ભગવાનનો નેત્રોત્સવ ભક્તિસભર માહોલમાં સંપન્ન:હર્ષ સંઘવીએ રૂટનું નિરિક્ષણ કર્યું
ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા આગામી 27 જૂનના રોજ નીકળવાની છે. આજે 25 જૂન બુધવારના રોજ ભગવાન સરસપુર મામાના ઘરેથી નિજ મંદિરે પરત ફર્યા છે. ભગવાન મામાના ઘરે પરત ફરતા તેમને આંખો આવી હોવાથી આજે નેત્રોત્સવ વિધિ અત્યંત ભક્તિમય માહોલમાં ઉજવવામાં આવી. મોસાળથી પરત ફર્યા બાદ ભગવાન જગન્નાથને તેમના ગર્ભગૃહમાં આવેલી રત્નવેદી ઉપર ફરીથી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા હતા. મંદિરની ધજા બદલવામાં આવશે તેમજ દેશના વિવિધ શહેરોમાંથી આવેલા સાધુ સંતો માટે ભવ્ય ભંડારાનું આયોજન કરાયું છે.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા રૂટનું નિરિક્ષણ કર્યું આજરોજ 25 જૂન, બુધવારે ભગવાન સરસપુર મામાના ઘરેથી નિજ મંદિરે પરત ફર્યા છે. ભગવાન મામાના ઘરે પરત ફરતા તેમને આંખો આવી હોવાથી આજે નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથનો નેત્રોત્સવ અત્યંત ભક્તિમય માહોલમાં સંપન્ન થયો, જ્યાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાહવો લીધો. આ પવિત્ર વિધિ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શહેર પોલીસ કમિશનરના ઉચ્ચ અધિકારીઓ સાથે રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. જમાલપુરથી ખમાસા સુધીના રૂટ પર ભયજનક મકાનો અને પોલીસ બંદોબસ્ત અંગે માહિતી મેળવી અને આ દરમિયાન જમાલપુર વૈશ્ય સભા, મુસ્લિમ સમાજના આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો, અને કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા દ્વારા તેમનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું.
રથયાત્રાના રૂટના નિરિક્ષણ માટે રંગબેરંગી ફૂલોથી સજાવેલી ખુલ્લી જીપ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જમાલપુર જગન્નાથ મંદિરથી ખમાસા ચાર રસ્તા સુધી રૂટ ઉપર ચાલતા નિરીક્ષણ કર્યું હતું. ખમાસા ચાર રસ્તાથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ અને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય રંગબેરંગી ફૂલોથી સજાવેલી ખુલ્લી જીપમાં રથયાત્રાના રૂટ ઉપર આગળ વધ્યા હતા. ખુલ્લી જીપમાં પાછળ 50થી વધુ ગાડીઓનાં કાફલા સાથે હર્ષ સંઘવી દ્વારા રથયાત્રા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રથયાત્રા રૂટ ઉપર નિરીક્ષણના કારણે જમાલપુર ખમાસા ચાર રસ્તા પ્રિન્સિપલ કોર્પોરેશન ઓફિસ અને આસ્ટોડિયા દરવાજા પાસે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. ઓફિસ જનારા લોકોને ટ્રાફિકના કારણે મોડું થયું હતું.
આંખો પર પાટા બાંધવાની વિધિ કરવામાં આવી અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં આજે સવારે ભગવાનના નેત્રોત્સવની વિશેષ પૂજા વિધિ સંપન્ન થઈ હતી. ભગવાનને રત્નવેદી પર બિરાજમાન કરાયા બાદ, વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમની આંખો પર પાટા બાંધવાની વિધિ કરવામાં આવી. લોકવાયકા અનુસાર, મામાના ઘરેથી પરત ફરતી વખતે ભગવાનને આંખો આવી ગઈ હતી, જેના નિવારણ રૂપે આ નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે. આ વિધિ પૂર્ણ થયા બાદ, સવારે 9:30 કલાકે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલ, બળવંતસિંહ રાજપૂત, હર્ષ સંઘવી અને અમદાવાદના મેયર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજના કાર્યક્રમમાં સવારે 11 વાગ્યે ભારતભરમાંથી પધારેલા સાધુસંતોનું સન્માન કરવામાં આવ્યું, જેમાં પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
શા માટે નેત્રોત્સવ વિધિની ઉજવણી કરાય છે?
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથનો નેત્રોત્સવ ભક્તિમય માહોલમાં ઉજવાયો, જે મોસાળમાંથી કેરી અને જાંબુ જેવા ફળો વધુ ખાવાથી ભગવાનને 'આંખો આવી જવા'ની લોકવાયકા સાથે સંકળાયેલો છે. આ વિધિ દ્વારા ભગવાનને રાહત મળે તે માટે વૈદિક મંત્રોચ્ચાર સાથે નેત્ર ઉત્સવનું આયોજન થાય છે. રથયાત્રાના 15 દિવસ પહેલા ભગવાન જગન્નાથને 108 કળશથી શાહીસ્નાન કરાવવામાં આવે છે, જેના કારણે તેઓ બીમાર પડે છે અને 15 દિવસ માટે 'ઓસર ઘર' નામના અલગ રૂમમાં આરામ કરે છે. આ સમયગાળા દરમિયાન, મંદિરના મુખ્ય સેવકો અને વૈદ્યો સિવાય કોઈ મહાપ્રભુને જોઈ શકતું નથી, અને મંદિરમાં મહાપ્રભુના પ્રતિનિધિ અલરનાથજીની પ્રતિમા સ્થાપિત કરીને પૂજા કરવામાં આવે છે.
15 દિવસ પછી ભગવાન સ્વસ્થ થઈને ઓરડામાંથી બહાર આવે છે અને ભક્તોને દર્શન આપે છે, જેને 'નવયુવાન નૈત્ર ઉત્સવ' પણ કહેવામાં આવે છે. રથયાત્રાના દિવસે સવારની મંગળા આરતી પછી આ નેત્રોત્સવ પૂર્ણ થાય છે, મંદિર પર ધ્વજ લહેરાવવામાં આવે છે (જેને ભગવાનની આંખ સમાન ગણવામાં આવે છે અને જેના દર્શનથી પુણ્ય મળે છે), સંતોને ભોજન અર્પણ કરવામાં આવે છે, અને તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરવામાં આવે છે. ત્યારબાદ, બીજા દિવસે, ભગવાન શ્રીકૃષ્ણ તેમના મોટા ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે રથ પર બિરાજમાન થઈને રાજમાર્ગ પર નગરચર્યા માટે નીકળે છે, અને માન્યતા અનુસાર આ દિવસે સ્વર્ગના 33 કરોડ દેવી-દેવતાઓ પણ પૃથ્વી પરની રથયાત્રામાં જોડાય છે.
આ વર્ષે પણ રથયાત્રાની ભવ્ય ઉજવણી રંગેચંગે થશે
નેત્રોત્સવ વિધિ દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, 'આપણે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા મનાવી રહ્યા છીએ. ભગવાન જગન્નાથની રથયાત્રા ભારતવર્ષ માટે એક મહત્ત્વનું ઉદાહરણ પૂરું પાડે છે.' તેમણે આશા વ્યક્ત કરી કે આ વર્ષે પણ રથયાત્રાની ભવ્ય ઉજવણી રંગેચંગે થશે. આ નેત્રોત્સવ સાથે જ આગામી રથયાત્રા માટેનો માહોલ અમદાવાદમાં વધુ ભક્તિમય બન્યો છે.
25 હજાર ભકતો પ્રસાદ ગ્રહણ કરશે
ભંડારામાં અંદાજે 20થી 25 હજાર ભાવિક ભક્તો મહાપ્રસાદનો લહાવો લઈ શકે તે પ્રકારે આયોજન કરાયું છે. પ્રસાદમાં વિવિધ પ્રકારની વાનગીઓનો સમાવેશ થાય છે.
- લોટના માલપુવા: 2000 નંગ
- દૂધપાક: 3000 લિટર
- બટાકાનું શાક: 1000 કિલો
- ચણાનું શાક: 700 કિલો
- ભાત: 1000 કિલો
- કઢી: 10,000 લિટર
આ ભવ્ય આયોજન દ્વારા સાધુ-સંતો અને હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તો ભગવાન જગન્નાથજીના આશીર્વાદ અને પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવશે.
વહેલી સવારથી વરસાદ હોવાથી ભકતોની ભીડ ઓછી
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો હોવાના કારણે મંદિરે દર્શન કરવા ખૂબ ઓછી સંખ્યામાં લોકો દેખાઈ રહ્યા છે. રથયાત્રાને લઈને જમાલપુર જગન્નાથ મંદિરે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
ગઇકાલે (24 જૂન) રથયાત્રા રોડ પર પોલીસનું મેગા રિહર્સલ યોજાયું હતું, જેમાં શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. રથયાત્રાને લઈ મુખ્યમંત્રીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગૃહ સચિવ, પોલીસ વડા વિકાસ સહાય, પોલીસ કમિશનર જીએસ મલિક સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સુરક્ષા અને વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ, DGP, અમદાવાદ પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ જોડાયા હતા.
ભગવાન જગન્નાથ મંદિરથી પોલીસનું રિહર્સલ
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસ દ્વારા રથયાત્રાના દિવસે રોડ પર કઈ રીતે આખી વ્યવસ્થા થશે એ માટેનું એક મેગા રિહર્સલ યોજાયું હતું. ભગવાન જગન્નાથના મંદિર જમાલપુરથી સવારે સાત વાગ્યે પોલીસ રથયાત્રાના રૂટ પર નીકળી હતી. સવારે સાત વાગ્યાથી ભગવાન જગન્નાથના નિર્ધારિત રૂટ પર પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો અને અલગ અલગ ફોર્સ રસ્તા પર જાણે રથયાત્રા જ નીકળી હોય એ પ્રમાણે નીકળ્યાં હતાં.
સવારે સાત વાગ્યાથી શરૂ થયેલું રિહર્સલ નિજ મંદિર ખાતે પૂર્ણ થયું હતું. રસ્તામાં આવતાં તમામ ખૂણા, દબાણ અને અલગ અલગ વ્યવસ્થાનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભગવાનના મોસાળ સરસપુર ખાતે પણ હોલ્ડ લઈને પોલીસ દ્વારા તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
50થી વધુ ગાડીઓ રિહર્સલમાં જોડાઈ
પોલીસ કમિશનર જી.એસ.મલિકની અધ્યક્ષતામાં રિહર્સલ કરાયું હતું, જેમાં 50થી વધુ ગાડીઓ રિહર્સલમાં જોડાઈ હતી, સાથે જ 20 હજારથી વધુ પોલીસ જવાનોએ રૂટ પર રિહર્સલ કર્યું હતું. 400થી વધુ સીસીટીવી રથયાત્રાના રૂટ પર ગોઠવવામાં આવ્યા છે. આ સાથે વધુ 150 સીસીટીવીનો પણ ઉપયોગ થશે. બેંગલુરુ જેવી ભાગદોડની ઘટના ન બને એને લઈને પણ ખાસ AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે સરકાર પ્રતિબદ્ધ
મુખ્યમંત્રીએ અમદાવાદ સહિત રાજ્યમાં 213 કરતા વધુ સ્થળોએ યોજાતી રથયાત્રા જન ઉમંગ અને ઉલ્લાસનો ધર્મપર્વ છે તે સંદર્ભમાં કહ્યું કે, રથયાત્રાનો આ તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
સુરક્ષા-સલામતી, વ્યવસ્થાઓ અંગે બેઠકમાં વિસ્તૃત પ્રેઝન્ટેશન
અમદાવાદ મહાનગરમાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં યોજાતી આ રથયાત્રાના 16 કિ.મી. લાંબા રૂટ પરની કાયદો વ્યવસ્થા તેમજ યાત્રા દરમિયાનની સુરક્ષા-સલામતી, વ્યવસ્થાઓ અંગે અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી છે તેની તલસ્પર્શી વિગતો મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી સમક્ષ આ બેઠકમાં વિસ્તૃત પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી.
AIથી અનિચ્છનિય ઘટના બનતી નિવારી શકાશે
આ વર્ષે રથયાત્રામાં પહેલી વાર આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ AIનો શહેર પોલીસ તંત્ર દ્વારા ક્રાઉડ એલર્ટ અને ફાયર એલર્ટ માટે ઉપયોગ કરવામાં આવશે તેમ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું. AIના આ ઉપયોગના પરિણામે રથયાત્રા રૂટ પર કોઈ સ્થળે વધુ પડતા લોકો એકઠા થઈ ગયા હોય તો તેનું સરળતાએ વ્યવસ્થાપન થઈ શકશે તો ભીડને કાબુમાં રાખી શકાશે અને અનિચ્છનિય ઘટના બનતી નિવારી શકાશે. એટલું જ નહિ, ક્યાંય કોઈ આગની ઘટના બનશે તો ત્યાં પણ ફાયર બ્રિગેડ અને પોલીસ તત્કાલ બચાવ-રાહત માટે પહોંચી શકે તે માટે ફાયર એલર્ટ ઉપયોગી બનશે.
રથયાત્રામાં 23,884થી વધુ સુરક્ષાકર્મીઓ ખડેપગે
રથયાત્રાનું આ પર્વ શાંતિ ભર્યા માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર પોલીસ તંત્રની સજ્જતા દર્શાવતાં આ પ્રેઝન્ટેશનમાં પોલીસ કમિશનરે જણાવ્યું કે, રથયાત્રાને સફળ બનાવવા માટે આઈ.જી. કક્ષાથી લઈને પોલીસકર્મીઓ સુધી કુલ મળીને SRP, ચેતક કમાન્ડો અને રેપીડ એક્શન ફોર્સની બટાલીયન્સ સહિત 23,884થી વધુ સુરક્ષાકર્મીઓ ખડેપગે રહેવાના છે.
મુખ્યમંત્રી સમક્ષના આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું કે, રથયાત્રામાં જોડાનારા રથો, ટ્રક, અખાડા અને ભજન મંડળીઓ, મહંતોની સુરક્ષા માટે રથયાત્રા સાથે મુવિંગ બંદોબસ્તમાં 4500 જેટલા પોલીસકર્મીઓ જોડાવાના છે.
પોલીસ કમિશનરના નેતૃત્વમાં 1,000 જેટલા જવાનો તૈનાત
સમગ્ર યાત્રામાં ટ્રાફિક અડચણ નિવારવા અને સુચારૂ ટ્રાફિક સંચાલન માટે ટ્રાફિક બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરના નેતૃત્વમાં 1,000 જેટલા જવાનો તૈનાત રહેશે. એટલું જ નહિં, 23 જેટલી ક્રેઇનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
પોલીસ કમિશનરે રથયાત્રામાં પૂરતા મોનિટરિંગ પ્રબંધન માટે 227 કેમેરા, 41 ડ્રોન, 2872 બોડીવોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે આ ઉપરાંત 240 ધાબા પોઈન્ટ અને 25 વોચ ટાવર પણ ઉભા કરવામાં આવ્યા છે. 16 કિલોમીટરના સમગ્ર રથયાત્રા રૂટ પર આ બધી વ્યવસ્થાઓના કારણે પોલીસ કંટ્રોલરૂમ દ્વારા બાજ નજર રાખી શકાશે.
રથયાત્રાના રૂટ પર આવેલી 484 જેટલી જુની અને જર્જરીત ઈમારતો-મકાનોનો સહારો લોકો રથયાત્રા જોવા માટે ન લે તે હેતુસર શહેર પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા ચેતવણી સુચક બોર્ડ તેમજ પતરાની આડશો મુકીને લોકોને ત્યાં જતા અટકાવવા માટેના જે પગલા લેવામાં આવ્યા છે તેની પણ વિગતો આ બેઠકમાં આપવામાં આવી હતી.
રથયાત્રા રૂટ પર 17 જન સહાયતા કેન્દ્રો અને 44 પબ્લિક એડ્રેસ સિસ્ટમ
આ રથયાત્રા દરમિયાન શહેરીજનોને મદદરૂપ થવાના આશયથી યાત્રા રૂટ પર 17 જેટલા જન સહાયતા કેન્દ્રો અને 44 પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ ઊભી કરવામાં આવશે તેમ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું.
આ પરંપરાગત રથયાત્રા કોમી એકતા અને સંવાદિતા તથા સૌહાર્દનો ઉત્સવ બને તે માટે રથયાત્રા પૂર્વે શહેર પોલીસ તંત્ર દ્વારા શાંતિ સમિતિની 177, મહોલ્લા સમિતિની 235 તેમજ મહિલા સમિતિની 57 બેઠકો, વિવિધ ધર્મગુરુઓ સાથે 21 બેઠકો અને ભગવાનના રથ ખેંચનારા ખલાસી ભાઈઓ, અખાડા સંચાલકો સાથે 10 જેટલી બેઠકો યોજવામાં આવી હતી.
આ ઉપરાંત એકતા કપ ક્રિકેટ મેચ, વોલીબોલ ટુર્નામેન્ટ, મહેંદી સ્પર્ધા, બ્લડ ડોનેશન કેમ્પ જેવા સામાજિક એકતાની ચેતના જગાવતા આયોજનો પણ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા હોવાનું મુખ્યમંત્રી સમક્ષ આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ઉપરાંત રાજ્યભરમાં જે જે સ્થળોએ રથયાત્રા યોજવામાં આવે છે, ત્યાં બધે જ શાંતિ, સલામતી સુલેહના વાતાવરણમાં યોજાય તે માટે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પાસેથી પણ જરૂરી વિગતો મેળવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાનું આ ઉમંગ પર્વ જન ભાગીદારી, પોલીસ તંત્રની સતર્કતા અને સુરક્ષા પ્રતિબદ્ધતા સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.