PMના માતા પર અપમાનજનક ટિપ્પણીનો સુરતમાં ભાજપ દ્વારા વિરોધ
બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતા પર કોંગ્રેસ દ્વારા અપમાનજનક ટિપ્પણી કરવા બદલ સુરતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં સુરત BJPના મહિલા મોરચા અને શહેર એકમના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. તેઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ અને બેનરો લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને આ ટિપ્પણીની સખત નિંદા કરી હતી.
'રાહુલ ગાંધી માફી માંગે' - ભાજપ કાર્યકરો
અઠવાલાઇન્સ ખાતે યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં મહિલા અને પુરુષ કાર્યકર્તાઓ એકસાથે ધરણા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધનું મુખ્ય કારણ બિહારમાં આપવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી હતી, જેના માટે કાર્યકર્તાઓએ માગણી કરી હતી કે રાહુલ ગાંધી માફી માંગે. આ સમગ્ર પ્રદર્શન દરમિયાન, "રાહુલ ગાંધી માફી માંગે" અને અન્ય નારાઓ લગાવવામાં આવ્યા હતા, ટિપ્પણીથી ભાજપના કાર્યકર્તાઓમાં ભારે રોષ છે. આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં તણાવ વધાર્યો છે અને ભાજપ આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહ્યું છે, જેનો પુરાવો આ વિરોધ પ્રદર્શન છે
'દુશ્મન પણ આવા અપશબ્દોનો પ્રયોગ ક્યારેય નહીં કરતો હોય'
ભાજપના કોર્પોરેટર કૈલાશ સોલંકીએ જણાવ્યું હતું કે, વિકૃત અને વિચલિત માનસિકતા ધરાવતી કોંગ્રેસે, જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્વર્ગસ્થ માતાનું અપમાન કર્યું છે, ગાળો આપી છે, એના વિરોધમાં અમે અહીં પ્રદર્શન કરવા માટે ભેગા થયા છે. માતા તો જગત જનની કહેવાય. માતા એટલે આપણે કહેવાયને કે આપણને જીવનદાન આપનારી કહેવાય. દુશ્મનની માતા હોય ને તો દુશ્મન પણ કદાચ કોઈ બીજી માતાઓ માટે આવા અપશબ્દોનો પ્રયોગ ક્યારેય નહીં કરતો હોય. અને આ કોંગ્રેસ એવી ટાઈપની છે કે રાજનીતિમાં એટલે કે ખબર નહીં અંધ થઈ ગઈ છે અને આવી રીતના નૈતિક મૂલ્યોને ભૂલી ગઈ છે.
'માતાનું અપમાન અમે ક્યારેય સાંખી શકવાના નથી'
તેને વધુમાં ઉમેર્યું કે, ભારતીય સંસ્કૃતિમાં માતાનું મૂલ્ય એને ખબર જ નથી. એટલે મને પણ એવું લાગે છે કે કદાચ કોંગ્રેસ એટલે ભારતની છે જ નહીં. એ વિદેશી કોંગ્રેસ છે. કારણ કે ભારતના તો દુશ્મનો પણ ક્યારેય કોઈની માતાઓનું અપમાન કરતા નથી. અને આવું આ અપમાન માતાનું અપમાન અમે ક્યારેય સાંખી શકવાના નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર વિકાસના કાર્યોમાં જ એટલી બધી મશગૂલ અને બિઝી છે કે એના પાસે આ પ્રકારના સમય જ નથી. અમે તો શાંત પ્રકૃતિના છીએ. શાંતિથી અમે વિરોધ અહીં નોંધાવ્યો છે અને એવી જ રીતના આવેદન પત્ર કલેક્ટરને આપવા જઈશું.
