Loading...

આજથી GST કાઉન્સિલની બેઠક શરૂ:દૂધ, ટૂથપેસ્ટ, સાબુ, ટીવી-એસી, વોશિંગ મશીન સસ્તા થશે, કાલે મોટી જાહેરાત

GST કાઉન્સિલની 56મી બેઠક આજથી (બુધવાર, 3 સપ્ટેમ્બર) નવી દિલ્હીમાં શરૂ થશે. આ બે દિવસીય બેઠકમાં, નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) દરોના પ્રસ્તાવો અને સુધારાઓ પર ચર્ચા કરવામાં આવશે.

જીએસટી કાઉન્સિલની બેઠક આજથી શરૂ થઈ રહી છે અને આ બે દિવસીય બેઠકમાં જીએસટી દરોમાં ફેરફાર અને ચારને બદલે બે ટેક્સ સ્લેબ પર ફાઈનલ મહોર લગાવવામાં આવશે.

હવે ચાર સ્લેબ નહીં, હવે ફક્ત બે સ્લેબ જ રહેશે

કેન્દ્ર સરકારે GST હેઠળના ચાર ટેક્સ સ્લેબ (5%, 12%, 18% અને 28%) ઘટાડવાની અને 12% અને 28% ટેક્સ હટાવવાની તૈયારી કરી છે. આનો અર્થ એ થયો કે ફક્ત 5% અને 18% GST સ્લેબ જ રહેશે.

નવા ફેરફારો પછી, દૂધ-ચીઝથી લઈને ટીવી-એસી અને કાર-બાઈક સુધીની રોજિંદા જીવનજરુરી વસ્તુઓના ભાવમાં ઘટાડો થવાની અપેક્ષા છે.

કેન્દ્ર સરકાર 5% અને 18%ના બે સ્લેબ રજૂ કરીને હાલના કર માળખાને સરળ બનાવવાનો પ્રસ્તાવ મૂકી રહી છે. તેમજ, લક્ઝરી વસ્તુઓ 40%ના દાયરામાં આવશે.

હાલમાં, GSTના 4 સ્લેબ છે - 5%, 12%, 18% અને 28%. આ બેઠક 4 સપ્ટેમ્બરના રોજ પુરી થશે. આ પછી, બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરી શકાય છે.

નવા GST દર 22 સપ્ટેમ્બરથી લાગુ થઈ શકે છે

કેન્દ્ર સરકાર 22 સપ્ટેમ્બરથી નવા GST દરો લાગુ કરી શકે છે. સરકારનો ઉદ્દેશ્ય નવરાત્રિ અને તહેવારોની મોસમ દરમિયાન ઘણા ક્ષેત્રોમાં માંગ અને વેચાણ વધારવાનો છે.

તેમજ, CNBCએ અહેવાલ આપ્યો છે કે સરકાર GST કાઉન્સિલને તાત્કાલિક અસરથી દરોમાં ફેરફારને મંજૂરી આપવા અપીલ કરી રહી છે.

ખરેખરમાં, સરકાર ઘણા મુખ્ય ક્ષેત્રોમાં વેચાણ ધીમું થવાની શક્યતા અંગે ચિંતિત છે. આ માટે, તે રાજ્યોના મહેસૂલ નુકસાન સંબંધિત ચિંતાઓને દૂર કરવા પર પણ કામ કરી રહી છે.

GST કાઉન્સિલના મંત્રીઓના ગ્રુપ તરફથી મંજૂરી મળી ગઈ છે

ગયા અઠવાડિયે, ગ્રુપ ઓફ મિનિસ્ટર (GoM) એ કેન્દ્ર સરકારના બે સ્લેબના પ્રસ્તાવને સ્વીકાર્યો હતો. બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ 21 ઓગસ્ટના રોજ કહ્યું હતું કે ગ્રુપે હાલના 12% અને 28% ના હાલના દરો દૂર કરીને 5% અને 18%ના માળખાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

નવા દરોને કારણે ચીજવસ્તુઓના ભાવ ઘટવાની શક્યતા

નવા GST દરોથી કંઝ્યુમર ગુડ્સના ભાવમાં ઘટાડો થવાની અપેક્ષા છે. જેનાથી તહેવારોની મોસમ દરમિયાન ખરીદીમાં વધારો થઈ શકે છે. જોકે, રાજ્યો મહેસૂલના નુકસાન અંગે ચિંતિત છે, જેને કેન્દ્ર સરકાર અનેક પગલાં લઈને ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે.

આ દરખાસ્તને GST કાઉન્સિલની બેઠકમાં ફાઈનલ કરવામાં આવે તેવી અપેક્ષા છે. ત્યારબાદ દેશમાં એક સરળ અને ગ્રાહક મૈત્રીપૂર્ણ કર સિસ્ટમ લાગુ કરી શકાય છે.

GST સંબંધિત બાબતો પર અંતિમ નિર્ણય GST કાઉન્સિલ લે છે. કાઉન્સિલમાં બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણામંત્રીઓ સભ્યો તરીકે સામેલ છે.

સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાને GST સુધારાની જાહેરાત કરી હતી

પીએમ નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે આ વર્ષે દિવાળી પર એક મોટી ભેટ મળવાની છે. અમે આગામી પેઢીના GST સુધારા લાવી રહ્યા છીએ. અમે સામાન્ય લોકો માટે કર ઘટાડીશું, રોજિંદા જીવન જરુરી ચીજવસ્તુઓ સસ્તી થશે, લોકોને ઘણો ફાયદો થશે.

આ વસ્તુઓ સસ્તી થશે: તેમના પરનો ટેક્સ 12%થી ઘટાડીને 5% કરવામાં આવશે

એક્સપર્ટના મતે, ડ્રાયફ્રૂટ્સ, બ્રાન્ડેડ નમકીન, ટૂથ પાવડર, ટૂથપેસ્ટ, સાબુ, હેર ઓઇલ, સામાન્ય એન્ટિબાયોટિક્સ, પેઇનકિલર દવાઓ, પ્રોસેસ્ડ ફૂડ, નાસ્તો, ફ્રોઝન શાકભાજી, કન્ડેન્સ્ડ મિલ્ક, કેટલાક મોબાઇલ, કેટલાક કમ્પ્યુટર, સિલાઈ મશીન, પ્રેશર કૂકર, ગીઝર જેવી વસ્તુઓ સસ્તી થશે.

આ ઉપરાંત, નોન-ઇલેક્ટ્રિક વોટર ફિલ્ટર્સ, ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, વેક્યુમ ક્લીનર્સ, 1,000 રૂપિયાથી વધુ કિંમતના તૈયાર કપડાં, 500-1,000 રૂપિયાની રેન્જમાં શુઝ, મોટાભાગની વેક્સિન, HIV/TB ડાયગ્નોસ્ટિક કીટ, સાયકલ અને વાસણો પર પણ ટેક્સ ઘટશે.

જ્યોોમેટ્રી બોક્સ, નકશા, ગ્લોબ્સ, ગ્લેઝ્ડ ટાઇલ્સ, પ્રિ-ફેબ્રિકેટેડ બિલ્ડિંગ, વેન્ડિંગ મશીનો, પબ્લિક ટ્રાન્સપોર્ટ વાહનો, કૃષિ મશીનરી, સોલાર વોટર હીટર જેવા ઉત્પાદનો પણ 12% ટેક્સ સ્લેબમાં આવે છે. બે સ્લેબની મંજૂરી પછી, આ પર 5% ટેક્સ લાગશે.

આ વસ્તુઓ પણ સસ્તી થશે: તેમના પરનો ટેક્સ 28%થી ઘટાડીને 18% થશે

સિમેન્ટ, બ્યુટી પ્રોડક્ટ્સ, ચોકલેટ, રેડી-મિક્સ કોંક્રિટ, ટીવી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, એસી, ડીશવોશર, પ્રાઇવેટ પ્લેન, પ્રોટીન કોન્સન્ટ્રેટ, સુગર સીરપ, કોફી કોન્સન્ટ્રેટ, પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ, રબર ટાયર, એલ્યુમિનિયમ ફોઇલ, ટેમ્પર્ડ ગ્લાસ, પ્રિન્ટર, રેઝર, મેનીક્યુર કીટ, ડેન્ટલ ફ્લોસ.

Image Gallery