ગુજરાતના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો મુખ્ય ખેલાડી દુબઈથી ઝડપાયો
ગુજરાત પોલીસની સૌથી મજબૂત ગણાતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટું ઓપરરેશન પાર પાડ્યું છે. પોલીસ 2200 કરોડથી વધુના માધુપુરા ક્રિકેટ સટ્ટકાંડના મુખ્ય સૂત્રધાર હર્ષિત જૈનને દુબઈથી ઝડપી લેવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલના DIG નિર્લિપ્ત રાય અને તેની ટીમે આ મિશન પાર પાડ્યું હતું. હર્ષિત જૈન સામે લુકઆઉટ સર્ક્યુલર અને રેડ કોર્નર નોટિસ પણ કાઢવામાં આવી હતી. દુબઈ પોલીસે હર્ષિતને લોકેટ કરી લીધો હતો અને પછી સ્ટેટ મોનિટરિંગ સેલ સાથે સંકલન કરીને તેને ડિપોર્ટ કર્યો હતો.
હવે સૌરભ ચંદ્રાકર અને અમિત મજેઠિયા પર સકંજો કસાશે
માધુપુરા કેસમાં હર્ષિત જૈન પકડાયા બાદ પોલીસ હવે સૌરભ અને અમિત મજેઠિયા સુધી પહોચશે. આ સહિત અન્ય બુકીઓ પણ સકંજામાં આવશે. વિદેશ ગયેલા બુકીઓ હવે એસએમસી ટૂંક સમયમાં સકંજો મજબૂત કરશે
બુકીઓ આઇપીએસ અને રાજકીય ઘરોબો ધરાવતા
માધવપુરા પોલીસ સ્ટેશનમાં જે બુકીઓ સામે ગુનો નોધવામાં આવ્યો હતો તે બુકીઓ વગદાર છે અને કરોડોનો આસામી છે. તેઓ વિદેશમાં વસે છે અને પોતાનો ધંધો કાયદેસર હોવાની વાતો સ્પષ્ટ જણાવી રહ્યા છે. આ કેસમાં જે બુકીઓના નામ ખુલ્યા હતા તે બુકીઓ IPS અધિકારીઓ અને રાજકીય ઘરોબો ધરાવે છે. આમ બુકીઓના રાજકીય દબાણથી તપાસ ઓછી થઈ હોવાનું મનાય છે.
શું છે મામલો?
ગુજરાતના ઇતિહાસમાં ક્રિકેટ સટ્ટામાં સૌથી મોટા 2200 કરોડથી વધુના વ્યવહારનો પર્દાફાશ અમદાવાદ પીસીબીએ 28 માર્ચ-2023માં કર્યો હતો. અમદાવાદ પીસીબીના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટને માહિતી મળી હતી કે, કેટલીક કંપનીઓની અંદર કરોડોના ટ્રાન્ઝેક્શન થઈ રહ્યાં છે અને તે સામાન્ય વ્યક્તિના એકાઉન્ટમાંથી આવી રહેલા પૈસા છે. પરંતુ આ તમામ રૂપિયા સટ્ટા માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે. અલગ અલગ જગ્યાએ સટ્ટાની પોલીસ તપાસ કરવા માટે પ્રયાસ કરી રહી હતી તે સમયે અમદાવાદના માધુપુરામાં આવેલા સુમિલ કોમ્પલેક્સમાં પીસીબીની ટીમે દરોડા પાડ્યા હતા.
પીસીબીએ રેડ કરી ત્યારે સાત મોબાઇલ, 3 લેપટોપ, 536 ચેકબુક, 538 ડેબિટ કાર્ડ, 14 પીઓએસ મશીન, 193 સીમકાર્ડ, સાત પાનકાર્ડ, 83 કંપનીના સિક્કા, 20 ડિજિટલ સિગ્નેચર ડિવાઇસ અને રોકડ મળીને 3.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ રીતે સટ્ટો રમાડતા હતા
આ કેસ તપાસમાં જ વેલોસિટી સર્વર અને મેટાટ્રેડર વિશે જાણકારી મળી હતી. મેટાટ્રેડર ડબ્બા ટ્રેડિંગ પ્લેટફોર્મ છે. એક રીતે એ મોબાઇલ એપ્લિકેશન છે, જેમાં એક વ્યક્તિ એનું સંચાલન કરે છે અને અન્ય ઘણા લોકો એના પર સટ્ટો રમે છે. એમાં પણ આખી ચેનલ બનાવવામાં આવી હતી, એટલે કે વિવિધ લોકોને એજન્ટ બનાવીને તેમની આઈડી ક્રિએટ કરવામાં આવતી હતી. આ એજન્ટો અન્ય નવા લોકો સુધી પહોંચીને સટ્ટો રમાડતા હતા. આ ડિજિટલ સટ્ટાકાંડનો માસ્ટરમાઇન્ડ દીપક ઠક્કર હતો. આ દીપક ઠક્કરને સપ્ટેમ્બર-2024માં દુબઈથી SMCની ટીમે ઝડપી લીધો હતો.
SMCએ આ સર્વર અમદાવાદના વેજલપુરની જે ઓફિસમાંથી એપરેટ થતું હતું ત્યાં દરોડા પાડ્યા હતા. ત્યાં ફોન અને લેપટોપમાંથી ઘણી માહિતી મળી. મેટાટ્રેડરમાં કેટલા લોકો જોડાયેલા છે, કેટલા રૂપિયાનો સટ્ટો રમાય છે, કોણ-કોણ અને ક્યાંથી ઓપરેટ કરે છે એ વિગતો મળી હતી.
હર્ષિત જૈને દીપક ઠક્કર પાસેથી આઈડી લીધી હતી
દીપક ઠક્કર પાસેથી માધુપુરા સટ્ટાકાંડના આરોપી હર્ષિત જૈને આવી જ એક માસ્ટર આઇડી લીધી હતી, એટલે 2200 કરોડનો આંકડો સામે આવ્યો એ ફક્ત હર્ષિત જૈનને મળેલી માસ્ટર આઇડીથી થયેલા નાણાકીય લેડવદેવડનો છે. જે આઈડી હર્ષિત જૈન પાસે છે એવી આઇડી અન્ય 500 લોકો પાસે પણ હતી.
મહાવીર એન્ટરપ્રાઇઝના નામે ક્રિકેટ સટ્ટાનું કૌભાંડ હર્ષિત જૈન દ્વારા ચલાવવામાં આવતું હતું. જો કે પીસીબીના દરોડા બાદ તે દુબઈ ફરાર થઇ ગયો હતો. બાદમાં તપાસ દરમિયાન આ કેસના તાર ભારતના સૌથી મોટા બુકી મહાદેવ બુકી એટલે તે સૌરભ ચંદ્રાકર સુધી પહોંચ્યા હતા. સૌરભ ચંદ્રાકર મહાદેવ બુકીના નામે દુબઇથી ભારતનું સૌથી મોટું સટ્ટા બેટિંગ નેટવર્ક ચલાવે છે.
8 પાસ દીપક ઠક્કર સટ્ટાકાંડનો માસ્ટરમાઇન્ડ બન્યો
દીપક ઠક્કરનું મૂળ વતન બનાસકાંઠા જિલ્લામાં આવેલું ભાભર છે. અગાઉ તે ભાભરમાં અંબિકાનગર સોસાયટીમાં રહેતો હતો. ધોરણ 8 સુધી ભણેલો દીપક અગાઉ શેરબજારનાં કામકાજમાં ઝંપલાવ્યું હોવાનું સૂત્રોએ જાણકારી આપી છે. ત્યાર બાદ તેણે અમદાવાદના વેજલપુરમાં પીએનટીસી નામના કોમ્પ્લેક્સમાં 11મા માળે બે ઓફિસ રાખી હતી, જ્યાં તેણે વી.વી.આઈ.પી. સોફ્ટવેર નામની ઓફિસ શરૂ કરી હતી. તે શેરબજારના ડબ્બા ટ્રેડિંગની ગેરકાયદે પ્રવૃત્તિ માટે વેલેસિટી સર્વરમાં મેટાટ્રેડર એપ્લિકેશનનો ઉપયોગ કરી, શેરબજારના ડબ્બા ટ્રેડીંગનું આઈ.ડી.લઈ, બિનઅધિકૃત રીતે શેરબજારના સોદાઓ કરતો અને કરાવતો હતો. આ રીતે તેણે પોતાનું આખું નેટવર્ક ઊભું કરી લીધું હતું.
સટ્ટાકાંડમાં દીપક ઠક્કર અને હર્ષિત જૈન સહિત અત્યારસુધીમાં કુલ 37 આરોપી ઝડપાઈ ચૂક્યા છે. આ સટ્ટાકાંડનો ખુલાસો કરનાર પીસીબીના તત્કાલીન પોલીસ અધિકારી તરલ ભટ્ટ પણ તોડકાંડ કેસમાં સંડોવાયેલા છે.
