દૂતાવાસે ઈરાનથી ભારતીયોને બહાર લાવવાનું બંધ કર્યુ, યુદ્ધવિરામ બાદ નિર્ણય
ઈરાનમાં ભારતીય દૂતાવાસે મંગળવારે જણાવ્યું હતું કે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે લશ્કરી સંઘર્ષ દરમિયાન શરૂ કરાયેલું સ્થળાંતર રદ કરવામાં આવી રહ્યું છે કારણ કે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ સ્થાપિત થયો છે. દૂતાવાસે સ્થળાંતર માટે નવા નામોની નોંધણી માટે ખોલવામાં આવેલ ડેસ્ક બંધ કરી દીધો છે.
જોકે, X પરની એક પોસ્ટમાં, દૂતાવાસે લખ્યું કે ભારત પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને જો ભારતીયો માટે કોઈ ખતરો હશે તો તે તેની વ્યૂહરચનામાં ફેરફાર કરશે.
બંને દેશો વચ્ચે વધતી જતી દુશ્મનાવટ વચ્ચે, ભારતે ગયા અઠવાડિયે ઈરાન અને ઇઝરાયલથી ભારતીયોને પાછા લાવવા માટે ઓપરેશન સિંધુ શરૂ કર્યું હતું.
૨૫ જૂનના રોજ રાત્રે 12.01 વાગ્યે, 282 ભારતીયોને લઈને એક વિમાન મશહદથી દિલ્હી પહોંચ્યું. આ સાથે, ઓપરેશન સિંધુ હેઠળ સ્થળાંતર કરાયેલા લોકોની કુલ સંખ્યા 2858 પર પહોંચી ગઈ.
ઓપરેશન સિંધુ હેઠળ, ભારતે મંગળવારે 1100થી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. આ સાથે, ઓપરેશન સિંધુ હેઠળ સુરક્ષિત સ્થળે મોકલવામાં આવેલા લોકોની સંખ્યા 3170 પર પહોંચી ગઈ છે.
દૂતાવાસે કહ્યું - જ્યાં છો ત્યાં જ રહો, પરિસ્થિતિ પર નજર રાખો...
પોસ્ટમાં, દૂતાવાસે મશહદ છોડીને જવાની યોજના બનાવી રહેલા ભારતીયોને સલાહ આપી હતી કે જ્યાં છો ત્યાં જ રહો અને સમાચાર પર નજર રાખો. દૂતાવાસે પહેલાથી જ હોટલોમાં રહેતા લોકોને સદર હોટેલમાં જવા માટે પણ કહ્યું હતું કારણ કે મિશન અન્ય હોટલોમાં રૂમ ખાલી કરશે.
"દૂતાવાસ સદર હોટેલના રૂમ વધુ 2 રાત માટે (26 જૂનના રોજ ચેકઆઉટ સમય સુધી) રાખશે. આનાથી નાગરિકોને ખાતરી કરવા માટે પણ સમય મળશે કે ઈરાનમાં પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે," પોસ્ટમાં જણાવાયું છે.
નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ ભારતીયને સલાહ કે સહાયની જરૂર હોય, તો તેઓ ટેલિગ્રામ ચેનલ અથવા હેલ્પલાઇન દ્વારા સંપર્ક કરી શકે છે. આ ચેનલો આગામી થોડા દિવસો સુધી ખુલ્લી રહેશે.