Loading...

રાજકોટમાં લુખ્ખાગીરીના વાઇરલ વીડિયોએ પોલીસને શરમમાં મૂકી, વાહન અથડાવા જેવી નજીવી બાબતે ગુંડાઓ બેફામ બન્યા

રાજકોટમાં લુખ્ખાઓને જાણે કાયદાનો કોઈ ડર જ ન હોય તે રીતના બનાવો સામે આવી રહ્યા છે. શહેરના ગોંડલ રોડ પર વધુ એક લુખ્ખાગીરીની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વાહન અથડાવા જેવી સામાન્ય બાબતમાં આવારાતત્વોએ છરી અને પાઈપથી એક યુવક પર હુમલો કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પોલીસે વીડિયોના આધારે આવારાતત્વોની શોધખોળ હાથ ધરી છે.

 

સ્કુટરને ઠોકર લાગતાં યુવકનો સાથી મિત્રો સાથે પાઈપ અને છરી વડે હુમલો

રાજકોટ શહેરના રામનગરમાં આવેલા લોધેશ્વર સોસાયટીમાં રહેતા રવિ ભીખુભાઈ જરીયા (ઉ.વ.30) નામનો યુવાન ગોંડલ રોડ ઉપરના પુલ પરથી વિજય પ્લોટ તરફ પોતાના સ્કુટરમાં જતો હતો. ત્યારે પાછળથી અજાણ્યા શખ્સે સ્કુટરને ઠોકર મારતા યુવકે જોઈને ચલાવવાનું કહેતા શખસે તેના અન્ય સાથી મિત્રોને બોલાવી યુવક સાથે બોલાચાલી કરી લોખંડના પાઇપ અને લાકડી વડે માર મારી છરી વડે હુમલો કરતા જાહેર રોડ પર સન્નાટો વ્યાપી ગયો હતો. બનાવના પગલે લોકોના ટોળા ઉમટયા હતા અને હુમલાખોરો નાસી જતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

 

ત્રણ જેટલા શખ્સો યુવક પર તૂટી પડ્યા

બનાવ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે, જેમાં એક યુવાન ઉપર ત્રણ જેટલા શખ્સો માર મારતા દેખાય છે. તેમાં લાંબા વાળ ધરાવતા શખ્સના હાથમાં છરી દેખાય છે, જે તેને લાલ કલરના ટીશર્ટ પહેરેલ યુવાન પર ઉગામી હતી. જયારે અન્ય એક મજબૂત બાંધાનો શખ્સ ભૂખરા કલરનો ટીશર્ટ પહેરેલ શખ્સ હાથમાં લોખંડનો પાઇપ અને છરી હાથમાં લઇ આવી લાલ ટીશર્ટ વાળા યુવાન પર પાઇપ વડે હુમલો કરે છે. આ પછી ત્રણેય શખ્સો સ્પ્લેન્ડર અને એક્સેસ વાહન લઇ ત્યાંથી નાસી છૂટે છે, જે વીડિયોના આધારે એ ડિવીઝન પોલીસ ટીમે હુમલાખોર ટોળકીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

શહેરમાં લુખ્ખા અને આવારા તત્વો બેફામ

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં લુખ્ખા અને આવારા તત્વો આવી રીતે સરાજાહેર છરીઓ ઉગામી રહ્યા છે એનો મતલબ સ્પષ્ટ છે કે આ શખ્સો છરી જેવા હથિયારો પોતાની સાથે જ રાખે છે માટે શહેર પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ યોજી છરી જેવા હથિયાર રાખતા શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવી જરૂરી બની છે જેના પરથી મહદ અંશે સામાન્ય બાબતોમાં થતા છરી વડે હુમલાના બનાવમાં અંકુશ લાવી શકાય તેમ છે.

 

બે દિવસ પહેલા જ મિત્રએ છરી વડે હુમલો કરી

બે દિવસ પૂર્વે રાજકોટના રૈયા રોડ પર યુવાન પર મજાક મસ્તીમાં થયેલ બોલાચાલીમાં રોષે ભરાયેલ મિત્રએ છરી વડે હુમલો કરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી દીધો હતો. જે ઘટનામાં પોલીસે ચાર સગીર સહીત પાંચ આરોપીઓને ઝડપી પાડી છરી ઉગામનાર શખ્સનું ગઈકાલે જાહેરમાં સરઘસ કાઢી ઘટના સ્થળે લઇ જઈ રિકંસ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું.