રોશનીથી ઝળહળ્યું અંબાજી મંદિર:શક્તિદ્વારનો અલૌકિક શણગાર જોઈ ભક્તો થયા અભિભૂત
ભાદરવી પૂનમના મહાકુંભને કારણે શક્તિપીઠ અંબાજી ધામ રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. મંદિર અને તેની આસપાસના માર્ગોને રંગબેરંગી લાઇટિંગ અને સુંદર શણગારથી સજાવવામાં આવ્યા છે, જેના કારણે રાત્રિના સમયે અદભૂત અને અલૌકિક દૃશ્યો સર્જાયા છે. ડ્રોન વીડિયોમાં મા અંબાનું ધામ અત્યંત ભવ્ય અને દિવ્ય લાગી રહ્યું છે, જે જોઈને લાખો ભક્તો આનંદની લાગણી અનુભવી રહ્યા છે.
મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં લાઈટિંગથી શણગાર
શક્તિ, ભક્તિ અને આસ્થાનું પર્વ ભાદરવી પૂનમનો મહામેળો અંબાજી ખાતે શરૂ થયો છે. ભાદરવી પૂનમના આ મહાકુંભના પવિત્ર અવસરે લાખોની સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શનાર્થે ઉમટી રહ્યા છે. ભક્તોના ઉમંગ અને ઉત્સાહને વધારવા માટે, અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સમગ્ર મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોને ખાસ પ્રકારની લાઈટિંગ અને સુંદર શણગારથી સજાવવામાં આવ્યા છે.
અદભૂત રોશનીથી ભવ્યતામાં વધારો
અંબાજી તરફ જતા તમામ માર્ગો, જેમાં દાંતા, હડાદ અને ગબ્બર તરફના રસ્તાઓનો સમાવેશ થાય છે, તે રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યા છે. ખાસ કરીને ગબ્બર રોડ પર વિવિધ પ્રકારની પ્રતિકૃતિઓ અને લાઈટિંગની સજાવટ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. રાત્રિના સમયે આ રોશની મંદિરની ભવ્યતા અને સુંદરતામાં અનેકગણો વધારો કરી રહી છે.
ભક્તોમાં આનંદની લાગણી
મંદિર અને તેના પરિસરને પણ વિશેષ લાઇટિંગ અને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. શક્તિદ્વાર પર કરવામાં આવેલો શણગાર દૃશ્યમાન છે. હાલમાં સામે આવેલા ડ્રોન વીડિયોમાં પણ મા જગતજનની અંબાનું મંદિર ખૂબ જ ભવ્ય અને દિવ્ય લાગી રહ્યું છે. આ દૃશ્યો જોઈને ભક્તો આનંદ અને અદ્ભુત લાગણી અનુભવી રહ્યા છે. આ સુંદર અને ભવ્ય શણગાર ભાદરવી મહાકુંભને વધુ પવિત્ર અને યાદગાર બનાવી રહ્યો છે.
7 સપ્ટેમ્બરને રવિવારે ચંદ્રગ્રહણ હોવાથી મંદિર બપોરે 12:30થી બંધ રહેશે
શક્તિપીઠ અંબાજી ખાતે 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાઈ રહ્યો છે. જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ઊમટી રહ્યા છે. આ વખતે અંબાજી દર્શને જવાના હોય તો એટલું ખાસ ધ્યાન રાખજો કે 7 સપ્ટેમ્બરને રવિવાર ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરમાં બપોરે 12:30 વાગ્યે દર્શન બંધ થઇ જશે અને માત્ર બંધ જાળીમાંથી દર્શન થશે. સાંજે 5 વાગ્યા બાદ મંદિરમાં સંપૂર્ણ દર્શન બંધ થઇ જશે. 7 સપ્ટેમ્બરે ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી બપોરે 12:30 પછી ધજા નહીં ચડે. આ સિવાય 1થી 6 સપ્ટેમ્બર મંદિર સવારે 6થી રાત્રે 12 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહેશે.