રાજકોટની 12 વર્ષીય બાળકીનો PMને પત્ર:દેશની તમામ સ્કૂલોને હોમવર્ક મુક્ત કરો
સ્કૂલોમાં ખરા અર્થમાં ભાર વિનાનું ભણતર પૂરું પાડવા રાજકોટની 12 વર્ષની દીકરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. મોદીને પિતાતુલ્ય તરીકે સંબોધી આ દીકરીએ સૂચન કર્યું છે કે, જ્યારે આપણે વર્ષ 2047માં વિકસિત ભારતનું સ્વપ્ન જોતા હોઈએ ત્યારે દેશભરની સ્કૂલોને હોમવર્કમુક્ત બનાવવામાં આવે અને ભારે ભરખમ દફતરનું વજન હળવું કરવા માટે દરેક શાળાઓમાં લોકરની સુવિધા રાખવામાં આવે. શાળામાં દફતરના વજન સાથેનું ભણતર અને ઘરે આવ્યા બાદ હોમવર્ક અને ટ્યુશનના કારણે બાળપણ છીનવાઈ રહ્યું છે. જેથી, વડાપ્રધાન મોદી એક પિતા તરીકે આ દીકરીની વેદના સમજી તેમાં યોગ્ય નિર્ણય કરે એવી વિનંતી કરી હતી અને અન્ય બાળકોને પણ પોતાના આ અભિયાનમાં જોડાવવા માટે અપીલ પણ કરી હતી.
દરેક સ્કૂલોમાં હોમવર્ક અને પ્રેશર આપવામાં આવે છે
રાજકોટના વાંકાનેરમાં અંગ્રેજી માધ્યમમાં ધોરણ-6માં અભ્યાસ કરતી ધ્રિષ્યા બુદ્ધદેવે જણાવ્યું હતું કે, મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે કારણ કે, તે મારા પિતાતુલ્ય છે. મને એવું લાગે છે કે આ લેટર તેમની પાસે પહોંચશે અને તેથી તેનું સોલ્યુશન આવશે. હાલ દરેક સ્કૂલોમાં ઘણું બધું હોમવર્ક અને પ્રેશર આપવામાં આવે છે. ઘણી બધી બુક્સ હોય છે, જેને કારણે સ્કૂલ બેગનું વજન ખૂબ જ ભારે હોય છે. જેથી મારો એવો વિચાર છે કે, દરેક સ્કૂલમાં એક લોકર હોવું જોઈએ. જેથી અમે અમારું બેગ તેમાં રાખી શકીએ અને હળવાશથી ભણી શકીએ.
આ જ રીતે તમામ બાળકો PMને લેટર લખે અને મારા અભિયાનમાં જોડાય વધુમાં આ વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, સ્કૂલોમાં દરેક વિદ્યાર્થીઓને પ્રેશર આપવામાં આવે છે અને વાલીઓએ તે પ્રેશર સ્વીકારી લીધું છે. જેના લીધે અમારું બાળપણ છીનવાઈ રહ્યું છે. જેથી હું વાલીઓને પણ વિનંતી કરું છું કે, તેમના બાળકોને થોડું ઓછું પ્રેશર આપવું જોઈએ અને વાલીઓ સ્કૂલમાં પણ કહે કે તેમના બાળકોને આટલું બધું પ્રેશર અને હોમવર્ક આપવામાં ન આવે. હું મારા જેવડા બાળકો અને વિદ્યાર્થીઓ છે, તેમને કહું છું કે આ જ રીતે તમામ બાળકો PMને લેટર લખે અને મારા અભિયાનમાં જોડાય.
12 વર્ષની બાળકીના પિતાનું નામ હર્ષદભાઈ બુદ્ધદેવ છે. જેઓ બિઝનેસમેન છે અને તેમના માતાનું નામ બિંદુબેન છે. જેઓ હાઉસ વાઇફ છે. ધોરણ-5માં આ દીકરીને 96 ટકા આવ્યા હતા. તે અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં CBSE અભ્યાસ કરે છે અને તેને પેઇન્ટિંગનો ખૂબ જ શોખ છે. જોકે, દીકરીનું સ્વપ્ન છે કે તે ભવિષ્યમાં IPS/IAS ઓફિસર બનવા માંગે છે.
12 વર્ષની દીકરીએ PM ને લખેલો શબ્દશ: પત્ર
વંદે માતરમ વિષય: ભણતરની પદ્ધતિમાં પરિવર્તનનું સૂચન મારા પિતાતુલ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી
નમસ્કાર… ઘરના વડીલો પાસેથી તેમના બાળપણની વાતો સાંભળીને મને આશ્ચર્ય થાય છે અને એવો વિચાર આવે છે કે શું બાળપણ આટલું સરસ પણ હોય શકે છે? અમારા જીવનમાંથી તો બાળપણનો શબ્દ જ જાણે ગાયબ થઈ ગયો છે!!
મારું નામ ધ્રિષ્યા હર્ષદભાઈ બુદ્ધદેવ છે અને હું ગુજરાતના મોરબી જીલ્લાના વાંકાનેર શહેરમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરું છું. મને ભણવું ખૂબ જ ગમે છે અને ગમવું પણ જોઈએ. હું મારી શાળાને ખૂબ પ્રેમ કરું છું, પણ મારી જે વાત છે એ એવી છે કે આજના ભણતરથી બાળપણ જાણે ખત્મ થઈ ગયું છે.ભણતરના ભાર નીચે બાળપણ દબાઈ ગયું છે. મજબૂત રાષ્ટ્રના વિકાસ માટે આવનારી પેઢી ખૂબ મહત્ત્વની છે અને એ પેઢીનાં વ્યક્તિત્વનો વિકાસ જ ભણતરના દબાણમાં અટકી ગયો છે. હું માત્ર મારી શાળા વિશે જ નહી પણ આજે સમગ્ર દેશમાં જે સમસ્યા છે તેના પર વાત કરી રહી છું. શાળામાં 5થી6 કલાક સુધી અભ્યાસ કરતું બાળક ઘરે આવ્યા પછી ટ્યુશન અને હોમવર્કને લીધે પોતાનું બાળપણ જ ભૂલી ગયું છે. જયારે તમે વિકસિત ભારતનું સપનું જોઈ રહ્યા હોય ત્યારે હું તમારી દીકરી તરીકે તમને એટલુ સૂચન આપવા માંગુ છું કે સમગ્ર દેશની તમામ શાળાઓ ‘હોમવર્ક મુક્ત’ થવી જોઈએ. અને હા, એક વાત તો રહી જ ગઈ, અમારા વજન કરતાં તો વધુ વજન અમારી શાળાના ‘દફતર’નું વજન છે! જયારે તમે ભાર વગરના ભણતરની કલ્પના કરતાં હોય તો ત્યારે શાળાના દફતરનું ભાર હળવું કરવાની સાથે દરેક શાળામાં ‘લોકર’ની વ્યવસ્થા કરવામાં આવે જેથી અમે અમારું દફતર અને પાઠ્યપુસ્તકો તેમાં જ મૂકીને કોઈ ભારે વજન વગર આરામથી ઘરે જઈ શકીએ.
આમારા જેવી નાની બાળકીઓની આ અપેક્ષા નિરર્થક તો નહીં જાય ને? તમે અમારા વિષે કંઇક વિચારશો ને? તમે અમારી મદદ કરશો ને? તમારી આ દીકરીને તમારા પત્ર અને તમારા જવાબની આતુરતા રહેશે. નમસ્તે..