Loading...

ટોઇંગ વાહનના કર્મચારી અને તબીબ વચ્ચે લાફાવાળી:રાજકોટમાં કારને લોક મારી દેતાં બબાલ

પોલીસની દાદાગીરીના અનેક બનાવ સામે આવતા હોય છે પરંતુ રાજકોટમાં તો પોલીસ નહિ પરંતુ પોલીસના ટોઇંગ વાહનમાં કામ કરતા કર્મચારી પણ દાદાગીરી કરતા જોવા મળી રહ્યા છે. ગુરુવારે(4 સપ્ટેમ્બર) સાંજે અમીન માર્ગ પર એક તબીબ પોતાની કારમાં બેસી ગયા પછી કારને લોક કેવી રીતે કરી શકો કહી ટોઇંગ વાહનના કર્મચારીને સવાલ પૂછતાં બોલાચાલી થતા તબીબે કર્મચારીને ધક્કો મારતા કર્મચારીએ તબીબ પર લાફાવાળી શરૂ કરી દીધી હતી. જે સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ પછી નો પાર્કિંગ બદલ દંડ ભરવાનું કહેતા પોલીસ અને તબીબ વચ્ચે ફરી ઘર્ષણ થયું હતું કારણ કે ટોઇંગ વાહનમાં ડિજિટલ દંડ સ્વીકારવા માટે વ્યવસ્થા ન હોવાથી ઘર્ષણ થયું હતું અને પોલીસ તેમજ તબીબ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી.

ટોઇંગ વાહન આવતા તાત્કાલિક તબીબ દોડી કારમાં બેસી ગયા

સામે આવેલા CCTVમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તબીબની કાર રસ્તા પર પડેલી છે અને પોલીસનું ટોઇંગ વાહન આવતા તાત્કાલિક તબીબ દોડી અને આવી કારમાં બેસી જાય છે અને કાર પર લોક લગાવતા ટોઇંગ કર્મચારી સાથે બોલાચાલી થતા પ્રથમ તબીબ દ્વારા તેને ધક્કો મારી ઉગ્ર બોલાચાલી કરવામાં આવે છે. પોલીસે દંડ ભરવા માટે કહેતા તબીબે ઓનલાઇન દંડ ભરીશ તેવું કહ્યું હતું જો કે ડિજિટલ યુગમાં રાજકોટના ટોઇંગ વાહનમાં ડિજિટલ દંડ સ્વીકારવા વ્યવસ્થા ન હોવાથી ઘર્ષણ થયું હતું અને પોલીસ તેમજ તબીબ વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી.

તબીબે કર્મચારીને ધક્કો માર્યો, કર્મચારીએ તબીબને લાફો માર્યો

સાંજના 5 વાગ્યે એક તબીબ પોતાની કાર પાર્ક કરી દુકાનમાં વસ્તુ લેવા માટે ગયા હતા એટલામાં પોલીસની ટોઇંગ વેન ત્યાં આવી જતા તબીબ તુરંત આવી પોલીસ લોક કરે એ પહેલા ગાડીમાં બેસી કાર લઇ નીકળવાના પ્રયાસમાં હતા. આ દરમિયાન કર્મચારીએ તેમની કારને લોક મારી દેતા તબીબ ગાડીમાંથી નીચે ઉતરી ગાડીમાં બેઠા હોય તો લોક કેવી રીતે કરી શકો કહી બોલાચાલી કરી ઉશ્કેરાયેલ તબીબે ટોઇંગ વેનના કર્મચારીને ધક્કો માર્યો હતો આ પછી તુરંત ટોઇંગ વાનના કર્મચારીએ તબીબને લાફા ઝીક્યાં હતા અને પછી મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલ વાનમાંથી નીચે ઉતરી બન્નેને છોડાવ્યા હતા. તબીબની એક જ દલીલ હતી કે કારમાં અંદર બેઠા હોય તો લોક મારી શકાય નહિ.

તબીબે ઓનલાઇન દંડ ભરવાનું કહેતા લાંબો સમય બબાલ ચાલી

આ પછી પોલીસે તેમની કાર નો પાર્કિંગમાં હોવાની દલીલ કરી હતી જેની સામે પણ તબીબે દલીલ કરી કે કોઈ જગ્યાએ નો પાર્કિંગનું સાઈન બોર્ડ કે માર્કિંગ કરેલ ન હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસે નો પાર્કિંગમાં કાર રાખવા મામલે દંડની રકમ ભરવા કહેતા ફરી બોલાચાલી થઇ હતી, કારણ કે તબીબે ઓનલાઇન દંડ ભરશે તેમ કહેતા ટ્રાફિક પોલીસે ઓનલાઇન દંડ લેવા માટે સુવિધા ન હોવાનું કહ્યું હતું. આમ લાંબો સમય સુધી ટ્રાફિક પોલીસ અને તબીબ વચ્ચે ઘર્ષણ ચાલ્યું હતું અને આસપાસના લોકો પણ આ તમાશો જોઈ રહ્યા હતા.

ઈ-મેમો મોકલતી પોલીસ પાસે ઓનલાઇન દંડ લેવાની વ્યવસ્થા નથી

મહત્વનું એ છે કે ડિજિટલ ઇન્ડિયા તરફ દેશ આગળ વધી રહ્યો હોવાની વાતો કરવામાં આવી રહી છે પોલીસ ડિજિટલ રીતે ઈ મેમો પણ મોકલી રહી છે પરંતુ રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઓનલાઇન દંડ વસુલ કરવા વ્યવસ્થા ન હોવાનું કહેતા આ વાત પણ આશ્ચર્ય પામે એવી હતી. જો કે રાજકોટ ટ્રાફિક પોલીસના ટોઇંગ વિભાગમાં કામ કરતા અધિકારીઓ કર્મચારીઓ પણ તેમને ઓનલાઇન દંડ વસૂલવા માટે સિસ્ટમ ફાળવવામાં આવે તેવી માગ કરી રહ્યા છે કારણ કે આ જ કારણથી તેઓને અવારનવાર પબ્લિક સાથે ઘર્ષણ થતું હોય છે.