Loading...

દક્ષિણ-મધ્ય ગુજરાતને વરસાદે ઘમરોળ્યું:તાપીના કુકરમુંડામાં 4 કલાકમાં 4 ઇંચ

ગુજરાતમાં 15મી જૂને ચોમાસાનો પ્રવેશ થયા બાદ માત્ર 10 દિવસમાં મેઘરાજાએ રાજ્યને કવર કરી લીધું છે. હવામાન વિભાગે આગામી સપ્તાહ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે દરિયાકાંઠે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 142 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ નર્મદા જિલ્લાના નાંદોદમાં સાડા આઠ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.

અમદાવાદ-ગાંધીનગરમાં ધીમી ધારે વરસાદ

હવામાન વિભાગની આગાહીના પગલે અમદાવાદ-ગાંધીનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી અંધારપટ સાથે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને વહેલી સવારથી નોકરી-ધંધે જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજ્યમાં સરેરાશ વરસાદ 24 ટકાથી વધુ વરસાદ 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 50 તાલુકામાં બે ઇંચથી વધુ, 75 તાલુકામાં એક ઈંચથી વધુ, જ્યારે બાકીના તાલુકામાં એક ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 142 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આજે 25 જૂન 2025ના રોજ સવારે 6 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 24 ટકાથી વધુ નોંધાયો છે.

24 કલાકમાં નોંધપાત્ર વરસાદ 

દક્ષિણથી લઈને ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ થયો છે, 24મીએ સાંજે 6 વાગ્યાથી લઈને 25 જૂનના સવારના 6 વાગ્યા સુધી 142 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. નર્મદા જિલ્લાના નાંદોદમાં 8.66 ઇંચ વરસાદ નોંધાયો, જે રાજ્યમાં સૌથી વધુ છે. દાહોદ અને તિલકવાડામાં 7.13 ઇંચ વરસાદ થયો છે. છોટા ઉદેપુરના પાવી-જેતપુરમાં 6.97 અને પંચમહાલના શહેરામાં 6.81 ઇંચ વરસાદ નોંધાયો છે.

સ્થાનિક નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર વધ્યું આ ઉપરાંત અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે, જેમ કે વલસાડના ધરમપુર 6.69 ઇંચ, વાપીમાં 6.18 ઇંચ, સુરતના બારડોલી 5.94 ઇંચ, મહીસાગરના વિરપુરમાં 5.94 ઇંચ, દાહોદના સિંગવડમાં 5.55 ઇંચ અને અરવલ્લીના મોડાસામાં 5.47 ઇંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદથી સ્થાનિક નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર વધ્યું છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે હાલાકી પણ સર્જાઈ છે.

આ 10 જળાશય હાઇએલર્ટ પર 

અમરેલી જિલ્લાના ધાતરવાડી અને સૂરજવાડી, સુરેન્દ્રનગરના વાંસલ, લીમ-ભોગાવો-1 અને સબૂરી, જામનગર જિલ્લાના વાઘડિયા, કચ્છના કલાઘોઘા, ભાવનગરના રોજકી તથા બગડ અને બોટાદ જિલ્લાના ભીમદાદ એમ કુલ 10 જળાશય સંપૂર્ણ એટલે કે 100 ટકા ભરાયાં છે, જેથી હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 29 જળાશય 70થી 100 ટકા વચ્ચે ભરાતાં એલર્ટ અને વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહશક્તિના 50.15 ટકા પાણી સંગ્રહાયેલું છે.​​​​​​