Loading...

ચૈતર વસાવા 63 દિવસ બાદ જેલમુક્ત:વિધાનસભા સત્રમાં હાજરી માટે 3 દિવસના શરતી જામીન મંજૂર

દેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે કોર્ટે ત્રણ દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. વસાવા 8થી 10 સપ્ટેમ્બર સુધી વિધાનસભામાં હાજરી આપી શકશે.

63 દિવસના જેલવાસ બાદ વસાવાને શરતી જામીન મળ્યા છે. તેમણે નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી. આ અરજી 1 સપ્ટેમ્બરે રાજપીપળા કોર્ટમાં મૂકવામાં આવી હતી.

ધારાસભ્યના વકીલો આર.વી. વોરા અને કિશોર જે. તડવીના જણાવ્યા મુજબ, વસાવા પોતાના ખર્ચે જેલની બહાર રહી શકશે. 10 સપ્ટેમ્બરના રોજ તેમણે વડોદરા સેન્ટ્રલ જેલમાં પરત ફરવાનું રહેશે.

કોર્ટે વસાવા માટે કેટલીક શરતો મૂકી છે. તેઓ મીડિયાને સંબોધન કરી શકશે નહીં. સમર્થકોને એકત્રિત કરી શકશે નહીં. નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી શકશે નહીં. આ શરતોને આધીન તેમને પોલીસ જાપ્તા વગર જામીન આપવામાં આવ્યા છે.

આજે વડોદરા સેન્ટ્રલ જેલની બહાર તેમના પરિવારજનો અને કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું. વસાવા હવે ગાંધીનગર ખાતે વિધાનસભા સત્રમાં હાજરી આપશે.