6 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા આગામી 1 વાગ્યા સુધી માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગરમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બાકીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. જોકે, ત્રીજા દિવસ બાદ વરસાદનું જોર ઘટવાની શક્યતા છે.
સવારના 6થી 8 વાગ્યા દરમિયાન કચ્છના રાપરમાં દોઢ ઇંચથી વધુ વરસાદ અને બનાસકાંઠાના ભાભરમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાથે જ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગર તાલુકામાં સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ જામશે, જેમાંથી ખાસ કરીને આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. 3 દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.
નડાબેટનું સૂકુભઠ્ઠ રણ ઘૂઘવતા દરિયામાં ફેરવાયું
બનાસકાંઠાના સુઈગામમાં 24 કલાકમાં 16.14 ઈંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર સર્જાયો છે. સમગ્ર પંથકનું તમામ પાણી નડાબેટ રણ વિસ્તારમાં સમાતા અહીં રણમાં દરિયાના મોજા ઊછળતા હોય એમ ભયાવહ માહોલ સર્જાયો છે. નડાબેટ ટૂરિઝમ સાઈડ પણ પાણીમાં ગરકાવ થવાથી ભારે નુકસાની થયાનો અંદાજ છે.
રણમાં ભરાયેલા વરસાદી પાણી દરિયાની મોજાઓની જેમ રસ્તા પર ઉછળતા અદભૂત દૃશ્યો માણવા માટે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતાં. સામાન્ય રીતે સૂકો રહેતો રણપ્રદેશ ભારે વરસાદના કારણે જળબંબાકાર બની ગયો છે. પાણીની લહેરો અને પવનના કારણે આ વિસ્તાર દરિયાકિનારા જેવો લાગી રહ્યો છે.
સરેરાશ કરતા વધુ વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના સુઇગામમાં 16.14 ઈંચ તો સૌથી ઓછો છોટા ઉદેપુરમાં 1 મિમી વરસાદ નોંધાયો છે. 8 સપ્ટેમ્બરના સવારના 6 વાગ્યા સુઘીમાં રાજ્યમાં સિઝનનો રસેરાશ 37.13 એટલે કે, 106.94 ટકા વરસાદ વરસી ગયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ વરસાદની સામે 27% વધુ વરસાદ નોંધાયો છે. ભારે પવન અને દરિયાઈ મોજા ઉછળવાની શક્યતાને કારણે માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.
