દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના બે દિગ્ગજો આમને-સામને:ઘનશ્યામ પટેલ સામે અરૂણસિંહ રણાની ટક્કર
ભરૂચ-નર્મદા જિલ્લાના દૂધ ઉત્પાદકોની અગત્યની સંસ્થા દૂધધારા ડેરીની ચૂંટણીઓમાં આ વખતે સહકાર ક્ષેત્ર અને ભાજપના બે મહારથીઓ આમને-સામને આવ્યા છે. છેલ્લા 17 વર્ષથી ડેરીના ચેરમેન તરીકે સત્તા સંભાળતા ઘનશ્યામ પટેલ સામે વાગરાના ધારાસભ્ય અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન અરૂણસિંહ રણા સીધી ટક્કર આપી રહ્યા છે.બીજી તરફ, બીટીપીના અધ્યક્ષ મહેશ છોટુભાઈ વસાવાએ પણ પોતાના સભ્યો સાથે દાવેદારી નોંધાવી છે,જેના કારણે ચૂંટણીમાં રાજકારણ વધુ ગરમાયું છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારોને પક્ષનું મેન્ડેટ આપ્યું છે, જ્યારે અરૂણસિંહ રણા પેનલમાંથી માત્ર ત્રણ ઉમેદવારોને જ મેન્ડેટ મળ્યું હતું. તેમ છતાં અરૂણસિંહે નૈતિકતાના આધારે ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે.
ભાજપના પ્રદેશ કક્ષાના નેતાઓ હવે બંને દિગ્ગજોને આમને-સામે ટકરાવવા કરતાં અકવવાની કોશિશો કરી રહ્યા છે.ઘનશ્યામ પટેલે તો પાર્ટી મેન્ડેટને ધ્યાનમાં રાખીને ઉમલ્લાના ઉમેદવાર દિપક પાદરીયાની ઉમેદવારી પરત ખેંચાવી, અને પ્રકાશ દેસાઈને જીતાડવા માટે ફોર્મ્યુલા અપનાવ્યો છે. હવે સૌની નજર આ બાબતે છે કે અરૂણસિંહ રણા પણ પોતાના ઉમેદવારોની ઉમેદવારી પરત ખેંચાવશે કે નહીં…
ઘનશ્યામ પટેલે દાવો કર્યો કે,“અમારી પેનલના 15 માંથી 15 ઉમેદવારો જીતશે. એટલે ભાજપ પાર્ટીએ જે મેન્ડેટ આપ્યું છે તે તમામ જીતશે જ.”પાર્ટીએ આપેલા મેન્ડેટ આદેશનું પાલન કરીશું.જ્યારે અન્ય 14 બેઠકો માટે પણ આજ ફોર્મ્યુલા અપનાવાય તેવી શક્યતા રહેલી છે.
બીજી તરફ, ભૂતપૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ આક્ષેપ કર્યો કે અરૂણસિંહ રણા પોતે ગંગોત્રી ડેરી ચલાવે છે, જે દૂધધારા ડેરીની સ્પર્ધક સંસ્થા છે. તેમ છતાં તેઓ ચૂંટણીમાં પેનલ ઉતારે છે, જે અયોગ્ય છે. આજે 9 સપ્ટેમ્બર, ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ પર છે—કયા ઉમેદવારો મેદાનમાં ટકશે અને કોણ પાછળ હટી જશે તે નક્કી થવાથી જ ચિત્ર સ્પષ્ટ થશે.
