Loading...

અમરેલીના રાજુલામાં સફાઈ કામદારોનું આંદોલન ઉગ્ર બન્યું

અમરેલી જિલ્લાના રાજુલામાં નગરપાલિકાના સફાઈ કામદારોની હડતાળે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સફાઈ કામદારો છેલ્લા 7 દિવસથી કાયમી નોકરી સહિતની વિવિધ માંગણીઓને લઈને હડતાળ પર છે. ગઇકાલે સાંજના સમયે લગભગ 150 જેટલા સફાઈ કામદારો અને તેમના પરિવારજનોએ રાજુલા-સાવરકુંડલા માર્ગ પર ચક્કાજામ કર્યો હતો. આ દરમિયાન વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો અને વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો.

પોલીસે ઘટના સ્થળે પહોંચી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. ત્યારબાદ મોડી રાત્રે જસદણના જીતેશભાઈ ઉર્ફે જીતુભાઈ ચંદુભાઈ બારૈયા સહિત 34 વ્યક્તિઓના નામ સહિત અન્ય 150 જેટલા લોકો સામે ગેરકાયદેસર મંડળી રચવા અને જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.

નગરપાલિકાએ હડતાળને પગલે બહારની એજન્સીને સફાઈની કામગીરી સોંપી છે. આંદોલનકારીઓએ સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વગર નગરપાલિકા બહાર ધરણા કર્યા હતા. ત્યારબાદ અચાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કરી સૂત્રોચ્ચાર સાથે રસ્તા પર આવી ગયા હતા. રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. ચાવડા સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે.

આ અંગે ગુજરાત વાલ્મિકી પ્રદેશ પ્રમુખ જીતુભાઇ બારૈયાએ જણાવ્યું કે, રાજુલા નગરપાલિકામાં 8 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. આંદોલનકારીની માત્ર માંગ સફાઇ કામગીરી કરી રહ્યા છે તેને પુરા દિવસનું લઘુતમ વેતન દેવામાં આવે અને પુરા દિવસનુ કામ કરવામાં આવે આ માંગણી છે. નગરપાલિકાનું પ્રાશાસન હલતું નથી, જરૂર પડશે તો સમગ્ર ગુજરાતના લોકો અહીંયા આવશે અને વધુ આંદોલન ઉગ્ર બનશે.