Loading...

અમદાવાદમાં ગુંડાઓએ ધારિયાં-છરીના આડેધડ ઘા મારી યુવકની હત્યા કરી

દુનિયાના સૌથી લાંબા તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો ગણાઈ રહ્યા છે ત્યારે અમદાવાદના 24 કલાક ધમધમતા પાલડી વિસ્તારમાં રાત્રે એક યુવકની નૃશંસ હત્યાથી કાયદો-વ્યવસ્થાનો મજાક બની ગયો છે. દેશના સૌથી સ્વચ્છ શહેર અમદાવાદમાં પોલીસ ગુંડાઓને ‘સાફ’ નથી કરી શકતી. દેશનું સૌથી સુરક્ષિત શહેર અમદાવાદ હવે જાણે કે ગુનાખોરીમાં ક્રાઇમ સિટી સુરતની હરીફાઈ કરતું હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદમાં હવે ચિંતાજનક રીતે જાહેરમાં હત્યા, લૂંટ, મારામારી જેવા ગુનાઓ સામાન્ય બનતા જાય છે.

આજે(12 સપ્ટેમ્બર) વહેલી સવારે 3:30 વાગ્યાની આસપાસ પાલડી વિસ્તારમાં અંજલિ ઓવરબ્રિજ નીચે પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટર દૂર જ નામચીન નૈસલ ઠાકોર નામના યુવકની જાહેરમાં હત્યા કરાઈ છે. નંબરપ્લેટ વગરની કારમાં આવેલા 7-8 અજાણ્યા શખસોએ પહેલા નૈસલ ઠાકોરને ટક્કર મારી નીચે પાડી દીધો. બાદમાં ગાડીમાંથી ઉતરી ધારિયાં અને છરીના ઉપરાછાપરી ઘા મારી તેને પતાવી દીધો.

પાલડીના ભઠ્ઠા વિસ્તારમાં નામચીન યુવક નૈસલ ઠાકોર વહેલી સવારે 3:30 વાગ્યાની આસપાસ અંજલિ ફ્લાય ઓવરબ્રિજ નીચે પોલીસ સ્ટેશન પહેલાં આવતી ગલી પાસે પહોંચ્યો હતો. ત્યારે પાછળથી એક નંબરપ્લેટ વગરની સ્વિફ્ટ ગાડી આવી હતી. આ ગાડીએ નૈસલ ઠાકોરને જોરદાર ટક્કર મારી હતી, ત્યાર બાદ કારમાં આવેલા શખ્સો ગાડીમાંથી બહાર નીકળ્યા હતા અને ધારિયા-છરીના આડેધડ ઘા માર્યા હતા.

ગુંડાઓ રીતસરના યુવક પર ધારિયાં-છરી લઈ તૂટી પડ્યા હતા. એક બાદ એક ઉપરાછાપરી ધારિયાં-છરીના ઘાથી યુવકનું શરીર લોહીલુહાણ થઈ ગયું હતું. ગુંડાઓ એટલા ક્રુર હતા કે ધારિયાંના ઘા યુવકના શરીર પર ખૂપતાં તેને ફરી કાઢી ફરી મારતા હતા. એક ગુંડો તો યુવકના માથા પર જ ધારિયાંના ઘા વારંવાર મારતો દેખાય છે.
બાદમાં યુવકનું મોત થઈ ગયું તેમ સમજી ગુંડાઓ ત્યાંથી ફરાર થતા હતા. ત્યાં વળી તે યુવકના નસીબ ખરાબ હોય તેમ તે યુવકનો પગ હલ્યો. બસ પછી શું આ નૃશંસ હત્યારાઓએ જતા-જતા પાછી ગાડી ઊભી રાખી અને ગાડીમાંથી ઉતરી 8 ઘા મારી યુવકની હત્યા કન્ફર્મ કરી ત્યાંથી બિન્દાસ્ત નીકળી જાય છે. લોહીલુહાણ હાલતમાં મૃતક નૈસલ ઠાકોર રોડ પર પડ્યો હતો. બાદમાં ​​​​​​તેને ​સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો, જોકે તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. પાલડી પોલીસે હાલ આ મામલે તપાસ હાથ ધરી છે.