સુરતમાં 17 દિવસથી ગુમ બાળકોનું રહસ્ય ક્યારે ઉકેલાશે?:માતા આપઘાત પહેલાં CCTVમાં 3 સંતાન સાથે જોવા મળી
સુરતના સચિન GIDC વિસ્તારમાં ગભેણી ચોકડી પાસે આવેલી એક ખાડી પરથી ગત 23 ઓગસ્ટે એક અજાણી મહિલાનો લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. તેની ઓળખ થયા બાદ તેની સાથે રહેલાં ત્રણ બાળક ગુમ હોવાની જાણ થતાં પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી.
છેલ્લા 17 દિવસથી ત્રણેય બાળકની કોઈપણ ભાળ મળી નથી. જ્યારે પોલીસ દ્વારા સીસીટીવીની તપાસ કરવામાં આવતાં 22 ઓગસ્ટના રોજ આ મહિલા પોતાનાં ત્રણ બાળક સાથે કેમેરામાં કેદ થઈ છે. જ્યારે 23 ઓગસ્ટે જ આ મહિલા લટકતી હાલતમાં મળી હતી, જેથી ખાડી વિસ્તારના આસપાસના ડ્રોન ઉડાવી પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ તો આ મહિલાએ ત્રણેય બાળકોને ખાડીમાં ફેંકી દીધા બાદ આપઘાત કરી લીધો હોવાની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
માતા સહિત ત્રણ બાળક સીસીટીવીમાં દેખાયાં
સીસીટીવી પ્રમાણે, આપઘાત કરનારી મહિલા જેનુનિશા 22 ઓગસ્ટના રોજ સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ગભેણી ચોકડી પાસેથી પસાર થતી હોય એવું સીસીટીવીમાં કેદ થયું છે. તેની સાથે તેનાં ત્રણ બાળક- પુત્રી આઇસા (ઉં.વ. 5), પુત્ર તોહીરાલમ ઉં.વ. 3) અને દોઢ માસનો પુત્ર સરફરાઝ પણ હતો. નાના પુત્ર સરફરાઝને માતાએ તેડેલો છે અને દીકરી અને દીકરો બંને સાથે ચાલતાં આવી રહ્યાં છે. ત્યાર બાદ 23 ઓગસ્ટના રોજ ગભેણી ચોકડી ખાતે આવેલી ખાડીના પાઇપ સાથે તેણે લટકીને આપઘાત કરી લીધો હતો.
મૃતક મહિલાના પ્રેમલગ્ન હતા, મહિના પહેલાં પતિ સાથે ઝઘડો થયો હતો
મૃતક મહિલાની ઓળખ જેનુનિશા તરીકે થઈ હતી, જે પશ્ચિમ બંગાળની રહેવાસી છે. તેના પતિનું નામ મહેબૂબ આલમ છે, જે બિહારના કિશનગંજ જિલ્લાનો વતની છે અને હાલ પલસાણામાં બાંધકામ સાઇટ પર સેન્ટ્રિગનું કામ કરે છે. સચિન પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, જેનુનિશા અને મહેબૂબે પ્રેમલગ્ન કર્યાં હતાં. મહત્ત્વની વાત એ છે કે મહેબૂબ મૃતક જેનુનિશાના મામાનો દીકરો થાય છે. આશરે એક મહિના પહેલાં આ દંપતી વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ જેનુનિશા તેનાં ત્રણ બાળક સાથે ઘર છોડીને નીકળી ગઈ હતી.
