેળો આગામી 7 સપ્ટેમ્બર, 2025 સુધી ચાલશે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ મા અંબાનાં દર્શને ઊમટી રહ્યા છે. ત્યારે પાટણથી માતાજીની માંડવી સાથે અનેક સંઘોએ અંબાજી તરફ પ્રયાણ કર્યું છે. રસ્તા પર 'બોલ મારી અંબે જય જય અંબે'નો નાદ ગુંજી રહ્યો છે.
દેશભરના વિવિધ પ્રાંતોમાંથી લાખો ભક્તો ઉમટ્યાં
સાત દિવસીય આ મેળામાં ગુજરાત જ નહીં દેશભરના વિવિધ પ્રાંતોમાંથી લાખો ભક્તો અને પદયાત્રીઓ જગદંબાના ચરણ પખાળવા અને નવરાત્રીમાં મુજ ગામ...મારે આંગણે પધારવા મૈયાને આમંત્રણ આપવા કઠીન યાત્રામાં જોડાયા છે.
બગવાડા ખાતે પદયાત્રીઓ એકત્ર થતા ભક્તિમય માહોલ સર્જાયો
ભાદરવા સુદ દશમની રાત્રે પાટણ જિલ્લા અને શહેરમાંથી એનક સંઘોએ મા જગદંબાના જય જયકાર સાથે અને માતાજીના રથ સાથે અંબાજી તરફ પ્રયાણ કર્યું હતું. શહેરના બગવાડા ખાતે અંબાજી જતા પદયાત્રીઓ એકત્ર થતા ભક્તિમય માહોલ સર્જાયો છે. વિવિધ સંઘો અંબાજી જવા પ્રસ્થાન થયા હતા.
વિવિધ સંઘોએ વાજતે ગાજતે અંબાજી તરફ પ્રસ્થાન કર્યું
મંગળવારે રાત્રે પાટણ શહેરમાંથી ઝીણીપોળ યુથ કલબનો જય અંબે પગપાળા સંઘના 100 જેટલા પદયાત્રીકો માતાજીના રથ સાથે નીકળ્યા હતા. ગુર્જરવાડા યુથ કલબના 100થી વધુ પદયાત્રિકો, નાગરલીમડી યુવક મડળ, બીએસપી યુવક મંડળ, બત્તીવાડા, હરસિદ્ધ પગપાળા સંઘ શાહના પાડાનો મણીભદ્ર યુવક મંડળ, રાજપુર યુવક મંડળ, દ્વારકેશ યુવક મંડળ, બળીયાપાડા, કસારવાડ યુવક મંડળ, અનાવાડા પાટીદાર યુથ કલબ, લોટેશ્વર યુવક મંડળ સહીત મંડળોએ માતાજીની માંડવીઓ સાથે પોત પોતાના મહોલ્લા ખાતેથી વાજતે ગાજતે બગવાડા દરવાજા ખાતે આવ્યા હતા.
આ તમામ સંઘો બગવાડા ચોકમાં એકઠા થતાં ધાર્મિક મેળાવડો જામ્યો હતો. ભક્તોએ મા જગદંબાનો જય જયકાર કર્યો હતો. જે બાદ અંબાજીના માર્ગો તરફ પ્રયાણ કર્યું હતું. સંઘોને વળાવવા માટે મોટીસંખ્યામાં લોકો આવ્યાં હતા અને બગવાડા ચોકમાં બોલ મારી અંબે જય જય અંબેનો નાદ ગુંજયો હતો.
ગૃહ મંત્રી હર્ષ સંધવીએ મેળાની મુલાકાત લીધી
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાદરવી પૂનમ મેળા દરમિયાન અંબાજીની મુલાકાત લીધી. તેમણે સૌ પ્રથમ પોલીસ મુખ્ય કંટ્રોલ રૂમની મુલાકાત લઈ સીસીટીવી કેમેરાના સર્વેલન્સની કામગીરીનું નિરીક્ષણ કર્યું. મંત્રીએ જિલ્લા વહીવટીતંત્ર અને સામાજિક સંસ્થાઓની કામગીરીને બિરદાવી. તેમજ મંત્રીએ ભાદરવી પૂનમ મેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી. આ ઉપરાંત વિવિધ સેવા કેમ્પોની મુલાકાત લીધી હતી અને યાત્રિકોને ભોજન પીરસવાની સેવા કરી હતી.
