3 દિવસ રાજ્યમાં વરસાદી આફતનાં એંધાણ:કડાણા ડેમમાંથી 11 વાગ્યે વધુ પાણી છોડાશે
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું હતું કે, પોર્ટ પર LC 3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
વડોદરા શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરાઈ છે. ગતરોજ પડેલા ભારે વરસાદ, નદીઓમાં પાણીનો વધારો અને આજની ભારે વરસાદની આગાહીને પગલે વડોદરા કલેક્ટરે નિર્ણય કર્યો છે. કે. જી.થી લઈને ધો.12 સુધીના તમામ વિદ્યાર્થીઓને માટે રજા જાહેર કરાઈ છે.
સવારના 6થી 8 વાગ્યા સુધામાં રાજ્યના 60 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 1.57 ઈંચ તો સૌથી ઓછો છોટા ઉદેપુરના સંખેડામાં 1 મિમી વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સીઝનનો સરેરાશ 34.32 ઈંચ એટલે કે, 98.85 ટકા વરસાદ વરસી ગયો છે.
આવતી કાલે એટલે કે, 7 સપ્ટેમ્બરના રોજ કચ્છ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જારી કરાયું છે. જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. બાકીના અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ અને બોટાદમાં હળવા વરસાદની સંભાવના સાથે યલો એલર્ટ અપાયું છે.
નર્મદા ડેમના 8 દરવાજા બંધ કરાયા, ત્રણ જિલ્લામાં પૂરનું સંકટ ટળ્યું
5 સપ્ટેમ્બરના રોજ સરદાર સરોવર નર્મદા ડેમના સિઝનમાં પહેલીવાર 23 દરવાજા 2.50 મીટર ખોલવામાં આવ્યા હતાં. મોટી માત્રામાં પાણી છોડવામાં આવતા નર્મદામૈયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. નર્મદા નદી બે કાંઠે વહેતી ચાણોદના મલ્હાર રાવ ઘાટના 95 પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ સાથે જ નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોને 27 ગામોને એલર્ટ પર મુકવાની ફરજ પડી હતી. હાલમાં પાણીની આવક ઘટતા 23 દરવાજામાંથી 8 દરવાજા બંધ કરવામાં આવ્યા છે. પાણીની આવક ઘટતા અને નદીમાં ઓછું પાણી છોડતા ત્રણ જિલ્લા વડોદરા, ભરૂચ, નર્મદા ઉપરથી પૂરનુ સંકટ ટાળ્યું છે.
હાલ ડેમના 15 દરવાજા 3.10 મીટર ખુલ્લા રાખવામાં આવ્યા છે. આરબીપીએચ અને કેનાલ મારફતે 3 લાખ 80 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલમાં નર્મદા ડેમની સપાટી 136.14 મીટર સુધી પહોંચી છે. ઉપરવાસમાંથી 4 લાખ ક્યુસેક કરતાં વધુ પાણીની આવક થઈ રહી છે. ગઈકાલે મધ્યપ્રદેશના 3 ડેમોમાંથી 5.30 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.
