Loading...

રોશનીથી ઝળહળતા નર્મદા ડેમનો ડ્રોન નજારો:સિઝનમાં પહેલીવાર ડેમના 23 દરવાજા ખોલાયા

ગઈકાલે (5 સપ્ટેમ્બર) સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ડેમને રંગબેરંગી લાઇટ્સથી સજાવવામાં આવ્યો છે. તિરંગા લાઈટિંગથી સજ્જ ઓવરફ્લો ડેમનો નજારો જોઈને પ્રવાસીઓ મંત્રમુગ્ધ થયા છે. રંગબેરંગી લાઈટ્સની સજાવટથી સરદાર સરોવર ખૂબ સુંદર દેખાઈ રહ્યો છે. ડેમનો આ અદ્ભુત ડ્રોન નઝારો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. દર વર્ષે ડેમ સંપૂર્ણ ભરાતાં આ રીતે રંગબેરંગી લાઈટિંગથી તેની સજાવટ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે આજે પાણીની આવક ઘટતાં 23 દરવાજામાંથી 8 દરવાજા બંધ કરવામાં આવ્યા છે. પાણીની આવક ઘટતાં અને નદીમાં પાણી ઓછું છોડતાં ત્રણ જિલ્લામાં પૂરનું સંકટ ટળ્યું છે. હાલ ડેમના 15 દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે. આરબીપીએચ અને કેનાલ મારફત 3 લાખ 80 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

પાણીની આવક ઘટતાં ત્રણ જિલ્લામાં પૂરનું સંકટ ટળ્યું

સરદાર સરોવર ડેમમાં રૂલ લેવલ જાળવવા માટે ગુરુવારે રાત્રે તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું હતું. અત્યારે 15 દરવાજા 3.10 મીટર સુધી ખોલાયા છે. છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં 44 સેમીનો વધારો નોંધાયો છે, જોકે હવે ધીમે ધીમે સપાટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે નર્મદા નદીમાં અને કેનાલમાં પાણી જાવક ઘટાડવામાં આવી છે. વડોદરા, ભરૂચ, નર્મદા એમ ત્રણ જિલ્લામાં પૂરનું જે સંકટ ઊભુ થયું હતું એ ટળ્યું છે. તંત્ર અને રહેવાસીએ શાંતિનો શ્વાસ લીધો છે. હાલ ડેમના સત્તાધીશો અને તંત્ર ડેમની આવક-જાવક પર ઘ્યાન રાખી રહ્યાં છે.

નર્મદા ડેમની વર્તમાન સપાટી 136 મીટરને પાર

નર્મદા ડેમની વર્તમાન સપાટી 136.14 મીટર નોંધાઈ છે. ઉપરવાસમાંથી 5 લાખ 30 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. આ સિઝનમાં પ્રથમવાર 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. આરબીપીએચ અને કેનાલ મારફત 4 લાખ 46 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાનાં 27 ગામને એલર્ટ કરાયાં

આરબીપીએચ અને કેનાલ મારફત 4.46 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઓમકારેશ્વર ડેમમાંથી પણ મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર ડેમમાં રૂલ લેવલ જાળવવા માટે રાતથી તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી પાણીની આવક હાલ 4,99,918 લાખ ક્યૂસેક છે. એની સામે 4,46,592 લાખ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. એને પગલે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાનાં 27 ગામને એલર્ટ કરવામાં આવ્યાં છે. હાલ નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે.

ભરૂચ અને એની આસપાસના વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ

ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે નર્મદા ડેમમાંથી પાણી છોડવાને કારણે ભરૂચ અને એની આસપાસના વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આને કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નદીનો જળસ્તર 24 ફૂટની ભયજનક સપાટી વટાવી ગયો છે. નદીકિનારે આવેલાં ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે અને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે.

નદીની જળસપાટી વધતાં ઘાટો પાણીમાં ગરકાવ

આ પૂરની અસર ગોરા ઘાટ અને ચાણોદના મલ્હાર ઘાટ પર જોવા મળી રહી છે, જ્યાં નદીની જળસપાટી વધતાં ઘાટો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ચાણોદ ઘાટનાં 95 પગથિયાં પણ પાણીમાં ડૂબી ગયાં છે. ગોરા ઘાટ પરના નર્મદા આરતી, લેસર શો અને વોટર શો માટેના કરોડો રૂપિયાનાં સાધનો સમયસર હટાવી લેવામાં આવ્યાં છે, જેથી નુકસાન અટકાવી શકાય. હાલમાં આ કાર્યક્રમો બંધ છે, પરંતુ ચોમાસું પૂરું થયા બાદ એ ફરીથી શરૂ કરવામાં આવશે. પ્રવાસીઓ માટે હાલ ઊંચાઈ પરના પાર્કિંગ સ્ટેન્ડ ખાતે આરતીની વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ડેમ કેટલીવાર ઓવરફ્લો થયો

નર્મદા ડેમ 2017માં 30 રેડિયલ ગેટ લગાવતાં પૂર્ણ થયો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયું હતું. 2019માં પ્રથમવાર ડેમ છલોછલ ભરાયો અને ત્યારે નર્મદાના 23 ગેટ ખોલી લાખો ક્યૂસેક પાણી નર્મદામાં છોડવામાં આવ્યું હતું. ત્યાર પછી 2020, 2021, 2023, 2024 અને 2025 એમ છઠ્ઠી વાર ગેટ ખૂલ્યા છે. 2021માં વરસાદ નબળો થતાં ડેમ સંપૂર્ણ ભરાયો નહોતો. આ વર્ષે એક મહિનો વહેલા ડેમ છલોછલ થઇ ગયો છે.