સાંતલપુર-રાધનપુર તાલુકામાં 50 હજાર હેક્ટરમાં નુકસાનીનો અંદાજ
ગુજરાતમાં અષાઢ અને શ્રાવણમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ ભાદરવામાં પણ ભરપૂર વરસી રહ્યો છે. રાજ્યમાં સૌરાષ્ટ્રને બાદ કરતા તમામ ઝોનમાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લા બે ત્રણ દિવસ દરમિયાન વરસાદે બનાસકાંઠા, પાટણ, કચ્છ સહિતના જિલ્લાને ધમરોળતા ચારેકોર પાણી પાણી કરી દીધું છે. બનાસકાંઠાના સૂઈગામમાં બે દિવસમાં 17 ઈંચથી વધુ ખાબકેલા વરસાદના કારણે જનજીવનને માઠી અસર પહોંચી છે. તો કચ્છમાં પણ ભારે વરસાદના કારણે લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો.
કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ બાદ આજે વરસાદી પાણી ઓસર્યા બાદ નુકસાનીના દૃશ્યો સામે આવ્યા છે. આ બંને જિલ્લામાં ખેતીપાકને ભારે નુકસાન થયું છે. સાંતલપુર-રાધનપુર તાલુકામાં 50 હજાર હેક્ટરમાં નુકસાનીનો અંદાજ છે. તો સુઈગામમાં સ્થાનિકો ઊંચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર થયા છે. સાથે જ મચ્છુ-2 ડેમ 100% ભરાઈ ગયો છે.
