પંજાબ-હરિયાણામાં પૂર, 48 લોકોનાં મોત:હિમાચલના કુલુમાં ભૂસ્ખલન
પંજાબના તમામ 23 જિલ્લાઓ પૂરગ્રસ્ત છે. 1,655 ગામડાઓમાં 3.55 લાખથી વધુ લોકો પ્રભાવિત છે. રાજ્યની તમામ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં રજાઓ 3 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. 1 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી પૂરમાં 37 લોકો મૃત્યુ પામ્યા છે. પઠાણકોટમાં 3 લોકો ગુમ છે.
પંજાબની સરહદે આવેલા હરિયાણાના ઘણા વિસ્તારો પણ પૂરની ઝપેટમાં છે. રાજ્યમાં 11 લોકોના મોત થયા છે. હિસાર, પંચકુલા, અંબાલા અને રોહતકમાં બધી શાળાઓ આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવી છે. દિલ્હીથી પાણી છોડવાને કારણે, ફરીદાબાદમાં યમુના ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે.
બુધવારે સાંજ સુધીમાં, દિલ્હીમાં યમુનાનું પાણીનું સ્તર 207.33 મીટર સુધી પહોંચી ગયું હતું. તે ટોચના સ્તરની યાદીમાં ત્રીજા નંબરે છે. અગાઉ, તે 1978માં 207.49 મીટર અને 2023માં 208.66 મીટર સુધી પહોંચ્યું હતું. યમુના બજાર વિસ્તારમાં રાહત શિબિરોમાં પણ પાણી ઘૂસી ગયું છે. વરસાદને કારણે, અલીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઇવે 44 પર ફ્લાયઓવરનો એક ભાગ તૂટી પડ્યો છે.
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ગુરુવારે સવારે ભૂસ્ખલનમાં બે ઘર ધરાશાયી થયા હતા. આમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. 6 લોકો અંદર ફસાયા હતા. બુધવારે કુલ્લુમાં પણ ભૂસ્ખલન થયું હતું. કાટમાળ નીચે દટાયેલા NDRFના એક જવાનને આજે 24 કલાક પછી બચાવી લેવામાં આવ્યો હતો.
