ભાવનગરના 43 લોકો નેપાળમાં ફસાયા:પોખરામાં હિંસા વચ્ચે હોટેલમાં પુરાયા
નેપાળમાં ચાલી રહેલી રાજકીય કટોકટી વચ્ચે ભાવનગરના નારી ગામના 43 શ્રદ્ધાળુઓ ફસાયા છે. આ શ્રદ્ધાળુઓ ભાવનગરથી 29 ઓગસ્ટના રોજ નેપાળ પ્રવાસ માટે રવાના થયા હતાં. હાલમાં નેપાળમાં ફાટી નીકળેલી હિંસાના કારણે તમામ લોકોનું બહાર નીકળવું પણ મુશ્કેલ બનતા તમામ પોખરાની એક હોટલમાં પુરાયા છે. અહીંથી તેઓએ એક વીડિયો બનાવી સરકાર પાસે મદદ માગી છે. તો સ્થાનિક કોર્પોરેટર ઉપેન્દ્રસિંહને આ માહિતી મળતાં તેમણે તમામ ફસાયેલા લોકોના સમાચાર મેળવી તાત્કાલિક ધારાસભ્ય જીતુ વાઘાણીને આ અંગે જાણ કરી હતી. જીતુ વાઘાણીએ ફસાયેલા લોકો સાથે ફોન પર વાત કરી અને સૌને સુરક્ષિત સ્થળે રહેવાની સૂચના આપી છે.
29 ઓગસ્ટે બસ મારફતે નેપાળ રવાના થયા હતાં
નેપાળમાં ફાટી નીકળેલી હિંસાને કારણે અંદાજે 90 જેટલા ગુજરાતી પ્રવાસીઓ નેપાળમાં ફસાઇ ગયા છે. જેમાં 43 પ્રવાસીઓ તો ભાવનગરના નારી ગામના જ હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગરના નારી ગામના 43 પ્રવાસી નેપાળ દેવ દર્શનાર્થે 29 ઓગસ્ટના રોજ ટૂર એન્ડ ટ્રાવેલ્સથી રવાના થયા હતાં. આ 43 લોકોમાં બસ ડ્રાઈવરથી લઈને રસોયા સહિતનો સમાવેશ થાય છે. આ લોકો બિહારથી જનકપુર, ત્યાંથી કાઠમંડુ પહોંચ્યા હતા અને ત્યારબાદ પોખરા પહોંચ્યા હતા.
ધારાસભ્યએ વીડિયો કોલથી પરિસ્થિતિનો તાગ મેળવ્યો
નેપાળમાં એકાએક હિંસા ફાટી નીકળતા નારી ગામના આ 43 પ્રવાસીઓ અટવાઇ ગયા છે. જો કે તેમની સાથે ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી અને નગરસેવક ઉપેન્દ્રસિંહ ચુડાસમાએ રાત્રે ટેલિફોનિક સંપર્ક કરતા આ તમામ પ્રવાસઓ હાલ નેપાળના પોખરા ગેસ્ટહાઉસમાં સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. ધારાસભ્યએ તેમને સુરક્ષિત બહાર કાઢવા અને ભારત પરત લાવવા ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી અને ભારત સરકારમાં જાણ કરી હતી. દરમિયાનમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર પણ આ પ્રવાસીઓના સતત સંપર્કમાં છે. આ ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક કેન્દ્ર સરકાર સાથે સંપર્ક સાધ્યો હતો. CM ભૂપેન્દ્ર પટેલે ફસાયેલા ગુજરાતી મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે.
તમામ લોકોને બહાર ન નીકળવા તાકીદ
ભારતથી નેપાળ ગયેલા પ્રવાસીઓ જે ત્યાં ફસાયા છે તેઓને હાલ ચિંતા ન કરવા અને જ્યાં હોટલ કે ગેસ્ટ હાઉસ જ્યાં છે, ત્યાં રહેવા તેમજ બહાર ન નીકળવા અનુરોધ કરવામાં આવ્યો છે. કેટલાક યાત્રિકો જે વૃદ્ધ છે તેમને પાણી, ખાવા-પીવા તેમજ દવાની જરૂરિયાતને લીધે પરેશાની ભોગવવી પડી રહી છે. આ પ્રવાસીઓને શક્ય તેટલી વહેલી તકે પરત લાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ભાવનગરવાસીઓમાં ઉત્તર ભારતના પ્રવાસનો ખાસો ક્રેઝ છે. ખાસ કરીને ઉત્તર કાશી, ચાર ધામ, નેપાળ સહિતના યાત્રાધામોએ જવા ટૂર ટ્રાવેલ્સમાં મહિનાથી લઈને ત્રણ મહિના અગાઉ બુકિંગ થઈ જાય છે.