Loading...

નવસારી, ડાંગ સહિત 5 જિલ્લા માટે આજનો દિવસ અતિભારે:ઉકાઈ ડેમના 12 દરવાજા ખોલાયા

હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે, 5 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ માટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે અને પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આગામી 5 દિવસ સુધી પવન 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. આજે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. ચાણોદ પાસે મલ્હાર રાવ ઘાટના 95 પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોને સાવધ રહેવા એલર્ટ અપાયું છે. ત્રણેય જિલ્લા કલેક્ટરને સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા જાણ કરાઈ છે.

આ સાથે તાપીના ઉકાઈ ડેમમાં પાણીની જોરદાર આવક થતાં 12 દરવાજા ખોલી તાપી નદીમાં 1 લાખ 63 હજાર 148 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ડેમની સપાટી 337.90 ફૂટ પહોંચી છે અને હાલ 83.41 ટકા ભરાયો છે. ઉપરવાસમાંથી જેટલું પાણી આવી રહ્યું છે, તેટલો જ જથ્થો નદીમાં છોડાઈ રહ્યો છે. પાણીની પૂરતી ઉપલબ્ધતા થતા દક્ષિણ ગુજરાતના લોકોમાં આનંદ છવાયો છે, જ્યારે નદી કાંઠાના રહેવાસીઓને સાવચેતી રાખવા અપીલ છે. બીજી તરફ નર્મદા નદીના જળસ્તર પણ નોંધપાત્ર વધારો થયો છે. હાલમાં નદી તેની ભયજનક સપાટી વટાવી ગઈ છે. ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નદીનું 22 ફૂટ વોર્નિંગ લેવલ અને 24 ફૂટ ભયજનક સપાટી છે. નદીની ભયનજક સપાટી 24 ફૂટ પર પહોંચી છે. તંત્ર દ્વારા નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે.

રાજ્યમાં અત્યારસુધીમાં સરેરાશ 92 ટકાથી વધુ વરસાદ

ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના જણાવ્યું મુજબ, ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજાએ તમામ વિસ્તારમાં મેઘમહેર કરી છે. ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 4 સપ્ટેમ્બર, 2025ની સ્થિતિએ સરેરાશ 92.64 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં 96.94 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં 96.91 ટકા, પૂર્વ-મધ્યમાં 93.79 ટકા, કચ્છમાં 85.14 ટકા અને સૌરાષ્ટ્રમાં 84.74 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 89 ટકાથી વધુ જળસંગ્રહ

વધુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 113 ડેમ હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા છે. જેમાં 82 ડેમ 100 ટકા, 68 ડેમ 70થી 100 ટકા વચ્ચે, 24 ડેમ 50થી 70 ટકા વચ્ચે, જ્યારે 17 ડેમ 25થી 50 ટકા વચ્ચે ભરાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના 89 ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે.

રાજ્યમાં 96 ટકાથી વધુ વિસ્તારમાં ચોમાસું-ખરીફ વાવેતર પૂર્ણ

કૃષિ વિભાગની યાદીમાં જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં નોંધપાત્ર વરસાદના પરિણામે જગતના તાત‌‌ એવા ખેડૂતો દ્વારા 01 સપ્ટેમ્બર, 2025ની સ્થિતિએ સરેરાશ કુલ 96.29 ટકા વિસ્તારમાં ખરીફ-ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 22 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર, જ્યારે બીજા ક્રમમાં 20 લાખ હેક્ટરમાં કપાસ અને ત્રીજા ક્રમમાં 08 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે.