Loading...

આજે તાપી-નર્મદામાં રેડ એલર્ટ:દ. ગુજરાત-સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં ફરી એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. બંગાળની ખાડીમાં મજબૂત વરસાદી સિસ્ટમ બની છે, જે ગુજરાત પરથી પસાર થાય એવી પૂરી સંભાવનાઓ છે. આ સિસ્ટમને કારણે 4થી 8 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે, 4 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી સાથે એલર્ટ જાહેર કર્યું છે. આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

આજે સવારના 6થી 10 વાગ્યા સુધીમાં રાજ્યાના 82 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડામાં 1.14 ઈંચ તો સૌથી ઓછો ડાંગના સુબીરમાં 1 મિમી વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ ઉપરવાસમાંથી 4 લાખ ક્યુસેક પાણીની આવક થતા નર્મદા ડેમની સપાટી 135.47 મીટર સુધી પહોંચી છે. સરદાર સરોવર ડેમમાં રૂલ લેવલ જાળવવા માટે રાતથી તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના 15 દરવાજા અને આરબીપીએચ, કેનાલ મારફતે 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં 10 સેમીનો વધારો નોંધાયો છે. વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

મોન્સૂન ટ્રફના કારણે આ વરસાદી માહોલ બન્યો

હવામાન વિભાગના વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે જણાવ્યું કે, મોન્સૂન ટ્રફના કારણે આ વરસાદી માહોલ બન્યો છે. આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનું જોર વધશે. આજે, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, સુરત અને પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા છે.

બે જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે નર્મદા અને તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જેના કારણે આ વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ ચાલુ રહેશે. આ ઉપરાંત, સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના છે, અને ત્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.