યે રિશ્તા...' ફેમ આશિષ કપૂરની દુષ્કર્મના આરોપમાં ધરપકડ:ઇન્સ્ટા. પર ફ્રેન્ડશીપ કરી હાઉસ પાર્ટીમાં બોલાવી
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' અને 'સાત ફેરે'માં જોવા મળેલા એક્ટર આશિષ કપૂરની બુધવારે દુષ્કર્મના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે ઓગસ્ટના બીજા અઠવાડિયામાં દિલ્હીમાં એક હાઉસ પાર્ટી દરમિયાન આશિષે વોશરૂમમાં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. પોલીસે પુણેથી એક્ટરની ધરપકડ કરી છે. આ કેસની તપાસ હજુ ચાલી રહી છે.
પુણેમાં આશિષની ધરપકડની પુષ્ટિ DCP (નોર્થ) રાજા બંથિયા દ્વારા કરવામાં આવી છે. પોલીસે ગોવાથી પુણે સુધી આશિષ કપૂરની ગતિવિધિઓ પર નજર રાખી હતી, ત્યારબાદ બંને સ્થળોએ ટીમો મોકલવામાં આવી હતી અને બાદમાં એક્ટરની પુણેથી ધરપકડ કરવામાં આવી હતી.
જાણો શું છે સમગ્ર મામલો?
પોલીસના જણાવ્યા અનુસાર, આશિષ કપૂર ઇન્સ્ટાગ્રામ દ્વારા મહિલાને મળ્યો હતો. બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પીડિતા પણ સામેલ હતી. પીડિતાએ 11 ઓગસ્ટના રોજ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં શરૂઆતમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે આશિષ કપૂર, તેના મિત્ર અને બે અજાણ્યા પુરુષોએ તેના પર દુષ્કર્મ આચર્યુ હતું. તે જ સમયે, એક મહિલા (મિત્રની પત્ની) એ પણ તેને માર માર્યો હતો.
જોકે, બાદમાં મહિલાએ પોતાનું નિવેદન બદલી નાખ્યું અને કહ્યું કે- ફક્ત આશિષ કપૂરે જ તેના પર દુષ્કર્મ કર્યું હતું. મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે આ ઘટનાનો વીડિયો બનાવવામાં આવ્યો હતો, પરંતુ પોલીસને હજુ સુધી આવો કોઈ વીડિયો મળ્યો નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે પહેલાં આ કેસ ગેંગરેપ તરીકે નોંધવામાં આવ્યો હતો, પરંતુ હવે તેને ફક્ત દુષ્કર્મના આરોપોમાં બદલવામાં આવ્યો છે.
21 ઓગસ્ટના રોજ, આશિષ કપૂરના મિત્ર અને તેની પત્નીએ આગોતરા જામીન માટે અરજી કરી હતી, જેને કોર્ટે સ્વીકારી લીધી હતી. સુનાવણી દરમિયાન પીડિતા પણ હાજર હતી, પરંતુ તેણે પોતાની દલીલોમાં મિત્રનું નામ લીધું ન હતું.
પોલીસનું કહેવું છે કે CCTV ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો દર્શાવે છે કે પાર્ટી દરમિયાન, આશિષ કપૂર અને મહિલા એકસાથે વોશરૂમ ગયા હતા. જ્યારે તે લાંબા સમય સુધી બહાર ન આવ્યા, ત્યારે કપૂરના મિત્રો અને અન્ય મહેમાનોએ દરવાજો ખટખટાવવાનું શરૂ કર્યું. જ્યારે આશિષ કપૂરના મિત્રની પત્નીએ PCRને કોલ કર્યો હતો.
આશિષ કપૂર કોણ છે? આશિષ કપૂર એક જાણીતા ટીવી એક્ટર છે. તેણે 'કુરબાન', 'ટેબલ નંબર 21' અને 'ઇન્કાર' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આશિષ 'દેખા એક ખ્વાબ' સીરિયલમાં જોવા મળ્યો હતો. જોકે, આશિષ લાંબા સમયથી પડદાથી દૂર છે.
