ગુજરાતની 4564 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ:રીબડામાં સત્યજીતસિંહનો વિજય
ગુજરાતની ગ્રામ પંચાયતો માટે 22 જૂને યોજાયેલી ચૂંટણીઓનું આજે પરિણામ છે. સવારથી 9 વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ છે.
8326 ગ્રામપંચાયતોમાંથી 4564માં કેમ થઈ ચૂંટણી જાણોઃ
રાજ્યમાં કુલ 8326 ગ્રામપંચાયતોની ચૂંટણી થવાની હતી, જેમાંથી 4564 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને 3524 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી થઈ હતી. સામાન્ય હેઠળની ચૂંટણી હેઠળની 4564માંથી 751 ગ્રામ પંચાયતો સમરસ થઈ હતી. ત્યારબાદની 3541માંથી 272 ગ્રામ પંચાયતોમાં બેઠકો બિનહરીફ થવાના કારણે અથવા ઉમેદવારી ન નોંધાવાના બેઠકો ખાલી રહેવાથી ચૂંટણી થઇ નથી.
બીજી તરફ પેટા ચૂંટણી હેઠળની કુલ 3524 ગ્રામ પંચાયતો પૈકી બેઠકો બિનહરિફ થવાના કારણે અથવા ઉમેદવારી ન નોંધાવાના કારણે બેઠક ખાલી રહેલ હોય તેવી કુલ 3171 ગ્રામ પંચાયતો બાદ કરતાં 353 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ રહી છે.
જ્યારે કડી અને વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી હોવાથી કડી અને જોટાણા તાલુકાની ગ્રામ પંચાયતો, તેમજ વિસાવદર વિધાનસભાના ભેંસાણ, વિસાવદર, જૂનાગઢ ગ્રામ્ય તથા બગસરા તાલુકાઓમાં આવતી 2 હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ મોફૂક કરવામાં આવી છે.
કુલ 239 સ્થળોએ 1080 હોલમાં મતગણતરી હાથ ધરાશે, જેમાં 2771 ટેબલનો ઉપયોગ થશે. મતગણતરી પ્રક્રિયા માટે 13,444 કર્મચારીઓ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે 14,231 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, 3,431 વર્ગ-4 ના કર્મચારીઓ પણ ફરજ પર છે.